Canada Student Visa: દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અને નોકરી માટે કેનેડા જાય છે. દર વર્ષે 2,50,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા પર કેનેડાની મુલાકાત લે છે. ગત વર્ષે પણ કેનેડાની ધરતી પર હજારો વિદ્યાર્થીઓ વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા માટે પહોંચ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી 20,000 વિદ્યાર્થીઓ કેનેડા પહોંચ્યા બાદ કોલેજો અને યુનિવર્સિટીઓ સુધી પહોંચ્યા ન હતા.
ઇમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (આઇઆરસીસી) અનુસાર માર્ચ અને એપ્રિલ 2024માં કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ‘નો-શો’ તરીકે નોંધાયેલા લગભગ 50,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હતી. તેમાંથી લગભગ 20,000 લોકો ભારતના હતા, જેઓ કેનેડા પહોંચ્યા પછી કોલેજમાં ગયા ન હતા. એજન્સી દ્વારા ટ્રેક કરવામાં આવેલા કુલ ભારતીય વિદ્યાર્થીઓના આ 5.4 ટકા છે.
એકંદરે આવું કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા તમામ સ્ટડી પરમિટ ધારકોના 6.9 ટકા હતી. આ ડેટા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કમ્પ્લાયન્સ ફ્રેમવર્ક હેઠળ એકત્ર કરવામાં આવ્યો હતો, જેમાં શૈક્ષણિક સંસ્થાઓને વર્ષમાં બે વખત નોંધણીની જાણ કરવાની જરૂર પડે છે, જેથી તેઓ અભ્યાસ પરવાનગીનું પાલન કરે તે સુનિશ્ચિત કરી શકાય.
ઘણા દેશોના વિદ્યાર્થીઓ કેનેડાની કોલેજોમાં પહોંચી રહ્યા નથી
રિપોર્ટ પ્રમાણે 144 દેશોના વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવી હતી અને ગૈર અનુપાલન દરમાં ઘણો તફાવત હતો. ઉદાહરણ તરીકે ફિલિપાઇન્સના 688 વિદ્યાર્થીઓ (2.2 ટકા) અને ચીનના 4,279 (6.4 ટકા) વિદ્યાર્થીઓ પોતાની નિર્ધારિત સ્કૂલમાં ગયા ન હતા. તેનાથી વિપરીત ઈરાન (11.6 ટકા) અને રવાન્ડા (48.1 ટકા) માટે બિન-અનુપાલન દર ઘણો ઊંચો હતો.
ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓએ કેનેડાની કોલેજો અને ભારતમાં સંસ્થાઓ વચ્ચેના કથિત સંબંધોની તપાસ શરૂ કરી છે, જેના પર કેનેડા-યુએસ સરહદ પર ગેરકાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. કેટલાક ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડામાં પ્રવેશવા અને ગેરકાયદેસર રીતે યુ.એસ. માં પ્રવેશવા માટે અભ્યાસ પરવાનગીનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો – કુંભ આવવા માંગતા હતા સ્ટીવ જોબ્સ, વાયરલ થયો 51 વર્ષ જૂનો લેટર, 4.32 કરોડમાં થઇ હતી હરાજી
ભૂતપૂર્વ ફેડરલ ઇકોનોમિસ્ટ અને ઇમિગ્રેશન નિષ્ણાત હેન્રી લોટિને ધ ગ્લોબ એન્ડ મેઇલને જણાવ્યું હતું કે મોટાભાગના નોન-કમ્પ્લાયન્ટ ભારતીય વિદ્યાર્થીઓ સંભવતઃ કેનેડામાં જ રહ્યા હતા અને કાયમી વસવાટ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
તેના સંબંધિત ચિંતા એ છે કે એપ્રિલ 2024 માં સ્ટેટિસ્ટિક્સ કેનેડાના એક મિલિયનથી વધુ માન્ય વિદ્યાર્થી વિઝા ધારકોના અંદાજ અને નોંધણી ડેટા પર આધારિત આઇઆરસીસી ડેટા વચ્ચે વિસંગતતા છે. આ તફાવતથી ગુમ થયેલા વિદ્યાર્થીઓની વાસ્તવિક સંખ્યા અંગે પ્રશ્નો ઉભા થયા છે.
કેનેડા સ્ટુડન્ટ વિઝા નિયમ
કેનેડાની સરકાર ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટડી વિઝાના નિયમો કડક કરી રહી છે. નવા નિયમો મુજબ જો કોઈ વિદ્યાર્થી ભારતથી કેનેડાની કોલેજમાં જશે તો ત્યાં પહોંચ્યા બાદ તે કોલેજ બદલી શકશે નહીં. જો તે કોલેજ બદલે છે, તો તેને ફરીથી સ્ટડી વિઝા મેળવવા પડશે. જો વિઝા રિજેક્ટ થશે તો વિદ્યાર્થીએ 30 દિવસની અંદર કેનેડા છોડી દેવું પડશે. સાથે જ તે પોસ્ટ સ્ટડી વિઝા વર્ક પરમિટથી વંચિત રહી જશે.
આ સાથે કેનેડાની સરકારે નવેમ્બર 2024માં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) વિઝા પ્રોગ્રામની પ્રક્રિયા સમાપ્ત કરી દીધી હતી. નોન-એસડીએસ રૂટ હેઠળ વિદ્યાર્થીઓના વિઝા રિજેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે.