scorecardresearch
Premium

સંજય સિંહ જેલમાંથી બહાર આવ્યા, કાર્યકર્તાઓને કહ્યું – આ ઉજવણી કરવાનો નહીં પણ સંઘર્ષનો સમય છે

Sanjay Singh : દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહ 6 મહિના બાદ તિહાડ જેલમાંથી બહાર આવ્યા

Sanjay Singh, AAP
રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહ 6 મહિના બાદ તિહાડ જેલમાંથી બહાર આવ્યા (Express Photo by Tashi Tobgyal)

Sanjay Singh : દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહ 6 મહિના બાદ તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે. તે બહાર આવ્યા બાદ કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. આ દરમિયાન સંજય સિંહે એક કાર પર ઉભા રહીને કહ્યું કે આ ઉજવણી કરવાનો નહીં પરંતુ સંઘર્ષ કરવાનો સમય છે, કારણ કે પાર્ટીના ઘણા મોટા નેતાઓ જેલમાં છે. આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની અને આખો પરિવાર પણ હાજર હતો.

આ ઉજવણીનો સમય નથી, આ સંઘર્ષ કરવાનો સમય છે – સંજય સિંહ

તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહે એક કાર પર ઉભા રહીને કહ્યું કે હવે સંઘર્ષ કરવાનો સમય આવી ગયો છે. આપણી પાર્ટીના ટોચના નેતાઓ – અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલના સળિયા પાછળ રાખવામાં આવ્યા છે. હું માનું છું કે એક દિવસ આ જેલના તાળાં તૂટી જશે અને તે બહાર આવશે. તેથી હું કહેવા માંગુ છું કે આ ઉજવણીનો સમય નથી, આ સંઘર્ષ કરવાનો સમય છે.

સંજય સિંહ સાથે તેમના પત્ની અનિતા સિંહ અને તેમના પુત્રી પણ હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહ પહેલા સીએમ આવાસ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મળવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે કથિત દારૂ કૌભાંડ કેસમાં ઇડી દ્વારા ઓક્ટોબર 2023માં સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે

સંજય સિંહ આમ આદમી પાર્ટીના પહેલા એવા નેતા છે, જે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા છે. થોડા દિવસો પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ આ કેસમાં ધરપકડ કરી હતી અને કોર્ટે તેમને 15 દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

આ પણ વાંચો – આપ પાર્ટીની સંપત્તિ અટેચ કરવા માંગે છે ED! દારૂ કૌભાંડ પર સુનાવણી દરમિયાન ASG નું મોટું નિવેદન

વિવાદિત આબકારી નીતિથી સંબંધિત આ જ કેસમાં ફેબ્રુઆરી 2023માં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધી તેમને આ કેસમાં જામીન મળી શક્યા નથી. સંજય સિંહ જામીન પર બહાર આવ્યા બાદ તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઢોલ પણ વગાડ્યા હતા.

ભગવંત માને કેજરીવાલને મળવા માટે લખ્યો પત્ર

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તિહાડમાં કેજરીવાલને મળવાની મંજૂરી માંગી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તિહાડ જેલના અધિકારીઓને પત્ર લખીને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને મળવાની મંજૂરી માંગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્ર મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) દ્વારા મોકલવામાં આવ્યો છે.

Web Title: Aap sanjay singh walks out of tihar jail after nearly 6 months ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×