ED Summons Aap Goa President Amit Palekar In Delhi Liquor Policy Case : નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં લિકર કૌભાંડ કેસ મામલે આમ આદમી પાર્ટીના ગોવા પ્રમુખ અમિત પાલેકરને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇડીએ અમિત પાલેકરને આવતીકાલ 28 માર્ચ ગુરુવારે તપાસ માટે હાજર થવા સમન્સ મોકલ્યું છે.
ઈડીએ અમિત પાલેકર ઉપરાંત રામારાવ વાઘ, દત્ત પ્રસાદ નાઈક અને ભંડારી સમાજના પ્રમુખ – અશોક નાઈકને પણ સમન્સ પાઠવ્યું છે. આ તમામને પણ આવતીકાલે તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે.
કેજરીવાલની ધરપકડથી આપને ફાયદો થશે : આતિશી
દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ બુધવારે કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડથી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફાયદો થશે, કારણ કે પાર્ટીને ઘણી સહાનુભૂતિ મળી રહી છે. આતિશીએ કેજરીવાલની ધરપકડને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે દેશના લોકશાહી ઇતિહાસમાં આ પ્રકારનો પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી.
તેમણે પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,”સારી બાબત એ છે કે તેનાથી અમને ચૂંટણીમાં ફાયદો થયો છે.
તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ ની ધરપકડ પહેલા લોકસભાની ચૂંટણીના પરિણામને નિશ્ચિત માનવામાં આવતું હતું કારણ કે લોકો માનતા હતા કે ભાજપ જીતશે. પરંતુ કેજરીવાલની ધરપકડ પછી, અમારા પ્રત્યે લોકોની સહાનુભૂતિ વધી ગઈ છે. માત્ર એક જ લાગણી છે કે ભાજપે વધારે પડતું કરી દીધું. તેથી, મને લાગે છે કે તેણે અમને ચૂંટણીલક્ષી ફાયદો પહોંચાડ્યો છે.
આ પણ વાંચો | શું કેજરીવાલ જેલમાંથી સરકાર માટે આદેશો જાહેર કરી શકે છે? સમજો નિયમ
દિલ્હીમાં દીપક સિંગલાના પરિસરમાં ઇડીના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં દિલ્હીમાં આપ ના નેતા દીપક સિંગલાના પરિસરમાં બુધવારે દરોડા પાડ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. દીપક સિંગલા વિશ્વાસ નગર બેઠક પરથી આપની ટિકિટ પર દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરોડા અમુક કથિત નાણાકીય ગેરરીતિ સાથે જોડાયેલા હતા.