Arvind Kejriwal surrender Tihar jail : દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે તિહાડ જેલમાં સરેન્ડર કરી દીધું છે. બીજી તરફ દિલ્હીની એક કોર્ટે સીએમને 5 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ પહેલા સીએમ કેજરીવાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે મને પ્રચાર માટે 21 દિવસના જામીન આપ્યા છે. હું આ માટે સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. આજે હું ફરી તિહાડ જેલ જઈ રહ્યો છું. મેં આ 21 દિવસોમાંથી એક મિનિટ પણ બગાડી નથી. મેં માત્ર આપ માટે જ નહીં પરંતુ ઘણી પાર્ટીઓ માટે પણ પ્રચાર કર્યો છે.
કેજરીવાલે કહ્યું કે હું મુંબઈ, હરિયાણા, યુપી, ઝારખંડ ગયો. આપ જરૂરી નથી, દેશ અમારા માટે મહત્વનો છે. હું દિલ્હીની જનતાને કહેવા માંગુ છું કે હું ફરીથી જેલમાં જઈ રહ્યો છું એટલા માટે નહીં કે મેં કોઈ કૌભાંડ કર્યું છે પરંતુ એટલા માટે કે મેં તાનાશાહી સામે અવાજ ઉઠાવ્યો છે. પીએમ મોદીએ દેશ સામે એ સ્વીકાર કર્યો છે કે તેમની પાસે મારી સામે કોઈ પુરાવા નથી.
તેઓ ઈવીએમમાં ગરબડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે: સીએમ કેજરીવાલ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવતી કાલે આવી ગયા છે. લખીને રાખો આ તમામ એક્ઝિટ પોલ નકલી છે. એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં ભાજપને 33 બેઠકો મળી છે જ્યારે ત્યાં ફક્ત માત્ર 25 બેઠકો છે. અસલી મુદ્દો એ છે કે મતગણતરીના દિવસના ત્રણ દિવસ પહેલા તેમને નકલી એક્ઝિટ પોલ કેમ કરવા પડ્યા. આ વિશે ઘણી થિયરીઓ છે, તેમાંથી એક એ છે કે તેઓ મશીનો (ઇવીએમ) સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હું ફાંસી પર ચડવા માટે તૈયાર છું: કેજરીવાલ
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભગતસિંહે કહ્યું હતું કે જ્યારે સત્તા તાનાશાહી બની જાય છે, ત્યારે જેલ એક જવાબદારી બની જાય છે. દેશને આઝાદ કરાવવા માટે ભગત સિંહ ફાંસી પર ચડી ગયા હતા. આ વખતે જ્યારે હું જેલમાં જઈ રહ્યો છું, ત્યારે મને ખબર નથી કે હું ક્યારે પાછો આવીશ. જો ભગત સિંહને ફાંસી થઇ તો હું પણ ફાંસી પર લટકાવવા તૈયાર છું.
આ પણ વાંચો – એક્ઝિટ પોલ એનાલિસિસ : દરેક સંભવિત નુકસાનની ભરપાઈ! અમિત શાહના ‘મિશન 120’ એ કેવી રીતે ભાજપને મજબૂત બનાવ્યું
હું તાનાશાહી સામે લડી રહ્યો છું : અરવિંદ કેજરીવાલ
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે પીએમ મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે મારુ માનવુ છે કે કેજરીવાલ વિરુદ્ધ કોઈ પુરાવા કે રિકવરી નથી કારણકે તે એક અનુભવી ચોર છે. માની લો કે હું અનુભવી ચોર છું, તમારી પાસે મારી સામે કોઈ પુરાવા નથી કે કોઈ રિકવરી નથી તો પછી તમે મને કોઈ પુરાવા વગર જેલમાં ધકેલી દીધો? તેમણે આખા દેશને સંદેશ આપ્યો કે જો હું તેને નકલી કેસમાં જેલમાં નાખી શકું છું તો તમારું સ્ટેન્ડ શું છે? હું કોઈની પણ ધરપકડ કરીશ અને તેમને જેલમાં ધકેલીશ. હું આ તાનાશાહી સામે લડી રહ્યો છું અને આપણો દેશ આ પ્રકારની તાનાશાહીને સહન કરી શકતો નથી.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ સીએમ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે ભારતમાં ઘણી જગ્યાએ સર્કસ ચલાવવામાં આવે છે. દિલ્હીમાં પણ એક સર્કસ ચાલશે. જો તે ધરપકડને ઇવેન્ટ બનાવવા માંગે છે તો હોય તેમણે કહેવું જોઈએ કે તે દારૂની દલાલી માટે જેલમાં જઈ રહ્યા છે. મહાત્મા ગાંધીએ આખી જિંદગી દારૂનો વિરોધ કર્યો હતો અને આજે તેઓ રાજઘાટ જઈને હાથ જોડવા માંગે છે.
માર્ચ મહિનામાં ઈડીએ ધરપકડ કરી હતી
અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા માર્ચમાં દિલ્હી દારૂ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તિહાડ જેલમાં લગભગ 50 દિવસ વિતાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. કેજરીવાલને 10 મેથી 1 જૂન સુધી 21 દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 2 જૂને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.