Economic Survey 2025 Highlights: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં આર્થિક સર્વે 2024-25 રજૂ કરવામાં આવ્યો છે. આર્થિક સર્વે 2025 મુજબ, ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે ફુગાવો વધવાનું જોખમ રહેલું છે. આ સાથે, રોકાણને વેગ આપવું અને વ્યવસાયિક વાતાવરણમાં સુધારો કરવો જરૂરી છે. આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26માં દેશની અર્થવ્યવસ્થા 6.3 ટકાથી 6.8 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. જો કે, ટકાઉ વિકાસ માટે અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે, રોકાણનો દર 31% થી વધારીને 35% કરવો પડશે.
અર્થવ્યવસ્થા મજબૂત પણ ફુગાવા વધવાનો ડર
આર્થિક સર્વે 2025 મુજબ, ભારતીય અર્થતંત્ર મજબૂત રહે છે અને રાજકોષિય શિસ્ત, સ્થિર વપરાશ અને સરકારી ખર્ચના સંતુલિત સંચાલન દ્વારા મજબૂત બની રહ્યું છે. જો કે, વૈશ્વિક રાજકીય અને આર્થિક અસ્થિરતાને કારણે ફુગાવા વધવાનું જોખમો હજુ પણ યથાવત છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધઘટ અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપ ફુગાવાને અસર કરી શકે છે.
રોકાણ વધારવાની જરૂર
આર્થિક સર્વે 2025માં જણાવાયું છે કે રોકાણ પ્રવૃત્તિમાં સુધારો કરવાની જરૂર છે અને તેને પ્રોત્સાહિત કરવા માટે સરકાર જાહેર મૂડી ખર્ચ (પબ્લિક કેપેક્સ) વધારી રહી છે. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રોકાણનો દર વર્તમાન 31% થી વધારીને 35% કરવો જરૂરી છે.
સરકાર માને છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાં સતત વધારો આર્થિક વૃદ્ધિને વેગ આપશે. આગામી બે દાયકા સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવું જરૂરી છે જેથી ભારત ઉચ્ચ વિકાસ દર જાળવી શકે.
ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસ 2.0: રાજ્યો પર જવાબદારી
આર્થિક સર્વેમાં દેશમાં વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે કહેવામાં આવ્યું છે કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (EoDB) 2.0 લાગુ કરવું જરૂરી છે. આ અંતર્ગત રાજ્યોએ વેપાર અને રોકાણને અવરોધતા મુખ્ય અવરોધોને દૂર કરવા માટે નીતિઓ બનાવવી પડશે.
આર્થિક સર્વે મુજબ ભારતે વેપાર કરવાની સરળતા માટે વૈશ્વિક સ્તરે પોતાને સ્પર્ધાત્મક બનાવવાની જરૂર છે અને તેના ભૂતકાળના પ્રદર્શનની સરખામણી કરવાને બદલે આંતરરાષ્ટ્રીય ધોરણોને અપનાવવાની જરૂર છે.
સંતુલિત આર્થિક નીતિ જરૂરી
ભારતના આર્થિક વિકાસને વૈશ્વિક આર્થિક અસ્થિરતા, ભૂ-રાજકીય તણાવ અને મંદી જેવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, સાવચેત અને વ્યૂહાત્મક આર્થિક નીતિની જરૂરી રહેશે.
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે નિકાસ વધારવા અને વધુ રોકાણ આકર્ષવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વધુ વિકાસ કરવો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ અને બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેક્નોલોજીમાં રોકાણ કરવું જરૂરી બનશે.
Foreign Exchange Reserves : વિદેશી હૂંડિયાણ અનામત
ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત 640.3 અબજ ડોલર છે, જે લગભગ 10 મહિનાના આયાત ખર્ચની ચૂકવણી બરાબર છે, અને દેશના બાહ્ય દેવુંના 90%ને આવરી શકે છે. આ મજબૂત વિદેશી મુદ્રા ભંડાર દેશની આર્થિક સ્થિરતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
સર્વિસ સેક્ટર પર ઓટોમેશનની અસર
ભારતનું અર્થતંત્ર મુખ્યત્વે સેવા ક્ષેત્ર પર આધારિત છે . સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર વધુ હોઈ શકે છે, કારણ કે ભારતની વસ્તી મોટી છે અને માથાદીઠ આવક પ્રમાણમાં ઓછી છે. તેથી, ભવિષ્યની આર્થિક નીતિઓ એવી રીતે તૈયાર કરવી પડશે કે ઓટોમેશનની અસર છતાં રોજગારીની નવી તકો ઊભી કરી શકાય.
કોર્પોરેટ સેક્ટરે સામાજિક જવાબદારી પુરી કરે
આર્થિક સર્વેક્ષણે કોર્પોરેટ સેક્ટરની સામાજિક જવાબદારી (CSR)ને પૂર્ણ કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. કંપનીઓએ સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સમજવી જોઈએ અને ટકાઉ વિકાસમાં યોગદાન આપવું જોઈએ.
ખેતી ક્ષેત્રને મજબૂત કરવાની જરૂરી
આર્થિક સર્વેમાં કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતે કઠોળ, તેલીબિયાં, ટામેટાં અને ડુંગળીનું ઉત્પાદન વધારવા માટે સંશોધન કાર્યને વેગ આપવાની જરૂર છે. ઉપરાંત, આબોહવા-સહિષ્ણુ પાકો વિકસાવવા પર ધ્યાન આપવું પડશે જેથી કરીને પાકની ઉપજ વધારી શકાય અને પાકના નુકસાનને ઘટાડી શકાય.
વધુ વાંચો : આર્થિક સર્વેમાં ઘટસ્ફોટ – ભારતનો GDP 4 વર્ષમાં સૌથી નીચો રહેવાનો
આર્થિક સર્વેક્ષણ 2024-25 અનુસાર, આગામી વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત રહેશે, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ફુગાવાનું જોખમ રહેશે. મૂડીરોકાણનો દર વધારવા, બિઝનેસ કરવામાં સરળતા મજબૂત કરવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ચાલુ રાખવા અને સર્વિસ સેક્ટરને ઓટોમેશનની અસરથી બચાવવા માટે નક્કર નીતિઓ અપનાવવી પડશે. જો ભારત આગામી 20 વર્ષ માટે 8%નો સરેરાશ વિકાસ દર જાળવી રાખે છે, તો 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.