રિતુ શર્મા: ગુજરાતમાં રાજ્ય સરકાર ઓલિમ્પિક 2036 ની તૈયારી કરી રહી છે, આ સાથે યુવાનોને આંતરરાષ્ટ્રીય રમતગમત માટે તાલીમ આપવાનો દાવો કરવામાં આવે છે. ભણશે ગુજરાત, રમશે ગુજરાતની વાતો વચ્ચે બાળકો રમશે તો ક્યાં રમશે? એવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજ્યની 5,012 જેટલી શાળાઓમાં તો રમતના મેદાન જ ન હોવાનો ખુલાસો થયો છે.
રાજ્ય સરકારે સોમવારે વિધાનસભામાં વિગતો શેર કરી હતી તે મુજબ, ગુજરાતમાં 78 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 315 અનુદાનિત અને 255 ખાનગી શાળાઓ પાસે રમતના મેદાન નથી. રાજ્યમાં લગભગ 12,700 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને લગભગ 33,000 સરકારી પ્રાથમિક શાળાઓ છે.
અન્ય 37 સહાયિત અને 509 ખાનગી પ્રાથમિક શાળાઓમાં તેમના પરિસરમાં રમતના મેદાનોનો અભાવ છે. આ ઉપરાંત રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 31 માર્ચ, 2023 સુધી શારીરિક શિક્ષણ શિક્ષકોની 231 જગ્યાઓ ખાલી પડેલી છે.
સોમવારે વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા દર્શાવે છે કે, કુલ પોસ્ટ્સમાંથી, માધ્યમિક અનુદાનિત શાળાઓમાં 174 અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 57 ખાલી હતી, જ્યારે અનુક્રમે 602 અને 549 જગ્યાઓ ભરવામાં આવી હતી.
માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાં સૌથી વધુ 541 પ્રાથમિક શાળાઓ સાથે ટોચનું સ્થાન ધરાવે છે. જેમાં 518 સરકારી અને 23 ખાનગી શાળાઓ રમતના મેદાન વગરની છે. ત્યારબાદ બનાસકાંઠા (444), ભરૂચ (364), ભાવનગર (361) અને તાપી (334) જિલ્લો આવે છે.
ડેટા પરથી જાણવા મળ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રમતનું મેદાન વિકસાવવામાં આવ્યું નથી અને આ સમયગાળામાં માત્ર 16 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રમતનું મેદાન ઉમેરવામાં આવ્યું છે.
2018 માં, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ એક સરકારી ઠરાવ (GR) પસાર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ અથવા શહેરી વિસ્તારમાં કોઈપણ નવી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે મેનેજમેન્ટ અથવા ટ્રસ્ટીઓને એ જ સંકુલમાં રમતનું મેદાનની જોગવાઈ વિના કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં.
રમતના મેદાનો ભાડે આપવાના હાલના નિયમને બદલીને ‘માલિકી’માં બદલવામાં આવ્યા, આ દરખાસ્ત શાળાની ઇમારતો અને રમતના મેદાનોમાં ખાનગી શાળાઓ દ્વારા વિભાગને જાણ કરવામાં આવેલી ઘણી વિસંગતતાઓના પરિણામે હતી. જો કે, 2019-20 માં મંજૂર કરાયેલી નવી શાળાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડા બાદ શિક્ષણ વિભાગે સપ્ટેમ્બર 2019માં નવી શાળાઓની સ્થાપના માટેના નિયમોમાં સુધારો કર્યો હતો.
અગાઉના 2018 ના નોટિફિકેશન મુજબ, જે પાછળથી 2019 માં સુધારેલ હતું, અરજદારોએ 15 વર્ષ માટે રજિસ્ટર્ડ ભાડા કરારની શરત સાથે શાળાની બાજુના સમાન પરિસરમાં રમતના મેદાન માટે જગ્યા ધરાવવી જરૂરી હતી. પરવાનગી આપવા માટે ભાડાની જગ્યા હોય તો મુક્તિ આપવામાં આવી હતી.
આ પણ વાંચો – રખડતા ઢોર – પ્રાણી ખેતરોથી લઈને રસ્તાઓ સુધીની સમસ્યા બન્યા, હુમલામાં નિર્દોષ જીવો ગુમાવી રહ્યા છે
વધુમાં, લઘુત્તમ રમતના મેદાનના કદની જરૂરિયાત શહેરી વિસ્તારોમાં 1,200 ચોરસ મીટરથી બદલીને 800 ચોરસ મીટર કરવામાં આવી હતી, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 2,000 ચોરસ મીટરથી ઘટાડીને 1,500 ચોરસ મીટર કરવામાં આવી હતી.