Adani News: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી ચર્ચામાં છે. તેમના પર આરોપ છે કે તેમણે ભારતમાં સોલર એનર્જી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લગભગ 265 મિલિયન ડોલર (2250 કરોડ રૂપિયા)ની લાંચની ઓફર કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદી પર ગૌતમ અદાણીને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. રોયટર્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણી માટે અમેરિકામાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા છે.
અમેરિકામાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટની ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી આસિસ્ટન્ટ એટર્ની જનરલ લિઝા એચ મિલરે અદાણી અને તેના સહયોગીઓ પર ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવાનો અને ભ્રષ્ટાચાર અને છેતરપિંડી દ્વારા સોલર પાવરના કોન્ટ્રાક્ટ મેળવવાનો આરોપ લગાવ્યો છે.
હવે આગળ શું?
આ સમગ્ર કેસમાં આગળ શું થવાની સંભાવના છે? આ વાતને આપણે આ લેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે જાણીશું કે અમેરિકા કાનૂન વ્યવસ્થા આ રીતના મામલામાં કેવી રીતે વ્યવહાર કરે છે. આવા કોઇ પણ કથિત ગુનાની તપાસ કર્યા બાદ પોલીસ સરકારી વકીલ સમક્ષ પુરાવા રજૂ કરે છે. જો સરકારી વકીલને લાગે કે કોઈ ગંભીર ગુનો થયો છે, તો તે ગ્રાન્ડ જ્યુરીની પસંદગી પહેલ શરૂ કરી શકે છે.
ગ્રાન્ડ જ્યુરી શું છે અને તેના સભ્યો કોણ છે?
ગ્રાન્ડ જ્યુરી એ નિષ્પક્ષ રીતે પસંદ કરેલા લોકોની બનેલી પેનલ છે. તેમાં ન્યૂયોર્ક રાજ્યના 23 લોકોનો સમાવેશ થઈ શકે છે, જેમાં પુરાવા સાંભળવા માટે ઓછામાં ઓછા 16 જ્યૂરી સભ્યોએ હાજર રહેવું જરૂરી છે. મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ પર કેસ ચલાવવા માટે તેને ગ્રાન્ડ જ્યુરીએ દોષી ઠેરવવો જ જોઇએ.
ગ્રાન્ડ જ્યુરી શું કરે છે?
ગ્રાન્ડ જ્યુરીનો હેતુ આરોપી વ્યક્તિની નિર્દોષતા અથવા અપરાધ નક્કી કરવાનો નથી. જ્યારે ટ્રાયલ જ્યૂરીએ નક્કી કરવાનું છે કે જે વ્યક્તિ સામે આરોપ લગાવવામાં આવ્યા છે, કેટલા સાચા છે અને કેટલા પુરાવા આપવામાં આવ્યા છે. જો ગ્રાન્ડ જ્યુરીને પુરાવા પૂરતા લાગે છે તો તે આરોપી સામે કાર્યવાહી કરવા માટે કહી શકે છે. ત્યારબાદ આ કેસની અંતિમ સુનાવણી અને નિર્ણય માટે ટ્રાયલમાં લાવવામાં આવશે.
ગ્રાન્ડ જ્યુરીની કાર્યવાહી પણ ગુપ્ત રીતે હાથ ધરવામાં આવે છે, જ્યારે સુનાવણીની કાર્યવાહી લોકો માટે ખુલ્લી હોય છે. ન્યૂયોર્કમાં ઓછામાં ઓછા 12 ન્યાયમૂર્તિઓએ (પુરાવા સાંભળ્યા હોય તેવા લોકોમાંથી 16થી 23) કેસ ચલાવવા માટે સંમત થવું આવશ્યક છે.
આ પણ વાંચો – ગૌતમ અદાણી સામે અમેરિકાના લાંચ આક્ષેપ વચ્ચે LICને 8500 કરોડનું નુકસાન, જાણો કેવી રીતે
અમેરિકામાં તપાસ કેવી રીતે શરૂ થઈ?
સવાલ એ ઉઠી રહ્યો છે કે અદાણી ગ્રુપનો પ્રોજેક્ટ ભારતમાં છે. લાંચ આપવાનો આરોપ ભારતીય અધિકારીઓ સામે છે તો પછી અમેરિકામાં તપાસ કેવી રીતે શરૂ થઈ? આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક ફર્મ સાથે સંબંધિત છે. આ કેસ યુએસ કોર્ટમાં 24 ઓક્ટોબર 2024ના રોજ નોંધવામાં આવ્યો હતો. બુધવારે ન્યૂયોર્ક કોર્ટમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
યુએસ એટર્ની ઓફિસનું કહેવું છે કે ભારતમાં સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણી ગ્રુપે ભારતીય અધિકારીઓને લગભગ 2200 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી છે. અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકન, વિદેશી રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો આરોપ છે. અમેરિકાએ આ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હોવાથી કેસ અમેરિકામાં નોંધાયો હતો.
લાંચના આરોપો ભારતીય અધિકારીઓ સાથે જોડાયેલા છે, પરંતુ યુએસ કાયદો કહે છે કે જો ભ્રષ્ટાચારના આરોપોમાં યુએસ રોકાણકારો અથવા બજારોના હિતો સામેલ હોય તો આવા કેસોને કોર્ટમાં ચલાવી શકાય છે.
અદાણીના કેસમાં શું થઈ શકે?
આરોપો નક્કી થયા બાદ અદાણી સામે કેસ ચલાવવામાં આવશે. ન્યાયાધીશ આરોપોની સુનાવણી કરશે અને આરોપી વ્યક્તિઓને જામીન આપવા કે કેમ તે નક્કી કરશે. આરોપોના જવાબમાં આરોપી અપરાધ કે નિર્દોષતાનો દાવો કરે છે કે કેમ તે પણ જોવામાં આવશે. જો તેઓ દોષિત નહીં હોવાનો દાવો કરશે તો કેસ જ્યુરી ટ્રાયલ તરફ આગળ વધશે.