Vaishali Superfast Express Fire : ઉત્તર પ્રદેશના ઇટાવામાં દિલ્હી-સહર્સા વૈશાલી સુપરફાસ્ટ એક્સપ્રેસ (12554) ના S6 કોચમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે લગભગ 19 લોકો દાઝી ગયા હતા. આ અકસ્માત ઉત્તર પ્રદેશના ઈટાવામાં થયો હતો. આ રીતે ઈટાવામાં 12 કલાકની અંદર આ બીજી દુર્ઘટના સર્જાઈ છે. આ પહેલા બુધવારે નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસના S-1 કોચમાં આગ લાગી હતી. મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માત ઈટાવાના સરાય ભૂપત રેલવે સ્ટેશન પાસે થયો હતો.
વાસ્તવમાં, ગુરુવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશના ઇટાવામાં દિલ્હી-સહર્સા વૈશાલી સુપરફાસ્ટ એક્સપ્રેસના કોચમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 19 લોકો દાઝી ગયા હતા. અકસ્માત અંગે રેલ્વે સીઓ ઉદય શંકરે જણાવ્યું કે, ટ્રેન દિલ્હીથી બિહારના સહરસા જઈ રહી હતી. ત્યારબાદ રાત્રે લગભગ 2:30 વાગે પેન્ટ્રી કાર પાસેના S6 કોચમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. જો કે આગ શા માટે લાગી તે જાણી શકાયું નથી.
લોકોએ ડોલ વડે આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો
અહેવાલો અનુસાર, સ્થળ પર કેટલાક લોકો પાણીની ડોલથી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શંકરે વધુમાં જણાવ્યું કે, આગ પેન્ટ્રી કાર પાસેના કોચમાં લાગી હતી. અકસ્માતમાં 19 લોકો દાઝી ગયા હતા. આગ કેમ લાગી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. શંકરે વધુમાં જણાવ્યું હતું કે, શ્વાસ લેવામાં તકલીફ થતાં 11 લોકોને પીજીઆઈમાં રિફર કરવામાં આવ્યા છે. બાકીના 8 લોકોને દાઝી જવાના કારણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો –
12 કલાકમાં આગની બીજી ઘટના
તમને જણાવી દઈએ કે, ઈટાવામાં ટ્રેનમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. બુધવારે નવી દિલ્હી-દરભંગા સુપરફાસ્ટ એક્સપ્રેસના ત્રણ બોગીમાં આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટનામાં કેટલાક લોકો સામાન્ય દાઝી ગયા હતા. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઇટાવાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી)એ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાયું છે. રિપોર્ટ અનુસાર, ટ્રેનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા. આગ લાગતાની સાથે જ અનેક મુસાફરો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે, દિવાળી તહેવારોના કારણે ટ્રેનમાં મુસાફરોનો ધસારો રહે છે.