Delhi Rain: દિલ્હીમાં શુક્રવાર (28 જૂન) સવારથી સતત થઈ રહેલા વરસાદે સામાન્ય લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરી છે. દિલ્હીમાં રસ્તાઓ પર અને ખાસ કરીને અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે ઘણા વાહનો ફસાઈ ગયા છે. જળબંબાકારની સ્થિતિ બાદ દિલ્હી સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
જ્યારે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવા માટે ઈમરજન્સી કંટ્રોલ રૂમની રચના કરે. ઉપરાજ્યપાલે પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બેઠક યોજી છે અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની રજા રદ કરી દીધી છે.
શું છે માહિતી?
દિલ્હી સરકારે ભારે વરસાદ અને પાણી ભરાવાના મામલે આજે બપોરે 2 વાગ્યે દિલ્હી સચિવાલયમાં ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દિલ્હી સરકારના તમામ મંત્રીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. બીજી તરફ ભારે વરસાદને કારણે એલજી વીકે સક્સેનાએ તમામ પ્રકારની તૈયારીઓ માટે સૂચના જાહેર કરી છે.
શહેરના અનેક વિસ્તારોમાં વીજકાપ પણ થયો હોવાની માહિતી બહાર આવી રહી છે. જેના કારણે રહેણાંક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ સતત અધિકારીઓ પાસેથી માહિતી લઈ રહ્યા છે. વીજ વિતરણ કંપનીના અધિકારીઓએ આ માહિતી આપી છે.
આ પણ વાંચો – દિલ્હીમાં વરસાદએ તોડ્યો 88 વર્ષનો રેકોર્ડ, અનેક વૃક્ષો ધરાશાયી, વાહનો પાણીમાં ગરકાવ
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમ સ્થાપિત કરે. ઉપરાજ્યપાલ કાર્યાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
વ્યવસ્થાઓને મજબૂત બનાવવામાં આવશે
ઉપરાજ્યપાલ વીકે સક્સેના દ્વારા બોલાવવામાં આવેલી આપાતકાલીન બેઠકમાં તેમણે વ્યવસ્થાને મજબૂત કરવા માટે કહ્યું છે. જાણકારી અનુસાર બેઠકમાં જલ બોર્ડ, પીડબ્લ્યુડી, એમસીડી, એનડીએમસી, દિલ્હી પોલીસ, ડીડીએ અને એનડીઆરએફના અધિકારીઓ હાજર હતા. વીકે સક્સેનાએ અધિકારીઓને કહ્યું છે કે વરસાદથી સામે આવેલી ખામીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવે.
આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે દિલ્હી સરકારના મંત્રીઓ પણ એક અલગ બેઠકમાં જોડાયા છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર સફદરજંગ વેધર સ્ટેશનમાં 153.7 મીમી વરસાદ નોંધાયો છે. સવારે 3 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક દિવસમાં 124.5થી 244.4 મીમી વરસાદ અતિ ભારે વરસાદ કહેવાય છે. આગામી બે દિવસમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.