Chandigarh-Dibrugarh Express Derail Updates : ઉત્તર પ્રદેશના ગોંડા-ગોરખપુર રેલ માર્ગ પર મોતીગંજ પાસે ગુરુવારે ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 8 થી 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં લગભગ 2 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અને રેલવે ફોર્સ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
ટ્રેન નંબર 15904 ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી. આ અકસ્માત મોતીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પિકૌરા ગામ નજીક થયો હતો. બપોરે 2.45 વાગ્યાની આસપાસ 8 થી 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
યુપી સીએમે રાહત કાર્યને વેગ આપવા નિર્દેશ આપ્યો
ગોંડા જિલ્લામાં થયેલા ટ્રેન અકસ્માતની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા વહીવટી અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવા અને રાહત કાર્યને વેગ આપવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈને તેમને યોગ્ય સારવાર આપવામાં આવે. તેમણે ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.
રેલ મંત્રાલયે કહ્યું કે મૃતકોના પરિવારજનોને 10 લાખ રુપિયા, ગંભીર રુપથી ઇજાગ્રસ્તોને 2.5 લાખ રૂપિયા અને નજીવી ઇજાગ્રસ્ત થયેલાને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. CRS તપાસ સિવાય ઉચ્ચ સ્તરિય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
દિબ્રુગઢ-ચંદીગઢ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડવા અંગે નોર્થ ઇસ્ટર્ન રેલવેના સીપીઆરઓ પંકજ સિંહે જણાવ્યું કે, રેલવેની મેડિકલ વાન ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ ઘટના બપોરે 2.37 વાગ્યાની આસપાસ બની હતી.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર એન્કાઉન્ટર : પોલીસ નક્સલવાદીઓ ઉપર કાળ બની ત્રાટકી, એન્કાઉન્ટરમાં 12ને ઠાર માર્યા
આસામના મુખ્યમંત્રી અકસ્માત પર નજર રાખી રહ્યા છે
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને ઉત્તર પ્રદેશમાં દિબ્રુગઢ-ચંદીગઢ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડવાની જાણકારી આપવામાં આવી છે. તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આસામ સરકાર સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે.
કોંગ્રેસે દુઃખ વ્યક્ત કર્યું
કોંગ્રેસ પાર્ટીએ ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે યુપીના ગોંડાથી એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મોત અને ઈજાના સમાચાર છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને રાહત અને બચાવ કાર્યમાં પોતાનું સમર્થન આપવા વિનંતી છે.