BJP Wins Dalit Seats in Jammu: ગત કેટલાક વર્ષોમાં કોંગ્રેસ બીજેપીને સતત દલિત વિરોધી પાર્ટી ગણાવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે બીજેપી સંવિધાન અને આરક્ષણના વિરૂદ્ધમાં છે. લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પોતાની ચૂંટણી જનસભાઓમાં સતત આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે બીજેપી દલિત વિરોધી છે અને તેના ફરીથી સત્તામાં આવતા સંવિધાન અને આરક્ષણ પર ખતરો આવી શકે છે.
લોકસભા ચૂંટણીના પરિણામો આવતા સાફ જોવા મળ્યું કે કોંગ્રેસના આ પ્રચારથી તેને ફાયદો થયો અને બીજેપીને નુક્સાન થયું અને બીજેપી પોતાના દમ પર બહુમત પણ હાંસલ કરી શકી નહીં. તે 240 બેઠકો પર અટકી ગઈ.
બીજેપીને દલિત વિરોધી બતાવવા પર કોંગ્રેસનો આ પ્રચાર જમ્મુમાં સંપૂર્ણ રીતે ધ્વસ્ત થતો જોવા મળ્યો છે કારણ કે અનુસૂચિત જાતિ માટે આરક્ષિત તમામ સાત બેઠકો પર બીજેપીએ જીત હાંસલ કરી છે. આ સિવાય હરિયાણામાં પણ અનામત બેઠકોના મામલે બીજેપીએ સારૂ પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો : ભારતમાં બનશે બે ન્યુક્લિયર સબમરીન, 40 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારે આપી મંજૂરી
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોંફ્રેંસ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમત મળ્યું હતું. નેશનલ કોંફ્રેંસને 42 બેઠકો પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને 6. બીજેપીએ પોતાના દમ પર ચૂંટણી લડતા 29 બેઠકો જીતી છે અને આ તમામ સીટો મહદઅંશે જમ્મુમાંથી જ જીતી છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની 90 બેઠકો છે. જેમાંથી જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટો છે.
જોકે બીજેપીને અનુસૂચિત જનજાતિ માટે અનામત સીટો પર જીત મળી નથી. જમ્મુ-કાશ્મીકમાં એસટી માટે 9 બેઠકો અનામત છે.જેમાંથી 6 સીટ જમ્મુમાં છે.
પહાડી સમુદાયને પણ એસટીમાં કર્યા સામેલ
તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ માટે પ્રથમવાર સીટો અનામત રાખવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પહાડી સમુદાયને પણ એસટીની શ્રેણીમાં સામેલ કર્યા હતા. પુંછ અને રાજૌરી જિલ્લામાં એસટી મતદાતાઓ મોટી સંખ્યામાં છે. જાણકારી અનુસાર,પહાડી સમુદાયને એસટીમાં સામેલ કરાયા બાદ ગુજ્જર મતદાતા નારાજ થઈ ગયા અને આ કારણે અનુસૂચિત જનજાતિના લોકોની અનામત સીટો પર બીજેપીને જીત મળી નહીં. એક વ્યક્તિએ નામ જાહેર ન કરવાની શરતે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, આ કારણે ગુજ્જર મતદાતા કોંગ્રેસ-એનસી ગઠબંધન પાછળ જોડાય ગયા અને તેમને પહાડી સમુદાયના લોકોના પણ વોટ મળ્યા.
હરિયાણામાં વધુ અનામત સીટો પર બીજેપીની જીત
હરિયાણામાં પણ અનામત બેઠકોના મામલે બીજેપીનું પ્રદર્શન 2019ની વિધાનસભા ચૂંટણી કરતા સારૂં રહ્યું છે. હરિયાણાની વિધાનસભામાં 17 બેઠકો અનામત છે. 2019માં બીજેપીને તેમાંથી 5 બેઠકો મળી હતી જ્યારે આ વખતે પાર્ટીએ 8 સીટો જીતી છે અને 9 સીટો કોંગ્રેસના ખાતામાં ગઈ છે. જ્યારે કોંગ્રેસને આશા હતી કે તે તમામ અનામત સીટો પર જીત હાંસલ કરી લેશે.
હરિયાણામાં પણ વિધાનસભાના પ્રચાર દરમિયાન કોંગ્રેસે સંવિધાન અને આરક્ષણ પર ખતરો હોવાની વાત કહી હતી પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. આ સાથે જ પાર્ટીએ અગ્નિવીર યોજના અને ખેડૂતોના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો અને એવો દાવો કર્યો હતો કે હરિયાણામાં કોંગ્રેસ સરકાર બનાવશે પરંતુ ચૂટણીના પરિણામો આવ્યા બાદ તમામ દાવાઓ હવામાં ઉડી ગયા.