Shashi Tharoor vs Mallikarjun Kharge: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે મતદાન પુરુ થઇ ગયું છે. કુલ 90 ટકા વોટિંગ થયું છે. 19 ઓક્ટોબરે મતોની ગણતરી થશે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વોટ આપ્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું કે આ દિવસની લાંબા સમયથી આતુરતા હતી. કોંગ્રેસના 137 વર્ષના ઇતિહાસમાં છઠ્ઠી વખત અધ્યક્ષ પદની ચૂંટણી થઇ છે. આ ચૂંટણી સાથે જ 22 વર્ષો પછી ગાંધી પરિવારની બહારનો કોઇ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ બનશે.
કોંગ્રેસ માટે ઐતિહાસિક દિવસ
બેંગલુરુમાં વોટિંગ દરમિયાન કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે પાર્ટી માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે અહીં 490 લોકોએ મતદાન કર્યું. વોટિંગ પારદર્શી તરીકે થઇ રહ્યું છે અને આનાથી દેશને ફાયદો થશે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ ઐતિહાસિક દિવસ ગણાવતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 22 વર્ષ પછી થઇ રહી છે. આ ચૂંટણી પાર્ટીમાં આંતરિક સદભાવનો સંદેશ આપે છે. ગાંધી પરિવાર સાથે મારો સંબંધ 19 ઓક્ટોબર પછી પણ આવા જ રહેશે.
એક તરફ મલ્લિકાર્જૂન ખડગે છે જે પાર્ટીના દિગ્ગજ નેતા છે અને પાર્ટી નેતૃત્વની ખૂબ જ નજીક છે. આવી સ્થિતિમાં તેમને અનૌપચારિક સત્તાવાર ઉમેદવાર તરીકે સમર્થન સાથે જોરદાર જીત મેળવવાનો વિશ્વાસ છે. બીજી તરફ શશિ થરુર છે જેમને પાર્ટીનું સાઇલેન્ટ સમર્થન મળેલું છે જે લોકો પાર્ટીમાં ફેરફાર માટે તરસી રહ્યા છે.
આ પણ વાંચો – અશોક ગેહલોતે કહ્યું- સાધુ પણ આરામ કરે છે પણ રાહુલ ગાંધી રોજ 25 કિમીની યાત્રા કરી રહ્યા છે
બંને ઉમેદવારો માટે આ દોડ ખૂબ જ ઉત્સાહી અને વ્યસ્ત રહી છે. રાજ્યોના પ્રવાસ કરી પાર્ટી નેતાઓએ મુલાકાત, સોશિયલ મીડિયા પ્રચાર, ચૂંટણી ઢંઢેરો, મીડિયા ઇન્ટરેક્શન, ઇન્ટરવ્યૂ, આ 10 દિવસમાં બંને નેતાઓએ પોતાની પુરી તાકાત લગાવી દીધી હતી. આ દરમિયાન થરુર તરફથી ખડગેને લઇને અલગ-અલગ ટિપ્પણીઓ આવી છે. ક્યારેક તેમણે ખડગેને વધારે સમર્થન મળવાની વાત કરી તો ક્યારેક તેમણે ગાંધી પરિવારના ફેવરિટ સુધી ગણાવી દીધા હતા.
થરૂરે છેલ્લા 10 દિવસમાં 10 રાજ્યોની મુલાકાત લીધી હતી. જો કે, તેમને મધ્યપ્રદેશ સિવાય બાકીના રાજ્યોમાં ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. તેનાથી વિપરીત, પીસીસી પ્રમુખો અને સીએલપી નેતાઓથી માંડીને રાજ્યના કાર્યકર્તાઓએ ખડગે સાથે ખૂબ જ ઉષ્માભર્યું મુલાકાત કરી હતી.