Delhi Excise Policy Case : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના રિમાન્ડને હાઇકોર્ટમાં પડકાર્યા હતા અને તેમની ધરપકડને ખોટી ગણાવી હતી. જોકે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી અને તેમને કોઇ રાહત મળી નથી. અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી હતી અને હવે ચુકાદો આવી ગયો છે.
કોર્ટે કહ્યું કે અરજદારે જામીન માટે અરજી કરી નથી પરંતુ તેની ધરપકડને પડકારી છે. કોર્ટે કહ્યું કે અરજદારે કહ્યું છે કે ધરપકડ ખોટી છે. કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રીનો કોઈ વિશેષાધિકાર નથી. આ મામલો કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચેનો નથી, પરંતુ કેજરીવાલ અને ઇડી વચ્ચેનો છે. આથી આ અરજી ફગાવી દેવામાં આવે છે.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ વૈધ છે. કોર્ટે ચુકાદા દરમિયાન સ્પષ્ટ કરી દીધું હતું કે આ અરજી જામીન માટે નહીં પરંતુ ધરપકડને પડકારવા માટે કરવામાં આવી છે.
કેજરીવાલે ધરપકડને ગેરબંધારણીય ગણાવી હતી
હાઈકોર્ટના જજ જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ આ ચુકાદો સંભળાવ્યો હતો. દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલે આ અરજીમાં પોતાની ધરપકડ અને ત્યારબાદ ઈડીના રિમાન્ડને ગેરબંધારણીય ગણાવ્યા હતા. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે સીએમની તાત્કાલિક ધરપકડ કરવાની જરૂર નથી.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન સામે કોંગ્રેસના નેતા ચૂંટણી પંચમાં પહોંચ્યા, જાણો શું છે કેસ
તેમણે કેજરીવાલની ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેનાથી લોકતંત્ર, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી અને લેવલ પ્લેઇંગ ફિલ્ડ સહિત બંધારણનું ઉલ્લંઘન થયું છે. ઇડીએ હાઇકોર્ટમાં પણ દલીલ કરી હતી અને કેજરીવાલને દારૂ કૌભાંડના મુખ્ય કિંગપીન ગણાવ્યા હતા. ઇડીએ આ અરજીનો વિરોધમાં દલીલ કરી હતી કે કેજરીવાલ આગામી ચૂંટણીઓના આધારે ધરપકડથી છૂટનો દાવો કરી શકે નહીં. ઇડીએ કહ્યું હતું કે આ કાયદો તેમના પર અને સામાન્ય વ્યક્તિ પર સમાન રીતે લાગુ પડે છે.