AAP Candidate List Of Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ આજે વિધાનસભા ચૂંટણી માટે ચોથી અને અંતિમ યાદી જાહેર કરી છે. આપ પાર્ટીએ 38 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મુખ્યમંત્રી આતિશી કાલકાજી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ સાથે જ આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
આપ પાર્ટી દ્વારા 38 ઉમેદવારના નામ જાહેર
મંત્રી સૌરભ ભારદ્વાજને ગ્રેટર કૈલાશથી, મંત્રી ગોપાલ રાયને બાબરપુરથી, દુર્ગેશ પાઠકને રાજીન્દર નગરથી, સત્યેન્દ્ર કુમાર જૈનને શકુર બસ્તીથી, રમેશ પહેલવાનને કસ્તુરબા નાગાથી, સોમ દત્તને સદર બજારથી, ઇમરાન હુસૈનને બલ્લીમારાનથી, રઘુવિન્દર શોકીનને નાંગલોઇથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
તો જરનૈલ સિંહને તિલક નગરથી ટિકિટ આપવામાં આવી છે. માલવીય નગરથી સોમનાથ ભારતી અને ઓખલાથી અમાનતુલ્લાહ ખાનને ટિકિટ મળી છે. ધનવતી ચંદેલાને રાજૌરી ગાર્ડનથી, વિશેષ રવિને કરોલ બાગથી, પ્રમિલા ટોકસને આરકે પુરમથી અને નરેશ યાદવને મેહરૌલીથી આપ પાર્ટીએ ટિકિટ મળી છે. આપ પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી, 70 બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર
આપ પાર્ટી દ્વારા આજે 38 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની તમામ 70 વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આપ પક્ષના વડા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આપ દિલ્હીની ચૂંટણીમાં એકલા લડશે અને કોંગ્રેસ સાથે કોઈ જોડાણ કરશે નહીં.
આપ પાર્ટીએ યાદી જાહેર કર્યા બાદ તરત જ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, પાર્ટી આ ચૂંટણીમાં પૂરા વિશ્વાસ અને તૈયારી સાથે ઉતરશે. “ભાજપ ગાયબ છે. તેમની પાસે મુખ્યમંત્રીનો ચહેરો નથી, દિલ્હી માટે કોઈ ટીમ કે કોઈ યોજના કે વિઝન નથી. તેમની પાસે એક જ સૂત્ર છે અને તે પણ ગાયબ છે. ‘કેજરીવાલને હટાવો’ . તેમને પૂછો કે પાંચ વર્ષમાં તેઓએ શું કર્યું છે, તેઓ કહેશે કે અમે કેજરીવાલને ગાળો આપી હતી.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													