Uttarakhand Land Rules : ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડ સરકારે સોમવારે કહ્યું હતું કે જ્યાં સુધી જમીન કાયદા સમિતિ પોતાનો અહેવાલ રજૂ નહીં કરે ત્યાં સુધી તે રાજ્યની બહારના લોકોને કૃષિ અને બાગાયત માટે જમીન ખરીદવાની મંજૂરી આપશે નહીં. જોકે આ નિર્ણયથી રાજકીય વિવાદ સર્જાયો છે. સરકારે કહ્યું છે કે તે જનહિતમાં છે. અન્ય રાજ્યોના લોકોને મોટા પાયે જમીનનું વેચાણ અટકાવવા માટે કડક જમીન કાયદાની વધતી જતી માંગ વચ્ચે સરકારનું આ પગલું લેવામાં આવ્યું છે.
સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે અગાઉ પણ મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે જમીન ખરીદનારની બેકગ્રાઉન્ડની તપાસ પછી જ જમીન વેચવી જોઈએ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જમીનના કાયદા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજતી વખતે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે જમીન કાયદા માટે રચાયેલી સમિતિ દ્વારા મોટા પાયે લોક સુનાવણી હાથ ધરવામાં આવે અને વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો અને નિષ્ણાંતોની વાત સાંભળવી જોઈએ.
રાજ્યના જમીન કાયદામાં સુધારા માટે ભલામણો આપતા 2022 ના ડ્રાફ્ટ રિપોર્ટનો વિગતવાર અભ્યાસ કરવા માટે ગયા મહિને પાંચ સભ્યોની જમીન કાયદા સમિતિની રચના કરવામાં આવી હતી. આ દરમિયાન સીએમ ધામીએ પેનલને રિપોર્ટ તૈયાર કરવામાં ઝડપ લાવવા કહ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં જમીનનો કાયદો કેવી રીતે બદલાયો?
2004માં એનડી તિવારીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે ઉત્તર પ્રદેશ જમીનદારી અને ભૂમિ વ્યવસ્થા અધિનિયમ 1950ની કલમ 154માં સુધારો કર્યો હતો. જેથી 12 સપ્ટેમ્બર 2003 પહેલા ઉત્તરાખંડમાં સ્થાવર મિલકત ન ધરાવતા લોકોને ખેતી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી જમીન ખરીદવાની મંજૂરી મળી શકે. જોકે સરકારે રોકાણ આકર્ષવાની સાથે સાથે સ્થાનિક ઓળખ જાળવી રાખવાના હેતુથી 500 ચોરસ મીટરની મર્યાદા નક્કી કરી હતી. આ પછી બી સી ખંડુરીના નેતૃત્વવાળી ભાજપ સરકારે સીમાને વધુ ઘટાડીને 250 ચોરસ મીટર કરી દીધી હતી.
આ પણ વાંચો – માયાવતી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ બનશે કે નહીં? કોંગ્રેસ આ કારણે બસપાને સાથે લેવાનો કરી રહી છે આગ્રહ
વર્ષ 2018માં ત્રિવેન્દ્ર સિંહ રાવતના નેતૃત્વવાળી ભાજપ સરકારે આર્થિક વિકાસ પર ભાર મૂકતા આ પ્રતિબંધોને સંપૂર્ણપણે હટાવી લીધા હતા. જોકે આ પગલાથી સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કડક નિયમોને ફરીથી સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસે કેવી પ્રતિક્રિયા આપી છે?
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કરણ માહરાએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે જમીન કાયદા અંગે વારંવાર કમિટી બનાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે પુષ્કર ધામીને વિનંતી કરી કે જો સરકારનો ઇરાદો સાચો હોય તો જમીનદારી નાબૂદી અધિનિયમમાં કરવામાં આવેલા ફેરફારોને રદ કરવામાં આવે. ત્રિવેન્દ્ર રાવત સરકારે 2018માં ઉત્તરાખંડ જમીનદારી નાબૂદી અધિનિયમમાં સુધારો કર્યો હતો અને જમીનની લૂંટને ખુલ્લી છૂટ આપી હતી, જેનો મોટા પાયે દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ધામી સરકારે આ સુધારો તાત્કાલિક રદ કરવો જોઈએ. ભાજપે હંમેશાં જુઠ્ઠાણાનો માર્ગ અપનાવ્યો છે. લોકોમાં રોષ એ છે કે મજબૂત જમીન કાયદો ન હોવાને કારણે રાજ્ય બહારના લોકો મોટા પાયે રાજ્યની જમીન ખરીદી રહ્યા છે અને બહારના લોકો રાજ્યના સંસાધનો પર પ્રભુત્વ જમાવી રહ્યા છે. જ્યારે મૂળ વતનીઓ અને જમીન માલિકો જમીન વિહોણા બની રહ્યા છે. તે પર્વતીય રાજ્યની સંસ્કૃતિ, પરંપરા અને ઓળખને અસર કરી રહ્યું છે.
ભાજપે શું પ્રતિક્રિયા આપી?
ભાજપે સરકારના આ પગલાને મહત્વપૂર્ણ ગણાવતા તેની પ્રશંસા કરી છે. પક્ષના પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર ભટ્ટે લોકોની લાગણી અનુસાર ભાવિ કાયદાઓ બનાવવાની ખાતરી આપી છે અને મજબૂત જમીન કાયદા માટે સરકારની પ્રતિબદ્ધતાની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રતિબંધ પહેલા ભૂતપૂર્વ મુખ્ય સચિવ (સુભાષ કુમાર) ની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી અને બંધારણીય, તકનીકી અને કાનૂની પાસાઓના આધારે વરિષ્ઠ અધિકારીઓની ડ્રાફ્ટિંગ સમિતિ દ્વારા અહેવાલની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે મુખ્યમંત્રીને ખેતીની જમીનની ખરીદીમાં ગેરરીતિઓ વિશે જાણ થઈ, ત્યારે તેમણે ડીએમ માટે તેના પર અહેવાલ આપવો ફરજિયાત બનાવ્યો. પરંતુ હવે જ્યારે જમીન કાયદાને લગતી પ્રક્રિયા નિર્ણાયક તબક્કામાં છે ત્યારે રાજ્યના બહારના લોકો દ્વારા ખરીદી પર પ્રતિબંધ યોગ્ય પગલું છે અને તેનાથી લોકોની શંકા દૂર થશે.