The Gandhis and Amethi: ગાંધી અને અમેઠી: ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે 18 ઓગસ્ટ, શુક્રવારે જણાવ્યુ હતુ કે, પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી અમેઠીથી લડશે. ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી આ બેઠક ભાજપ નેતા સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા.
અમેઠી બેઠકની રચના વર્ષ 1967માં થઈ હતી અને ત્યારથી તે કોંગ્રેસનો ગઢ રહી છે. છેલ્લા ચાર વર્ષોમાં, 1970 અને 1990 ના દાયકાના અમુક સમયને અપવાદરૂપ ગણતા, હંમેશા નહેરુ-ગાંધી પરિવારના સભ્ય અથવા વફાદાર નેતા આ મતદારક્ષેત્રમાંથી જીતતા આવ્યા છે. અમેઠી બેઠક અને નેહરુ-ગાંધી પરિવાર વચ્ચેના દાયકાઓ જૂના સંબંધો વિશે જાણીયે
સંજય ગાંધી (1980-81)
સંજય ગાંધી ગાંધી-નેહરુ પરિવારના પ્રથમ સભ્ય હતા જેઓ અમેઠી લોકસભામાંથી ચૂંટણી લડ્યા હતા. કટોકટી સમાપ્ત થયા પછી તરત જ યોજાયેલી 1977ની લોકસભા ચૂંટણીમાં સંજય અમેઠીથી લડ્યા હતા. પરંતુ વસ્તી વધારાને રોકવા માટે તેમના દ્વારા ચલાવવામાં આવેલા ફરજિયાત નસબંધી કાર્યક્રમને કારણે તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અમેઠીએ તેના ટૂંકા ઇતિહાસમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી નેતાને મત આપ્યો. તે ચૂંટણીમાં જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપ સિંહ જીત્યા હતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આખરે 1980ની લોકસભા ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખ્યો અને ઉત્તરપ્રદેશના અમેઠીથી સાંસદ બન્યા. પરંતુ 1981માં વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. અમેઠીના સાંસદ તરીકે તેમનો કાર્યકાળ ટૂંકો હતો.
રાજીવ ગાંધી (1981-1991)
સંજયના મૃત્યુથી રાજીવ ગાંધીનો સક્રિય રાજકારણમાં પ્રવેશ થયો. 4 મે, 1981ના રોજ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકમાં, ઈન્દિરા ગાંધીએ અમેઠીના ઉમેદવાર તરીકે તેમના નાના પુત્રના નામનો પ્રસ્તાવ મૂક્યો. બેઠકમાં હાજર તમામ કોંગ્રેસી સભ્યોએ આ સૂચનને સ્વીકારી લીધું, ત્યારબાદ રાજીવે અમેઠીથી ઉમેદવારી નોંધાવી.
રાજીવે પેટાચૂંટણીમાં જંગી જીત નોંધાવી હતી. તેમણે લોકદળના ઉમેદવાર શરદ યાદવને 2 લાખથી વધુ મતોની સરસાઇથી હરાવ્યા હતા. રાજીવે 17 ઓગસ્ટ 1981ના રોજ અમેઠીથી સાંસદ તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ રાજીવ ગાંધી વર્ષ 1984, 1989 અને 1991માં અમેઠીથી જીત્યા અને લગભગ એક દાયકા સુધી આ સીટ પર પ્રભુત્વ જાળવી રાખ્યું.
1991માં લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ દ્વારા રાજીવ ગાંધીની હત્યા બાદ અમેઠીમાં ફરીથી પેટાચૂંટણી યોજાઈ. કોંગ્રેસના સતીશ શર્માનો વિજય થયો હતો. તેમણે 1996ની ચૂંટણીમાં તેમની જીતનું પુનરાવર્તન કર્યું.
બે વર્ષ પછી, ભાજપના સંજય સિંહે લોકસભાની ચૂંટણીમાં તેમને સત્તા પરથી હાંકી કાઢ્યા. તે સમયે ભાજપે યુપીમાં લોકસભાની 85માંથી 57 બેઠકો જીતી હતી.
સોનિયા ગાંધી (1999-2004)
વર્ષ 1999માં, અમેઠીના લોકોએ ફરી એકવાર નહેરુ-ગાંધી પરિવારના સભ્યને મત આપ્યો, જ્યારે સ્વ. રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધી આ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. પરંતુ તેઓ ફરીવાર આ બેઠક પરથી ફરી ચૂંટણી લડ્યા નહીં. 2004ની લોકસભા ચૂંટણીમાં, સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા અને રાહુલ ગાંધીએ અમેઠીથી ઉમેદવારી નોંધાવી હતી.
રાહુલ ગાંધી (2004-2019)
રાહુલ ગાંધી તેમના પ્રથમ પ્રયાસમાં અમેઠીમાંથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા અને 2009માં 3.70 લાખ મતોના વિશાળ માર્જિન સાથે ફરીથી ચૂંટાયા આવ્યા. 2014માં તેમણે ફરી જીત હાંસલ કરી, પરંતુ આ વખતે હરીફ ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કડક ટક્કર આપી હતી. સ્મૃતિ ઈરાનીએ આખરે 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલને હરાવ્યા અને બે દાયકા કરતા વધારે સમય બાદ અમેઠી બેઠક જીતનાર બીજેપીના બીજા નેતા બન્યા. રિપોર્ટ અનુસાર ઈરાનીની જીત મતદારક્ષેત્રની વારંવાર મુલાકાતો અને 2014ની હાર બાદ કોંગ્રેસ પક્ષની સતત હારનું પરિણામ હતું.
આ પણ વાંચો | ગુજરાત ચૂંટણીમા ભાજપે કોંગ્રેસ કરતા કર્યો બે ગણો ખર્ચ, અમિત શાહ અને નીતિન ગડકરીના પ્રવાસ પર કેટલો ખર્ચ?
કોંગ્રેસ પાર્ટીને હવે આશા છે કે રાહુલ 2024ની લોકસભા ચૂંટણીમાં કમબેક કરશે. જેમાં ખાસ કરીને રાહુલ ગાંધીની તાજેતરની ભારત જોડો યાત્રાની અસર અને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીતથી અપેક્ષા વધી ગઇ છે.