Heavy rainfall in Madhya Pradesh : છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિના કારણે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર અને ઈન્દોર જિલ્લામાં રસ્તાઓ તૂટી જવાના કારણે ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી સમસ્યાઓ વધુ ઘેરી બની છે. વહીવટીતંત્રે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોને બહાર કાઢીને સલામત સ્થળે ખસેડ્યા છે.
એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત
આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હું પ્રભાવિત ક્ષેત્રો ખરગોન, બરવાની, ધાર, ખંડવા, બુરહાનપુર, અલીરાજપુર અને ઇન્દોરના કલેક્ટરો અને અન્ય અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું. પરિસ્થિતિઓ નિયંત્રણમાં છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. જરૂર પડશે તો સેના અને વાયુસેનાની મદદ લઈશું.
જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ
ધારના કલેક્ટર પ્રિયાંક મિશ્રાએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. હું લોકોને વિનંતી કરું છું કે ખૂબ જ જરૂરી કામ હોય તો જ તેઓ તેમના ઘરની બહાર નીકળે. શનિવારે તમામ ઓફિસો બંધ રાખવામાં આવી હતી છે અને આજે એટલે કે રવિવારે જે પણ ખાનગી ઓફિસો ખુલ્લી છે તે તમામને બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો – નવા સંસદ ભવનમાં લહેરાવ્યો તિરંગો, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાર્યક્રમમા સામેલ ના થયા
ખાંડવામાં ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
બીજી તરફ ઈન્દોર જિલ્લામાં સતત ભારે વરસાદ બાદ પ્રશાસને છેલ્લા 24 કલાક દરમિયાન અલગ અલગ જગ્યાએ ફસાયેલા 200થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર ઇલૈયારાજા ટીએ જણાવ્યું હતું કે એસડીઆરએફની ટીમો અને હોમગાર્ડ્સની મદદથી છેલ્લા 24 કલાકમાં 200થી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. ભારે વરસાદ બાદ આ લોકો અલગ અલગ જગ્યાએ ફસાયા હતા. ખંડવામાં ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
માંધાતા પોલીસ સ્ટેશનના ઓફિસર-ઇન-ચાર્જ બલજીત સિંહ બિસેને જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર અમે લોકોને અહીં આવવાની મનાઈ ફરમાવી છે અને અવરજવર માટે ઉપયોગમાં લેવાતા પુલને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ લોકોમાં રાઉ તહસીલના કાલારિયા ગામમાં ગંભીર નદીના ટાપુ પર ફસાયેલા 21 ગ્રામજનોનો સમાવેશ થાય છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) રાકેશ પરમારે જણાવ્યું હતું કે મહિલાઓ, બાળકો, માછીમારો અને ખેડૂતો સહિત 21 લોકોને બોટ મોકલીને બચાવી લેવામાં આવ્યા હતા.
નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે જિલ્લા મુખ્યાલયથી લગભગ 45 કિલોમીટર દૂર ગ્રામીણ વિસ્તારમાં ફૂલી ગયેલી ચોરાલ નદીમાં એક એસયુવી તણાઈ ગઇ હતી. રાજ્યના પૂર્વ મંત્રી રંજના બઘેલના 19 વર્ષના પુત્ર યશ સહિત ત્રણ વ્યક્તિઓને પોલીસે ગ્રામજનોની મદદથી બચાવી લીધા હતા.
ડીએસપીએ જણાવ્યું હતું કે ચોરાલ નદીનું પાણી પુલ પર હોવા છતાં એસયુવીમાંથી પસાર થવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આ દુર્ઘટના થઇ હતી. ભારે વરસાદના કારણે જિલ્લામાં જનજીવન ખોરવાઈ ગયું છે. અનેક સ્થળોએ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા છે અને બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ઈન્દોર હવામાન વિભાગના અધિકારી હીરાલાલ ખાપેડિયાના જણાવ્યા અનુસાર શનિવારે બપોર સુધીમાં કુલ 39 ઈંચ વરસાદ નોંધાયો હતો.