G 7 Group Countries Summit 2025: આ વર્ષે જી 7 સમિટ 15 થી 17 જૂન દરમિયાન કેનેડાના અલ્બર્ટાના કેનાનસ્કીસમાં યોજાઈ રહી છે. આ સમિટમાં અમેરિકા, ફ્રાન્સ, યુકે, જાપાન, ઇટાલી, જર્મની અને કેનેડાના ટોચના નેતાઓ ભાગ લેશે. ભારત આ વૈશ્વિક સમિટનો ભાગ નથી પરંતુ સમિટમાં ભાગ લેશે. સામાન્ય રીતે જી-7ની યજમાની કરતા દેશો પણ આ ગ્રૂપ સિવાયના અન્ય દેશોને આમંત્રણ આપે છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમિટ માટે આમંત્રણ આપ્યું છે. આવો જાણીએ જી 7 સમિટ શું છે, આ સમૂહ કેટલું શક્તિશાળી છે?
જી-7 વિશ્વના સાત ‘અત્યાધુનિક’ અર્થતંત્રોનું ગઠબંધન છે, જે વૈશ્વિક વેપાર અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર પ્રભુત્વ ધરાવે છે. 2000માં આ જૂથ વૈશ્વિક જીડીપીમાં 40 ટકા હિસ્સો ધરાવતું હતું. પરંતુ તે પછી તેમાં ઘટાડો થયો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના આંકડા મુજબ આ જી 7 દેશો હવે વૈશ્વિક જીડીપીમાં 28.43 ટકા હિસ્સો ધરાવે છે. 2014 પહેલા જી-7 ખરેખર જી-8 હતું. રશિયા આઠમો દેશ હતો, પરંતુ 2014માં રશિયાએ ક્રિમિયા પર કબજો જમાવ્યા બાદ તેને આ સમૂહ દેશ માંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. વિશાળ અર્થવ્યવસ્થા અને વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ચીન ક્યારેય આ જૂથનો ભાગ રહ્યું નથી. ચીનની માથાદીઠ આવક આ સાત દેશો કરતાં ઘણી ઓછી છે. તેથી ચીનને અગ્રણી અર્થતંત્ર માનવામાં આવતું નથી, પરંતુ ભારત, ચીન અને અન્ય વિકાસશીલ દેશો જી 20 ગ્રૂપ સામેલમાં છે. યુરોપિયન યુનિયન પણ જી 7 સમૂહનું સભ્ય નથી, પરંતુ તેના અધિકારીઓ વાર્ષિક જી-7 સમિટમાં હાજરી આપે છે.
G 7 Group : જી 7 સમૂહ ક્યારે બન્યું, તે કેવી રીતે કામ કરે છે?
જી 7 સમૂહ દેશોના મંત્રીઓ અને અધિકારીઓની વાર્ષિક બેઠક યોજાય છે, સમજૂતીઓનો મુસદ્દો તૈયાર કરે છે અને વૈશ્વિક ઘટનાઓ પર સંયુક્ત નિવેદનો જારી કરે છે. આ વખતે જી-7 ગ્રુપને પચાસ વર્ષ પણ પૂરા થઈ રહ્યા છે. દર વર્ષે, તેના સાત સભ્ય દેશો વારાફરતી તેની અધ્યક્ષતા કરે છે. કેનેડા આ વખતે જી-7ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની સાથે સાથે સમિટના એજન્ડામાં વિકાસથી લઈને ડિજિટલ ટ્રાન્ઝિશન સુધીના વૈશ્વિક પડકારો છે. અમેરિકા, ફ્રાન્સ, ઇટાલી, જાપાન, બ્રિટન અને પશ્ચિમ જર્મનીએ 1975માં 6 દેશોનું જૂથ બનાવ્યું હતું.
તે સમયે આ સમૂહની રચના 1973માં મોટા ઓઈલ ઉત્પાદક દેશો અને તેલની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધો પરથી સર્જાયેલા આર્થિક પડકારોનું સમાધાન શોધવા માટે કરવામાં આવી હતી.તે પછીના વર્ષે કેનેડા તેમાં જોડાયું. ત્યારબાદ 1980ના દાયકામાં આ સાત દેશોએ પોતાનો વ્યાપ વધારવાનું શરૂ કર્યું અને રાજકીય મુદ્દાઓને પણ આવરી લેવાનું શરૂ કર્યું. 1998માં, રશિયા ઔપચારિક રીતે આ જૂથમાં જોડાયું હતું અને તેને જી 8 કહેવામાં આવતું હતું. જી 7નું કોઈ કાનૂની અસ્તિત્વ નથી, કે તેનું કાયમી પદ પણ નથી. પરંતુ તે સભ્ય દેશોને એક મંચ આપે છે જ્યાં તેઓ સામાન્ય ચિંતાઓ અથવા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.
જી 7 સમૂહ પાસે કોઇ સત્તા છે?
જી 7 સમૂહ દેશો કોઈ કાયદા પસાર કરી શકતા નથી. તે ઔપચારિક જૂથ નથી અને તેને નિર્ણયોનું પાલન કરવાની જરૂર નથી. જો કે, આ જૂથ દ્વારા ભૂતકાળમાં લેવાયેલા કેટલાક નિર્ણયોની વૈશ્વિક અસર જોવા મળી છે. ઉદાહરણ તરીકે, 2002માં, આ જૂથે મેલેરિયા અને એઇડ્સ જેવા રોગો સામે લડવા માટે વૈશ્વિક ભંડોળ ઊભું કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. 2021ની સમિટ યુકેમાં યોજાઈ હતી, પરંતુ તે પહેલાં જ આ ગ્રૂપના નાણાપ્રધાનો વચ્ચે એવી સંમતિ સધાઈ હતી કે બહુરાષ્ટ્રીય કંપનીઓને વધુ ટેક્સ ચૂકવવો પડશે. આ જૂથ વિકાસશીલ દેશોને આર્થિક સહાય પણ પૂરી પાડે છે અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.
જી 7 સમિટમાં ભારતને આમંત્રણ
દક્ષિણ એશિયાના નિષ્ણાત માઇકલ કુગેલમેન કહે છે કે જી-7 સમિટમાં ભારતનું આમંત્રણ ભારતનું વૈશ્વિક મહત્વ દર્શાવે છે. આ ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવને પ્રતિબિંબિત કરતું નથી. આગામી સમયમાં સંબંધોમાં નરમાઈના સંકેત છે. પરંતુ આખરે પશ્ચિમી અને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાના ટોચના ભાગીદારને સમિટમાંથી બહાર રાખવું મુશ્કેલ છે.
વ્યૂહાત્મક વિશ્લેષક બ્રહ્મા ચેલ્લાનીના જણાવ્યા અનુસાર, કાર્નીની આ પહેલ 38 દેશોના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન (ઓઇસીડી)ની ચેતવણી બાદ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક મંદીથી કેનેડાની અર્થવ્યવસ્થાને સૌથી વધુ અસર થશે. સ્પષ્ટ છે કે કાર્ની ભારત અને ચીન બંને સાથે તણાવપૂર્ણ સંબંધોને સુધારીને કેનેડાની સ્થિર અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
જી 7 સમૂહમાં ભારત કેમ સામેલ નથી?
જી 7 સમૂહનો સભ્ય ન હોવા છતાં હતા આ સમિટમાં ભારતને આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે જી 7ની રચના થઈ ત્યારે ભારત વિકાસશીલ દેશ હતો અને ગરીબી સામે ઝઝૂમી રહ્યો હતો. જી 7ની રચના વિકસિત દેશો માટે કરવામાં આવી હતી, જેમની અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે મજબૂત હતી. ભારત તે સમયે આ માપદંડને પૂર્ણ કરી રહ્યું ન હતું. જી 7 સમૂહ હવે તેના સમૂહનો વિસ્તાર કરતું નથી અને નવા સભ્યો ઉમેરતા નથી. તેથી જ ભારત આ જૂથનો ભાગ નથી.