લિઝ મૈથ્યુ : દિલ્હીમાં મહિલા પહેલવાનોનું ચાલી રહેલું આંદોલન હવે ભાજપને પરેશાન કરવા લાગ્યું છે. જે આંદોલન પર પાર્ટી પહેલા મૌન રહેતી હતી તેને પણ હવે એવું લાગવા લાગ્યું છે કે મામલો વધારે બગડી ગયો છે, રાષ્ટ્રીય બની ગયો છે, અને સૌથી મોટી ચિંતા એ છે કે તેનો સીધો સંબંધ મહિલાઓની સુરક્ષા સાથે છે.
હવે ભાજપ પણ આ બદલતા માહોલથી પરેશાન છે. તેને પણ લાગવા લાગ્યું છે કે આ મામલાને વધુ સારી રીતે હેન્ડલ કરી શકાયો હોત. જોકે હવે તે દિશામાં પગલાં ભરાયા છે. જે રીતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રેસલર્સને મળ્યા હતા, જે રીતે તેમને ખાતરી આપવામાં આવી હતી. સ્થિતિને સુધારવાના પ્રયાસો ચોક્કસ કરવામાં આવ્યા છે. હવે આ પ્રયાસ કેટલો સફળ રહ્યો છે તે અત્યારે કહી શકાય તેમ નથી. પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ મુદ્દો ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય પણ બની શકે છે.
અમેરિકા પ્રવાસ, PM ઉઠાવશે મોટું પગલું?
ભાજપ એ વાતથી સારી રીતે વાકેફ છે, આવામાં પુરો પ્રયત્ન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પહેલાં આ બાબતનો ઉકેલ લાવી શકાય. અથવા એ સ્થિતિમાં લાવવામાં આવે કે જેથી વિવાદ ઠંડો પડી શકે. જાણકારી માટે જણાવી દઈએ કે પીએમ મોદી 21થી 24 જૂન દરમિયાન અમેરિકા જવાના છે. તે પ્રવાસ ભારત માટે ખૂબ જ મહત્વનો છે. ઘણા કરારો પર હસ્તાક્ષર થઇ શકે છે. તેથી કોઇ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવાની જરૂર છે. હાલમાં પાર્ટી બે જૂથમાં વહેંચાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. એક બ્રિજ ભૂષણની વિરુદ્ધમાં છે અને બીજા હજુ સમર્થનમાં છે. પરંતુ આખી પાર્ટી એક વાત સાથે સહમત છે કે આ વિવાદથી મોટું નુકસાન થયું છે, છબી ખરડાઇ છે.
પાર્ટીએ માન્યું – ભૂલ થઇ ગઇ!
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ભાજપના ચાર નેતાઓએ સ્વીકાર્યું હતું કે પરિસ્થિતિને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાઈ હોત અને આ સ્થિતિને આટલી આગળ વધવા દેવાની જરૂર ન હતી. ભાજપના સાંસદ મેનકા ગાંધી અને પ્રતીમ મુંડેએ જાહેરમાં કહ્યું છે કે કુસ્તીબાજોને ન્યાય મળવો જોઈએ. આમ જોવા જઈએ તો આ સમગ્ર વિવાદનો એક બીજો એંગલ પણ છે જે હવે પાર્ટી સમજવા લાગી છે.
નેતાઓનો એક વર્ગ કુસ્તીબાજોના વિરોધ બાબતે રાજકીય એંગલ જુએ છે અને કહે છે કે તે કુસ્તી નિયંત્રણ મેળવવા માટે અખાડાના રાજકારણ માંથી ઉદભવ્યું છે. કેટલાક તેને જાટ રાજકારણને આભારી માને છે. હરિયાણાના જાટ સમુદાયના સભ્યો દેશના કુસ્તીના મેદાનમાં પ્રભુત્વ ધરાવે છે, જ્યારે બ્રિજ ભૂષણ ઉત્તર પ્રદેશના એક શક્તિશાળી રાજપૂત નેતા છે.
ભારતની ટોચની કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા એક મહિનાથી સાંસદની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક સગીર સહિત સાત મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરવામાં આવેલી અને ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી એફઆઇઆરમાં બ્રિજ ભૂષણ દ્વારા છેડતી, જાતીય સતામણી, અયોગ્ય સ્પર્શ અને જાતીય તરફેણની માગણીની વાત કરવામાં આવી છે. તેમણે આ આરોપોને નકારી કાઢ્યા છે.
વાસ્તવમાં આ માત્ર કુસ્તીબાજોનો વિરોધ નથી મહિલા કુસ્તીબાજોનો વિરોધ છે. 2014થી ભાજપને મહિલા મતદારોનો સારો એવો ટેકો મળ્યો છે. ઉજ્જવલા જેવી યોજનાઓએ ભાજપને ખૂબ જ લોકપ્રિય બનાવી છે. પરંતુ આ દરમિયાન આ આંદોલને પાર્ટીના મનમાં એક ડર પેદા કરી દીધો છે. ભાજપના એક નેતાએ કહ્યું કે આ વિવાદને આટલા સુધી લંબાવવાનું કોઈ કારણ ન હતું. જોકે તેમને અંદાજ ન હતો કે આંદોલન અચાનક આટલું ઝડપી થઈ જશે. હવે આ આંદોલનને મહિલાઓના મુદ્દાઓ સાથે જોડવામાં આવી રહ્યું છે.
2024ની ચૂંટણી: વિપક્ષ એકજૂથ, ભાજપ શું કરશે?
પાર્ટીએ વધુ એક વાત માનવા લાગી છે કે આ આંદોલનના કારણે વિપક્ષ એકજૂટ થઈ રહ્યો છે. જે રીતે પહેલા ખેડૂત આંદોલન દરમિયાન વિપક્ષી એકતા જોવા મળી હતી અને સરકાર પર દબાણ આવ્યું હતું. તેવી જ રીતે હવે આ રેસલર્સના આંદોલનમાં પણ એ જ વિપક્ષી એકતા બહાર આવી રહી છે. પાર્ટીના નેતાઓએ પણ આનો ઉલ્લેખ કરવાનું શરૂ કરી દીધું છે, એટલે કે પડકારો સામે ઉભા છે. 2024 ની ચૂંટણી નજીક છે અને આંદોલન હજી ચાલુ છે, પાર્ટી આગળ કયા પગલા ભરશે છે તેના પર બધાની નજર રહેશે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો