Bihar Bridge Collapsed : બિહારમાં ફરી એક વખત નવનિર્મિત પુલ ધરાશાયી થયાના સમાચાર સામે આવ્યા છે. અરરિયા જિલ્લાના સિકટી ખાતે બકરા નદી ઉપર 12 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પુલ લોકાર્પણ થાય તે પહેલાં જ તૂટી પડ્યો હતો. અહેવાલો અનુસાર આ પુલનું નિર્માણ પડરિયા ઘાટ પર કરવામાં આવ્યું હતું.
જાણકારી અનુસાર સિકટી બ્લોક બકરા નદી પર આ પુલને 12 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તેનું નામ પુડલિયા પુલ હતું. મંગળવારે પુલના 3 થાંભલા નદીમાં ધસી ગયા હતા અને પુલ તૂટી પડ્યો હતો. બ્રિજ બનાવતી એજન્સીના તમામ જવાબદાર લોકો અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે.
12 કરોડનો પૂલ કેવી રીતે ધરાશાયી થયો?
સિકટીના ધારાસભ્ય વિજય મંડલે આ ઘટના અંગે જણાવ્યું હતું કે જિલ્લાના ગ્રામ્ય બાંધકામ વિભાગ દ્વારા પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. જમીન ઉપર જ પીલર રાખી દેવામાં આવ્યો હતો. એપ્રોચ રોડ પણ બનાવવામાં આવ્યો ન હતો. 12 કરોડના ખર્ચે બની રહેલા 100 મીટર લાંબા આ બ્રિજનું કામ હજુ પૂર્ણ થયું ન હતું, પરંતુ તે પહેલાં જ તે તૂટી પડ્યો હતો.
ધારાસભ્ય વિજય કુમાર મંડલે જણાવ્યું કે બાંધકામ કંપનીના માલિકની બેદરકારીના કારણે આ પુલ ધરાશાયી થયો છે. અમે માંગ કરીએ છીએ કે વહીવટીતંત્ર તેની તપાસ કરે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરે.
આ પણ વાંચો – પ્રોટેમ સ્પીકર એટલે શું? જાણો કોણ સંભાળી શકે છે આ પદ, શું હોય છે કામગીરી
કોંગ્રેસે કટાક્ષ કર્યો
બિહારના અરરિયામાં પુલ તૂટ્યા બાદ ફરી રાજકારણ તેજ થયું છે. કોંગ્રેસ દ્વારા આ અંગે કટાક્ષ કરવામાં આવ્યો હતો. યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ કહ્યું કે બિહારમાં ડબલ એન્જિન સરકારનો પુલ નદીમાં તણાઇ ગયો છે.
આ પહેલા પણ ઘણા પૂલ ધરાશાયી થઈ ચૂક્યા છે
આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ પુલ નિર્માણ દરમિયાન કે ઉદ્ઘાટન પહેલા પત્તાના ઘરની જેમ પડી ગયો હોય. આવું બિહારમાં સતત થઈ રહ્યું છે. ગત વર્ષે જૂન મહિનામાં સુલ્તાનગંજમાં ગંગા નદી પર બનેલો એક પુલ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત સુપૌલમાં કોસી નદીમાં બનેલા પુલનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં એક મજૂરે જીવ પણ ગુમાવ્યો હતો.