Uttarkashi tunnel Rescue Updates : ઉત્તરકાશીની સિલ્કયારા ટનલમાંથી અત્યાર સુધી શ્રમિકોને બચાવી શકાયા નથી પરંતુ સોમવારે ત્યાંથી એક સારા સમાચાર આવ્યા છે. સિલ્કયારામાં રેસ્ક્યૂ ટીમને કાટમાળમાંથી 6 ઇંચની પાઇપ પાર કરવામાં સફળતા મળી છે. હવે આ પાઇપ દ્વારા મજૂરોને રોટલી, શાકભાજી અને અન્ય પૌષ્ટિક આહાર મોકલી શકાશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પાઇપ દ્વારા રેસ્ક્યૂ ટીમ ટનલમાં કેમેરો પણ મોકલશે, જેના દ્વારા અંદરની તસવીર જોઇ શકાય. આ પહેલા ટનલમાં ફસાયેલા મજૂરોને ચાર ઇંચની પાઇપ દ્વારા ઓક્સિજન, હળવા ખાદ્ય પદાર્થો, નટ્સ, દવાઓ અને પાણી પહોંચાડવામાં આવી રહ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કર્નલ દીપક પાટીલે કહ્યું કે અમે નવી પાઈપ દ્વારા ટનલમાં ફસાયેલા મજૂરોને ભોજન, મોબાઈલ અને ચાર્જર મોકલીશું. અમે ટનલની અંદર વાઇફાઇ કનેક્શન ઇન્સ્ટોલ કરવાનો પણ પ્રયાસ કરીશું.
આ પણ વાંચો – અકસ્માતનું કારણ શું હોઈ શકે? નિષ્ણાતો પાસેથી સમજો કે આ કેવી રીતે ટાળી શકાય છે
NHIDCLના ડિરેક્ટર અંશુ મનીષ ખાલકોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા બચાવ કામગીરીની આ પ્રથમ સફળતા છે અને તે પછી મજૂરોને વહેલી તકે બહાર કાઢવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કાટમાળની બીજી બાજુ 53 મીટરની પાઇપ મોકલી છે અને અંદર ફસાયેલા શ્રમિકોને હવે સાંભળી શકીએ છીએ અને અનુભવી કરી શકીએ છે.
આ પાઈપલાઈન નાખવાથી ફસાયેલા મજૂરોના જીવનને સુરક્ષિત રાખવાનો આત્મવિશ્વાસ અનેકગણો વધી ગયો છે. જેના કારણે તેમના પરિવારજનો તેમજ બચાવ કામગીરીમાં લાગેલા લોકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ આ ટનલનું નિર્માણ
આ પ્રોજેક્ટની આ સૌથી લાંબી (સાડા ચાર કિલોમીટર) ડબલ લેન રોડ ટનલ છે. તેમાંથી લગભગ ચાર કિલોમીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે. ટનલના નિર્માણમાં કામદારો દિવસ-રાત વ્યસ્ત રહે છે. ફેબ્રુઆરી 2024 સુધીમાં તેનું ખોદકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારા અને જંગલચટ્ટી વચ્ચેની આ 4.5 કિમી લાંબી અત્યાધુનિક ટનલના નિર્માણથી ગંગોત્રી અને યમુનોત્રી વચ્ચેનું અંતર 26 કિમી ઘટશે.
આ ટનલ લગભગ 853 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે. હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) ની દેખરેખ હેઠળ, ડબલ લેન ટનલ એ દેશની પ્રથમ અત્યાધુનિક ટનલ છે જે ન્યૂ ઑસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM) નો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે. નવયુગ એન્જિનિયરિંગ કંપનીએ જાન્યુઆરી 2019માં તેનું બાંધકામ શરૂ કર્યું હતું.