દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે… તેમને બક્ષવામાં આવશે નહીં. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના.”
તેમણે વધુમાં કહ્યું, “હું પ્રાર્થના કરું છું કે ઘાયલો શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે… તેમને બક્ષવામાં આવશે નહીં! તેમના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અડગ છે અને તે વધુ મજબૂત બનશે.”
પીએમ મોદીએ સાઉદી અરબનો પ્રવાસ ટુંકાવ્યો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી ન હતી. તેમણે પોતાની સાઉદી યાત્રા ટૂંકી કરવાનો નિર્ણય લીધો. તે આજે રાત્રે ભારત જવા રવાના થશે. બુધવારે સવારે ભારત પહોંચશે. પ્રધાનમંત્રી બે દિવસની સાઉદી મુલાકાતે ગયા હતા. પ્રધાનમંત્રી બુધવારે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં હાજરી આપશે.
પ્રિયંકા ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યું
પહેલગામમાં થયેલા આ આતંકવાદી હુમલા પર કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધીએ પણ નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું, “આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અસરગ્રસ્ત પરિવારો અને પ્રવાસીઓ પ્રત્યે મારી સંવેદના છે. સરકારે કડક પગલાં લેવા જોઈએ.”
જમ્મુ અને કાશ્મીરમાં સીપીઆઈ(એમ)ના મોહમ્મદ યુસુફ તારિગામીએ કહ્યું કે જેઓ આ શરમજનક કૃત્યમાં સામેલ હતા તેઓ અમારા મિત્ર ન હોઈ શકે. પર્યટન પર નિર્ભર જમ્મુ અને કાશ્મીરના લોકો ક્યાં જશે? અહીં મહેમાન તરીકે આવનારાઓ પર હુમલો કરવો એ આપણી પરંપરાનો ભાગ નથી. આ શરમજનક છે.
આ પણ વાંચો: પહેલગામ હુમલાની જવાબદારી આ કુખ્યાત આતંકી સંગઠને લીધી
ટીએમસીએ શું કહ્યું?
ટીએમસી નેતા કુણાલ ઘોષે કહ્યું, “આ ઘટનાની ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કારણ કે આ દેશની સરહદ અને આંતરિક સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે. ભાજપ મોટા દાવા કરે છે પરંતુ સરહદ પર વારંવાર નિષ્ફળ જાય છે… આ હુમલો કેમ થયો? આ હુમલાઓ પાછળ કોણ હતું?… ગુપ્તચર તંત્ર શું કરી રહ્યું હતું?
પુલવામા પછીનો સૌથી ઘાતક હુમલો
2019 માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક હુમલો છે. આ સંદર્ભમાં એક વરિષ્ઠ અધિકારીએ વિગતવાર માહિતી આપ્યા વિના જણાવ્યું હતું કે 26 મૃતકોમાં બે વિદેશી અને બે સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે. ઘણા કેન્દ્રીય મંત્રીઓએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.
પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે આતંકવાદી હુમલાના ગુનેગારોને સૌથી કડક સજા મળશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું.
આ આતંકી સંગઠને પહલગામને રક્તરંજીત કર્યું, જાણો શું છે RTF?
તેમણે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા કાયર આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. હું મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.”