દશેરાથી ભારતમાં ડિજિટલ ક્રાંતિના નવા યુગની શરૂઆત થશે. દશેરા (dussehra)થી ભારતના ચાર શહેરોમાં 5G સર્વિસ (5G service) શરૂ થવાની છે, જેમના નામ આ મુજબ છે – દિલ્હી, મુંબઇ, કલકત્તા અને વારાણસી. ત્યારબાદ દેશના અન્ય શહેરોમાં તબક્કાવાર 5G સર્વિસ શરૂ કરવામાં આવશે.
ભારતમાં સૌથી પહેલી 5G સર્વિસ રિલાયન્સ જિયો (Reliance Jio) દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. રિલયન્સ જિયો દ્વારા 5G સર્વિસનું બીટા ટ્રાયલ દશેરાથી દેશના ચાર શહેરો દિલ્હી, મુંબઇ, કલકત્તા અને વારાણસીમાં શરૂ કરાશે. હાલ આ સર્વિસ ઓન ઇનવિટેશન છે, એટલે કે હાલના જિયો યુઝર્સમાંથી કેટલાક પસંદગીના યુઝરોને જ આ 5G સર્વિસનો ઉપયોગ કરવા માટે આમંત્રણ મોકલવામાં આવશે. રિલાયન્સ જિયોએ તેની 5G સર્વિસની વેલકમ ઓફર ‘JIO TRUE 5G’ લોન્ચ કરી છે . આ વેલકમ ઓફરમાં યુઝર્સને 1 Gbpsથી વધુ સ્પીડ (5G data speed) સાથે અનલિમિટેડ 5G ડેટા મળશે
જિયોની ટ્રૂ 5G વેલકમ ઓફર :-

(1) Jio ટ્રુ 5G વેલકમ ઑફર દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં જિયોના પસંદગીના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પસંદગીના યુઝરોને આ સર્વિસનો લાભ ઉઠાવવા માટે આમંત્રણ મોકલાશે.
(2) આ ઓફરમાં ગ્રાહકોને 1 Gbps+ સુધીની સ્પીડ સાથે અનલિમિટેડ 5G ડેટા મળશે.
(3) અન્ય શહેરોમાં બીટા ટ્રાયલ 5G સર્વિસ શરૂ કરવા અંગે તબક્કાવાર જાહેરાત કરવામાં આવશે.
(4) યુઝર્સ આ બીટા ટેસ્ટિંગનો ફાયદો ત્યાં સુધી ઉઠાવી શકશે જ્યાં સુધી શહેરનું નેટવર્ક કવરેજ સંપૂર્ણપણે તૈયાર ન થઇ જાય.
(5) ‘જિયો વેલકમ ઑફર’ના યુઝરોએ તેમનું હાલનું ચાલુ Jio સિમ અથવા 5G હેન્ડસેટને બદલવાની જરૂર રહેશે નહીં. આ સર્વિસનો લાભ ઉઠાવવા માટે યુઝર્સ પાસે 5G મોબાઇલ હોવો જરૂરી છે. જિયો ટ્રૂ 5G સર્વિસ ઓટોમેટિક અપગ્રેડ થઇ જશે.
(6) રિલાયન્સ જિયો કંપની હાલ તમામ 5G હેન્ડસેટ બ્રાન્ડ્સ સાથે પણ કામગીરી કરી રહી છે જેથી ગ્રાહકો તેમના મનપસંદ 5G મોબાઇલમાં આ નવી 5G સર્વિસનો આનંદ માણી શકશે.