Weather Update : ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જોકે હવામાન વિભાગે જે રાજ્યોમાં વરસાદ નથી તેની પણ માહિતી શેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી એક સપ્તાહમાં ચોમાસાની સ્થિતિમાં સુધારો થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 11-14 ઓગસ્ટે, ઉત્તરાખંડમાં 11-15 ઓગસ્ટે, હિમાચલ પ્રદેશમાં 11-13 ઓગસ્ટે, પંજાબ અને હરિયાણામાં 11-13 ઓગસ્ટે ભારે વરસાદ પડશે. આ ઉપરાંત પૂર્વીય ઉત્તર પ્રદેશમાં 11થી 13 ઓગસ્ટે મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમના અન્ય રાજ્યોમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદની સંભાવના ઓછી છે.
પૂર્વ ભારતની વાત કરવામાં આવે તો બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 11-13 ઓગસ્ટ, ઝારખંડમાં 12 અને 13 ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો – બીજેપી નેતા સના ખાનની હત્યા, બિઝનેસ પાર્ટનરની પત્નીને હતી અફેરની શંકા
નોર્થઇસ્ટ ઇન્ડિયા વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં 11-15 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં 11, 12 અને 15 ઓગસ્ટે મુશળધાર વરસાદ પડશે. આ સિવાય તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળમાં 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ જારી કર્યું નિવેદન
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તરાખંડ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. જેને જોતા રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પર્યટકોને બિનજરૂરી મુસાફરીથી બચવાની સલાહ આપી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરીને કહ્યું કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના તમામ લોકો અને પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી છે. ધામીએ કહ્યું કે તેમણે જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફને ચોવીસ કલાક સજાગ રહેવા જણાવ્યું છે. સાથે જ તે પોતે સંબંધિત અધિકારીઓ સાથે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ગુજરાતમાં શું છે આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. હાલના દિવસોમાં ભારે વરસાદની સંભાવના નથી. આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં છુટા છવાયા વરસાદની સંભાવના છે.