International Numbers On WhatsApp: ટેક્નોલોજી જેટલી એડવાન્સ બની રહી છે તેટલી જ ઝડપથી ઓનલાઇન ફ્રોડની સંખ્યા વધી રહી છે. ક્રેડિટ કાર્ડની છેતરપિંડીથી માંડીને ઓટીપી ચોરી અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ હેક કરવા સુધી, છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા કૌભાંડો ઝડપથી વધ્યા છે. ઓનલાઇન ઠગ એટલા ભેજાબાજ હોય છે કે તેઓ લોકોને એવી રીતે શિકાર બનાવી રહ્યા છે કે તેમના ખાતામાંથી મહેનતની કમાણી ક્યારે સાફ થઇ ગઇ તેની તેમની ખરબ પણ પડતી નથી.
છેલ્લા કેટલાક મહિનામાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર ઈન્ટરનેશનલ નંબરથી આવતા ફ્રોડ કોલની સંખ્યામાં વધારો થયો છે. આ ઈન્ટરનેશનલ નંબર પરથી આવતા કોલ પર લોકોને વધારાની કમાણી માટે પાર્ટ ટાઈમ કામ કરવાની લાલચ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે વોટ્સએપ કૌભાંડ દ્વારા સાયબર ફ્રોડની ઘટના ઝડપથી વધી છે અને મોટી સંખ્યામાં લોકો સાથે ઓનલાઈન ફ્રોડ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે.
વોટ્સઅપ કોલ વડે ફ્રોડ કરવાની મોડસ ઓપરેન્ડી
ઈન્ટરનેશનલ નંબરો પરથી અમુક કોલ મોરોક્કો અથવા દક્ષિણ આફ્રિકન નંબરો પરથી આવી રહ્યા છે, જેની આગળ +212 અને +27 કોડ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઈન્ટરનેશનલ કોલ્સ નથી. બની શકે કે ઝારખંડ કે હરિયાણાના નાના ગામમાં બેઠેલો કોઈ ઠગ આ ફોન કરી રહ્યો હોય, પરંતુ તમને લાગશે કે કોઈ તમને વિદેશથી ફોન કરી રહ્યું છે.
આ ઉપરાંત વોટ્સએપ પર અન્ય ઘણા દેશોના કોડ સાથે ઇન્ટરનેશનલ કોલના પણ રિપોર્ટ આવી રહ્યા છે. જેમાં ઇથોપિયા (+251), મલેશિયા (+60), ઇન્ડોનેશિયા (+62), કેન્યા (+254) અને વિયેતનામ (+84)નો સમાવેશ થાય છે.

તમને જણાવી દઇએ કે જો તમને પણ આમાંથી કોઇ કોડ નંબરથી કોલ આવે છે તો એવું ન વિચારો કે તમને કોઇ વિદેશમાંથી ફોન કોલ આવી રહ્યો છે. આવી છેતરપીંડિ અને ફ્રોડથી બચવા માટે હંમેશા સાવધાન રહો. આ ભેજાબાજોની ભોળા લોકો સાથે પૈસાની છેતરપિંડી કરવાની આ એક સામાન્ય ટ્રિક છે. ફ્રોડ કોલ છે કે નહીં તે આવી રીતે જાણી શકાય છે
ઓનલાઈન ફ્રોડથી બચવાની રીતે
- આ ભેજાબાજો દિવસમાં બે-ત્રણ વાર તો ક્યારેક બે દિવસમાં એક વાર ફોન કરે છે.
- જો તમે કોલ રિસીવ કરશો તો ફોન કરનાર એચઆર તરીકે વાત કરશે અને તમને પાર્ટ ટાઇમ જોબ ઓફર કરશે. આ છેતરપિંડી કરનારાઓ તમને રિવ્યૂ લખવા અથવા યુટ્યુબ વિડિયો લાઈક કરવા જેવું કામ કરવા માટે કહેશે.
- ઘણી વખત જોવામાં આવ્યું છે કે આવું કામ પૂર્ણ કરનાર પીડિતાના ખાતામાં થોડી રકમ મોકલવામાં આવે છે. જેના કારણે લોકો આ ફોન કરનારાઓ પર વિશ્વાસ કરે છે અને પછી અહીંથી જ કૌભાંડ શરૂ થાય છે.
- આ પછી, કોલર તમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેશે અને આ એપ્લિકેશન દ્વારા કમાણી કરવા માટે તમને પૈસાનું રોકાણ કરવાનું કહેશે.
- પૈસાનું રોકાણ કર્યા પછી, પીડિતને એવું લાગે છે કે તેમના પૈસા વધી રહ્યા છે અને ત્યારબાદ તેમને વધુ પૈસાનું રોકાણ કરવાનું કહેવામાં આવે છે.
- એક વખત યૂઝર્સ મોટું રોકાણ કરી લે તો તેમને પૈસા ઉપાડવાની મંજૂરી નથી હોતી. એટલે સમજી જવું કે, તમે ભેજાબાજની જાળમાં ફસાઈ ગયા છો અને તમારી સાથે છેતરપીંડિ થઇ છે.
- આ ઉપરાંત વોટ્સએપ પર વીડિયો કોલ દ્વારા પણ ફ્રોડના ઘણા કેસ સામે આવ્યા છે. જો તમને એક જ નંબર પરથી વારંવાર ફોન આવતા હોય તો તમારે આવા કોલરોને બ્લોક કરી દેવા જોઈએ જેથી વીડિયો કોલ ન આવે અને તમે કોઈ પણ પ્રકારની છેતરપીંડનો શિકાર ન બનો. વોટ્સએપ દ્વારા ઘણી વખત આવા કોલ અને મેસેજ અંગે એલર્ટ પણ જારી કરવામાં આવી છે.