Anant Ambani Radhika Merchant Wedding : મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થઇ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકાનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગર ખાતે ચાલી રહ્યું છે. આ ગ્રાન્ડ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં દેશ – વિદેશમાંથી જાણીતા મહેમાનો આવશે. અંબાણી પરિવારે પુત્રના લગ્નની શુભ શરૂઆત અન્નસેવાથી કરી હતી.
અંબાણી પરિવારની અન્નસેવા – 51,000 લોકોને જમાડ્યા
અંબાણી પરિવારે પોતાની વર્ષો-જૂની પરંપરાને જાળવી રાખતા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા (સામુદાયિક ભોજન સેવા) શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે. આ અન્નસેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસનાં ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે.
અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગામજનોને વાનગી પિરસી
આજે રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ, રાધિકા મર્ચન્ટના માતા-પિતા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

જમણવાર બાદ ડાયરાની રમઝટ
અંબાણીએ ગામવાસીઓ માટે ભોજનની સાથે સાથે મનોરંજનની પણ વ્યવસ્થા કરી હતી. રાત્રિભોજન બાદ ગામજનોને ડાયરા માટે આમંત્રિત કરાયા હતા. આ ડાયરામાં જાણીતા ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પણ વાંચો | અનંત અંબાણીનું વજન કેમ વધ્યું? નીતા અંબાણી એ કર્યો ખુલાસો
માનવ સેવા એ જ માધવ સેવા – અંબાણી પરિવારનો મંત્ર
અંબાણી પરિવાર માનવ સેવા એ જ માધવ સેવા માં વિશ્વાસ ધરાવે છે. આ ભાવનાને જાળવી રાખતા, તેમણે લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભપ્રસંગની શરૂઆત કરવાની પરંપરા નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને મજબૂત બનાવી છે.