What is staple visa : સ્ટેપલ વિઝા આપવાના વિરોધમાં ભારતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા માટે પોતાની વુશુ ટીમને ચીન મોકલવાની મનાઇ કરી દીધી છે. ભારતની 8 સભ્યોની વુશુ ટીમમાં અરુણાચલ પ્રદેશના 3 ખેલાડી પણ હતા. ચીનના વિદેશ મંત્રાલયે તેમને સ્ટેપલ વિઝા જારી કર્યા હતા. જ્યારે અન્ય પાંચ ખેલાડીઓને સામાન્ય વિઝા જારી કર્યા હતા. ભારત સરકારે ચીનની આ હરકત સામે પ્રતિક્રિયામાં આ પગલું ભર્યું છે. આવો તમને જણાવીએ કે સ્ટેપલ વિઝા શું હોય છે અને કયા-કયા દેશ તેને કેમ જારી કરે છે.
સ્ટેપલ વિઝા સામાન્ય વિઝા કરતા અલગ છે. તેને સ્ટેપલ વિઝા કહેવામાં આવે છે કારણ કે પાસપોર્ટમાં મુસાફરીની વિગતો વાળા કાગળને ચોંટાડવાને બદલે તેને સ્ટેપલ કરવામાં આવે છે. સામાન્ય વિઝામાં આવું થતું નથી. સામાન્ય વિઝામાં પ્રવાસને લગતી તમામ માહિતીવાળા કાગળ ચોંટાડવામાં આવે છે.
યાત્રા પુરી થયા પછી સ્ટેપલ વિઝા ફાડી નાખવામાં આવે છે
જે લોકોને સ્ટેપલ વિઝા આપવામાં આવ્યા હોય છે, યાત્રા પુરી થયા પછી તેમને મળતા સ્ટેપલ વિઝા એન્ટ્રી અને એક્ઝિટ ટિકિટ (પાસ) બધું ફાડી નાખવામાં આવે છે. આનો અર્થ એ છે કે પાસપોર્ટ પર આ મુસાફરી વિશે કોઈ જ માહિતી જોવા મળતી નથી. સુરક્ષાને લઈને ભારત સરકાર માટે આ મોટો પડકાર ઉભો કરે છે. જ્યારે સામાન્ય વિઝામાં પાસપોર્ટ પર મુસાફરીની સંપૂર્ણ જાણકારી હોય છે.
આ પણ વાંચો – જ્યારે 63 સાંસદોને એકસાથે કરી દીધા હતા સસ્પેન્ડ, શું છે નિયમ
ક્યુબા, ઇરાન, સીરિયા અને ઉત્તર કોરિયા આપતા હતા સ્ટેપલ વિઝા
ક્યુબા, ઇરાન, સીરિયા અને ઉત્તર કોરિયા સ્ટેપલ વિઝા આપતા હતા. ક્યુબા, ઇરાન, સીરિયા અને ઉત્તર કોરિયાની સરકારો ચીન અને વિયેતનામના લોકોને સ્ટેપલ વિઝા આપતી હતી. જોકે કરાર બાદ હવે આ દેશોના લોકોને તેમાંથી મુક્તિ મળી છે. જ્યારે ભારતના બે રાજ્ય જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશના લોકોને સ્ટેપલ વિઝા આપે છે.
ચીન અરુણાચલ પ્રદેશને તિબેટનો ભાગ માને છે
ચીન અરુણાચલ પ્રદેશને તિબેટનો ભાગ માને છે. તિબેટ પર ચીનનો અધિકાર છે. આવી સ્થિતિમાં ચીન ભારતના અરૂણાચલ પ્રદેશને પોતાના દેશનો ભાગ માને છે. સ્ટેપલ વિઝા આપવાનો સ્પષ્ટ અર્થ એ છે કે ચીન તે વિસ્તારોને ભારતનો ભાગ માની રહ્યું નથી, જેના માટે આવા વિઝા જારી કરવામાં આવી રહ્યા છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ કહીને પોતાનો ભાગ હોવાનો દાવો કરે છે. તેમનું કહેવું છે કે અરુણાચલનો વિસ્તાર હાલ ભારતના કબજામાં છે, તેથી ત્યાંના રહેવાસીઓને સ્ટેપલ વિઝા આપવામાં આવે છે.