Chandrayaan 4 mission launch in 2027: ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ભારત પોતાના આગામી મિશનની તૈયારી કરી રહ્યું છે. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ભારત ચંદ્ર પર હાજર પત્થરોના સેમ્પલને પરત લાવવા માટે વર્ષ 2027માં ચંદ્રયાન-4 મિશનને લોન્ચ કરશે. ચંદ્રયાન-4માં હેવી-લિફ્ટ એલવીએમ-3 રોકેટના ઓછામાં ઓછા બે અલગ-અલગ લોન્ચ સામેલ હશે, જે મિશનના પાંચ અલગ અલગ કંપોનેંટ્સને લઈ જશે, જેને ઓર્બિટમાં એસેમ્બલ કરવામાં આવશે.
જિતેન્દ્રસિંહે એક ઇન્ટરવ્યૂમાં પીટીઆઈ વીડિયોને જણાવ્યું કે ચંદ્રયાન -4 મિશનનો હેતુ ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેને પૃથ્વી પર પાછો લાવવાનો છે.
2026માં ભારત એક સમુદ્રયાન પણ લોન્ચ કરશે
મંત્રીએ કહ્યું કે ગગનયાન મિશન, જેમાં ભારતીય અવકાશયાત્રીઓને ખાસ ડિઝાઇન કરેલા અવકાશયાનમાં નીચી-પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો સમાવેશ થાય છે, તે આવતા વર્ષે શરૂ કરવામાં આવશે. વર્ષ 2026માં ભારત એક સમુદ્રયાન પણ લોન્ચ કરશે, જે ત્રણ વૈજ્ઞાનિકોને સબમર્સિબલમાં ઊંડા સમુદ્રમાં 6,000 મીટરની ઊંડાઈએ લઈ જશે, જેથી સમુદ્રતળની શોધ કરી શકાય.
જિતેન્દ્રસિંહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં સમુદ્રયાન મિશનને પ્રકાશિત કર્યું હતું. મંત્રીએ મહત્વપૂર્ણ ખનિજો, દુર્લભ ધાતુઓ અને વણશોધાયેલ દરિયાઇ જૈવવિવિધતા સહિતના વિશાળ સંસાધનોને અનલોક કરવા માટે સમુદ્રયાનની ક્ષમતા પર ભાર મૂક્યો હતો, જે તમામ દેશના આર્થિક વિકાસ અને પર્યાવરણીય સ્થિરતા માટે નિર્ણાયક છે.
ગગનયાન પ્રોજેક્ટનું પહેલું માનવરહિત મિશન, જેમાં રોબોટ્સ હશે, ‘વ્યોમ્મિત્ર’ પણ તે વર્ષે થશે. સિંહે જણાવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની સ્થાપના 1969માં કરવામાં આવી હતી પરંતુ 1993માં પ્રથમ લોન્ચ પેડ સ્થાપિત કરવામાં બે દાયકાથી વધુ સમય લાગ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે એક દાયકાના લાંબા વિરામ બાદ 2004માં બીજું લોન્ચ પેડ આવ્યું હતું. જોકે છેલ્લાં 10 વર્ષમાં ભારતનાં અંતરિક્ષ ક્ષેત્રમાં માળખાગત સુવિધા અને રોકાણ એમ બંને દ્રષ્ટિએ અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે.
તમિલનાડુના તુતીકોરિન જિલ્લામાં એક નવી લોન્ચ સાઇટ શરુ કરાશે
જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે અમે હવે ત્રીજું લોન્ચ પેડનું નિર્માણ કરી રહ્યા છીએ અને પ્રથમ વખત ભારે રોકેટો માટે અને નાના ઉપગ્રહોને લોન્ચ કરવા માટે તમિલનાડુના તુતીકોરિન જિલ્લામાં એક નવી લોન્ચ સાઇટ સાથે શ્રીહરિકોટાને આગળથી પણ વિસ્તાર કરી રહ્યા છીએ.
આ પણ વાંચો – અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીય વ્યક્તિએ 40 કલાકની મુસાફરીને “નરક કરતાં પણ ખરાબ” ગણાવી
મંત્રીએ કહ્યું કે ભારતનું અંતરિક્ષ અર્થતંત્ર, જેનું મૂલ્ય અત્યારે 8 બિલિયન અમેરિકન ડોલર છે, તે અતિ મહત્ત્વપૂર્ણ અર્થતંત્ર છે. આગામી દાયકામાં આ લક્ષ્યાંક 44 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જેનાથી વૈશ્વિક અંતરિક્ષ મહાશક્તિના રુપમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત થશે.
તેમણે જણાવ્યું હતું કે પ્રાઇવેટ પ્લેયર્સ માટે સ્પેસ સેક્ટરને ખોલવા સહિત છેલ્લા દાયકામાં શરૂ કરવામાં આવેલા સુધારાઓ સહિત ઇનોવેશન, રોકાણ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન મળ્યું છે.