China Dam Project On Brahmaputra River: ચીને શનિવારે ભારત સાથેની સરહદ નજીક દક્ષિણ-પૂર્વ તિબેટમાં બ્રહ્મપુત્ર નદી (જે તિબેટમાં યારલુંગ સાંગપો તરીકે ઓળખાય છે) પર એક મોટા ડેમનું નિર્માણ શરૂ કર્યું છે. આ વિસ્તાર ભારતના અરુણાચલ પ્રદેશની સીમાથી ઘણો નજીક છે. ન્યુઝ એજન્સી એએફપીએ સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું છે કે, ચીનના પ્રીમિયર લી કેકિયાંગે આ પ્રોજેક્ટના ભૂમિપૂજન સમારંભમાં હાજરી આપી હતી.
આ પ્રોજેક્ટને ડિસેમ્બરમાં બેઇજિંગ મારફતે મંજૂરી આપવામાં આવી હતી અને તેને તિબેટ ક્ષેત્રમાં ચીનના કાર્બન તટસ્થતા લક્ષ્યો અને વિકાસના લક્ષ્યો સાથે જોડવામાં આવી રહી છે.
અરુણાચલ પ્રદેશની નજીકના વિસ્તાર ન્યિંગચીમાં આયોજિત સમારોહ બાદ ચીનની સરકારી શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, ઉત્પન્ન થતી વીજળી મુખ્યત્વે અન્ય વિસ્તારોમાં વપરાશ માટે મોકલવામાં આવશે, તેમજ તિબેટમાં સ્થાનિક વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવામાં આવશે.
5 હાઇડ્રોપાવર સ્ટેશન અને 1.2 ટ્રિલિયન યુઆનનું રોકાણ
શિન્હુઆના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં પાંચ હાઇડ્રોપાવર સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં અંદાજે 1.2 ટ્રિલિયન યુઆન (લગભગ 167 અબજ ડોલર)નું રોકાણ કરવામાં આવશે. જ્યારે આ ડેમનું નિર્માણ પૂર્ણ થશે, ત્યારે યાંગત્ઝે નદી પરના થ્રી ગોર્જેસ ડેમ કરતા વધુ વીજળી ઉત્પન્ન થવાની અપેક્ષા છે, જેનાથી નીચાણવાળા વિસ્તારો, ભારત અને બાંગ્લાદેશમાં ચિંતા વધશે. નિષ્ણાંતો કહે છે કે આ ડેમપ્રોજેક્ટ બ્રહ્મપુત્રા નદી પ્રણાલીની ઇકોલોજી અને પાણીના પ્રવાહને અસર કરી શકે છે.
ભારત અને બાંગ્લાદેશ પર્યાવરણ અને જળ સંકટનો સામનો કરી રહ્યા છે
બ્રહ્મપુત્ર નદી ભારત અને બાંગ્લાદેશમાંથી પસાર થાય છે, તેથી બંને દેશોએ આ પ્રોજેક્ટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જાણકારોનું માનવું છે કે આ બ્રહ્મપુત્ર નદીના જળપ્રવાહ, પાણીની ગુણવત્તા અને ઇકોલોજી પર ગંભીર અસર કરી શકે છે.
ભારત ચીનના ડેમ પ્રોજેક્ટ અંગે ચિંતિત
ભારતે આ વર્ષની શરૂઆતમાં ચીનના આ ડેમ પ્રોજેક્ટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જાન્યુઆરીમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચીનને આગ્રહ કરવામાં આવ્યો છે કે તે એ સુનિશ્ચિત કરે કે બ્રહ્મપુત્ર નદીના નીચાણવાળા વિસ્તારોમાં સ્થિત રાજ્યોના હિતોને ઉપલા વિસ્તારની ગતિવિધિઓથી નુકસાન ન પહોંચે.
ચીને જવાબ આપ્યો હતો કે યારલુંગ ત્સાંગપો (બ્રહ્મપુત્ર નદીનું તિબેટીયન નામ) ખાતેના ડેમની ડાઉનસ્ટ્રીમ નદી પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. પર્યાવરણીય જૂથોએ પણ પારિસ્થિતિક દ્રષ્ટિએ સંવેદનશીલ તિબેટીયન ઉચ્ચપ્રદેશ પર આવા મોટા પ્રોજેક્ટ્સની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે, અને ચેતવણી આપી છે કે તે આ પ્રદેશમાં અપરિવર્તનીય ફેરફારો થઇ શકે છે.