scorecardresearch
Premium

કેજરીવાલ પહેલા કયા-કયા મુખ્યમંત્રીની થઇ છે ધરપકડ, શું જેલ ગયા પછી રાજીનામું જરૂરી છે?

Arvind Kejriwal Arrest : આ પહેલા દેશના અલગ અલગ રાજ્યોના ઘણા સીએમ પર કેસ થયા છે. પરંતુ આ તમામે ધરપકડ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સીએમ પદ સંભાળતી ધરપકડ કરવામાં આવી હોય તેવો કેજરીવાલનો પ્રથમ કેસ છે

Arvind Kejriwal Arrest, Arvind Kejriwal, Chief Minister arrested
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, લાલુ પ્રસાદ યાદવ અને જયલલિતા (ફાઇલ ફોટો)

Arvind Kejriwal Arrest Updates : દારૂ નીતિ મામલે ઈડીએ શુક્રવારે બપોરે 2 વાગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે. ઇડીએ સીએમને કોર્ટમાં આ કેસના કિંગપીન ગણાવ્યા છે. ઇડીએ કહ્યું કે કેજરીવાલ દિલ્હીની દારૂ નીતિ ઘડવામાં સીધી રીતે સામેલ છે. કેજરીવાલે હજુ સુધી સીએમ પદેથી રાજીનામું આપ્યું નથી. આપ નેતાઓએ કહ્યું કે ધરપકડ બાદ કેજરીવાલ રાજીનામું નહીં આપે.

દેશમાં હજુ સુધી કોઈ પણ સિટિંગ સીએમની ધરપકડ કરવામાં આવી નથી. આ પ્રકારનો પહેલો કેસ છે જ્યારે સીએમ પદ સંભાળતી વખતે કોઈની ધરપકડ કરવામાં આવી હોય. જોકે આ પહેલા દેશના અલગ અલગ રાજ્યોના ઘણા સીએમ પર ગાળિયો કસ્યો હતો. પરંતુ આ તમામે ધરપકડ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ધરપકડ

અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલા ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની પણ ધરપકડ કરવામાં આવી હતી. 50 દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરી 2024ના રોજ ઝારખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તરત જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જમીન કૌભાંડમાં હેમંત સોરેનની ધરપકડ કરી હતી. રાંચીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને ઇડીના અધિકારીઓ દ્વારા સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવ્યા બાદ રાજીનામું આપવામાં આવ્યું હતું.

લાલુ પ્રસાદ યાદવે પણ સીએમની ખુરશી છોડી દીધી

ચારા કૌભાંડ કેસમાં સીબીઆઈએ લાલુ યાદવ સામે કાર્યવાહી કરી હતી. તે સમયે તેઓ બિહારના સીએમ હતા. તેમની પાર્ટી પણ કેન્દ્રમાં સત્તામાં હતી. પરંતુ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ ફાઈલ થયા બાદ લાલુને ડર હતો કે હવે તેમની ધરપકડ થઈ જશે. આ પછી તેમણે તરત જ તેના ઉત્તરાધિકારીની શોધ શરૂ કરી હતી. આ પછી દિલ્હીના એક મોટા નેતાના કહેવા પર લાલુ યાદવના પત્ની રાબડી દેવી સત્તામાં આવ્યા હતા અને બિહારના નવા સીએમ બન્યા હતા.

આ પણ વાંચો – EDનો કોર્ટમાં દાવો, કેજરીવાલ જ કૌભાંડના કિંગપિન, હવાલાથી ગોવા ચૂંટણીમાં મોકલ્યા હતા 45 કરોડ

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી

તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પોતાની ખુરશી છોડવી પડી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ જયલલિતા સામે આ કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમણે 1991થી 1996 સુધી મુખ્યમંત્રી રહીને પોતાની આવક કરતા વધારે સંપત્તિ એકઠી કરી હતી. કોર્ટે જયલલિતાને દોષી જાહેર કર્યા હતા. કોર્ટના ચુકાદા બાદ તરત જ જયલલિતાએ પન્નીરસેલ્વમને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. જયલલિતા 20 દિવસ સુધી જેલમાં રહ્યા અને પછી બહાર આવી ગયા હતા.

યેદિયુરપ્પાની ખુરશી પણ ગઇ હતી

કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાની ખુરશી પર પણ સંકટના વાદળ છવાયા હતા. લોકાયુક્તના રિપોર્ટ બાદ 2011માં તેમની ખુરશી છીનવી લેવામાં આવી હતી. કર્ણાટકના લોકાયુક્તે એક રિપોર્ટ જાહેર કરીને કહ્યું હતું કે સીએમ ઓફિસ ગેરકાયદે ખનનના કામમાં સક્રિય છે. આ પછી આ મામલો સીબીઆઈ પાસે ગયો અને ભાજપ બેકફૂટ પર આવી ગયું. યેદિયુરપ્પા પોતાનું પદ છોડવા તૈયાર ન હતા અને ભાજપ હાઈકમાન્ડે તેમને હટાવવાનો નિર્ણય કર્યો હતો. યેદિયુરપ્પાએ પાર્ટીથી નારાજગી વ્યક્ત કરી અમે પદ છોડ્યું. યેદિયુરપ્પાની સીએમ પદ છોડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

શું જેલમાંથી સરકાર ચલાવવી શક્ય છે?

હવે બધાની સામે બીજો સવાલ એ છે કે શું સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે છે. તિહાડ જેલના પૂર્વ કાયદા અધિકારીએ કહ્યું કે જેલમાંથી સરકારને ચલાવવી સરળ કામ નથી. જેલ મેન્યુઅલ અનુસાર અઠવાડિયામાં બે વાર જ પરિવારના સભ્યો કે મિત્રો કે અન્ય કોઈને પણ મળી શકાય છે. તેમણે કહ્યું કે કેજરીવાલને અઠવાડિયામાં બે વાર લોકોને મળવાની મંજૂરી મળી જાય તો સરકાર નહીં ચાલે. જેલના નિયમો અનુસાર કોઈ પણ જગ્યાને જેલ જાહેર કરી શકાય છે. એટલે કે ઘરને પણ જેલ જાહેર કરી શકાય છે. સાથે જ સુપ્રીમ કોર્ટના અન્ય એક વકીલે કહ્યું કે સીએમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેબિનેટની બેઠકો લઈ શકે છે. પરંતુ તે માટે જેલ પ્રશાસનની મંજૂરી મળવી જરૂરી છે.

Web Title: Chief ministers arrested before arvind kejriwal know is it possible to run government from jail ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×