scorecardresearch
Premium

શું કોંગ્રેસ સિદ્ધારમૈયાને કર્ણાટકના સીએમ પદથી હટાવવા જઇ રહી છે? ખડગેના નિવેદનથી રાજનીતિ હલચલ

Karnataka Politics : મલ્લિકાર્જુન ખડગેની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાની બેંગલુરુ મુલાકાતથી સિદ્ધારમૈયાની જગ્યાએ ડીકે શિવકુમારની ચર્ચા તેજ થઈ ગઈ છે

DK Shivakumar, Siddaramaiah
કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો ચાલી રહી છે (તસવીર – સોશિયલ મીડિયા)

Karnataka Politics : કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની વાતો વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે આ અફવાઓનો સ્પષ્ટ ઈનકાર કર્યો નથી. આ સાથે જ તેને પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધી છે. ખડગેની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાની બેંગલુરુ મુલાકાતથી સિદ્ધારમૈયાની જગ્યાએ ડીકે શિવકુમારની ચર્ચા તેજ થઈ ગઈ છે.

ઓક્ટોબરમાં કર્ણાટકના સીએમને બદલવાની વાતચીત અંગે પૂછવામાં આવતા ખડગેએ કહ્યું કે તે હાઈકમાન્ડના હાથમાં છે, હાઈકમાન્ડમાં શું ચાલી રહ્યું છે તે કોઈ કહી શકે નહીં. તે હાઈકમાન્ડ પર છોડી દેવામાં આવ્યું છે. તેમને આગળની કાર્યવાહી કરવાનો અધિકાર છે, પરંતુ કોઈએ બિનજરૂરી સમસ્યાઓ ઉભી કરવી જોઈએ નહીં.

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય એચએ ઈકબાલ હુસૈને રવિવારે દાવો કર્યો હતો કે ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારને આગામી બેથી ત્રણ મહિનાની અંદર રાજ્યના મુખ્યમંત્રી બનવાની તક મળી શકે છે.

હાઈકમાન્ડ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે

ઈકબાલ હુસૈને કહ્યું કે તમે બધા જાણો છો કે આ સરકાર સત્તામાં આવી તે પહેલાં અમારી (કોંગ્રેસ) તાકાત શું હતી. બધા જાણે છે કે આ જીતને મેળવવા માટે કોણે સંઘર્ષ કર્યો, પરસેવો, પ્રયાસ અને રસ દાખવ્યો. તેમની (શિવકુમાર) રણનીતિ અને કાર્યક્રમો હવે ઇતિહાસ બની ચુક્યા છે. તેમણે જણાવ્યું હતું કે હું અટકળોમાં માનતો નથી. અમને ખાતરી છે કે હાઈકમાન્ડને પરિસ્થિતિની જાણ છે અને તેને તક આપવા માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ડીકે શિવકુમાર, જેઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ છે તેઓ આ વર્ષે સીએમ બનશે, તો હુસૈને જવાબ આપ્યો કે હા, હું કહી રહ્યો છું. તેઓ સપ્ટેમ્બરથી ક્રાંતિકારી રાજકીય વિકાસ માટે કેટલાક નેતાઓ સંકેત આપી રહ્યા છે તે તારીખ વિશે વાત કરી રહ્યા છે. બેથી ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવામાં આવશે.

2023માં કોંગ્રેસે કર્ણાટકમાં સરકાર બનાવી હતી

હુસેને વધુમાં માહિતી આપી હતી કે કોંગ્રેસ હાઈકમાન્ડે 2023ની વિધાનસભાની ચૂંટણી પછી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે અમે બધા તે સમયે દિલ્હીમાં સાથે હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ આ નિર્ણય લીધો હતો. એ વાત તો સૌ કોઈ જાણે છે. તેઓ આગામી નિર્ણય પણ લેશે. આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે. સહકારીતા મંત્રી કેએન રાજન્નાએ પણ સપ્ટેમ્બર પછી રાજ્યમાં “ક્રાંતિકારી” રાજકીય ઘટનાક્રમનો સંકેત આપ્યો છે.

આ પણ વાંચો – તેલંગાણા : ધારાસભ્ય ટી રાજા સિંહે ભાજપમાંથી રાજીનામું આપ્યું, વ્યક્ત કરી પોતાની નારાજગી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જે સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે સત્તાની વહેંચણીની કથિત સમજૂતી સાથે જોડાયેલી છે. પરંતુ પાર્ટી હાઈકમાન્ડની કડક સૂચના બાદ આવી ચર્ચાઓ શાંત થઈ ગઈ હતી.

મે 2023માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીત્યા બાદ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદ માટે સખત સ્પર્ધા હતી. કોંગ્રેસ શિવકુમારને નાયબ મુખ્યમંત્રીની ભૂમિકા સ્વીકારવા માટે મનાવવામાં સફળ રહી હતી. તે સમયના અહેવાલોમાં “રોટેશનલ સીએમ ફોર્મ્યુલા” સૂચવવામાં આવી હતી, જેમાં શિવકુમારે અઢી વર્ષ પછી પદ સંભાળવાનું હતું, જોકે તેની સત્તાવાર પુષ્ટિ ક્યારેય થઈ ન હતી.

ખડગેની હાઈકમાન્ડની ટિપ્પણી પર ભાજપની પ્રતિક્રિયા

ભારતીય જનતા પાર્ટીએ ખડગેની ટિપ્પણીને લઈને આકરા પ્રહારો કર્યા હતા કે કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય હાઈકમાન્ડ લેશે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે પાર્ટીમાં કોંગ્રેસ અધ્યક્ષનું કોઈ મહત્વ નથી અને માત્ર ગાંધી પરિવાર જ નિર્ણયો લે છે.

Web Title: Dk shivakumar vs siddaramaiah power tussle out in open in karnataka ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×