લાલમણી વર્મા : લોકસભા ચૂંટણી 2024 પહેલા સપા પ્રમુખ અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો છે. સપાના ધારાસભ્ય દારા સિંહ ચૌહાણે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. દારા સિંહ ચૌહાણનું રાજીનામું સ્પીકર સતીશ મહાનાએ સ્વીકારી લીધું છે. પૂર્વ મંત્રી દારા સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. બીજેપી તેમને પૂર્વાંચલની કોઈપણ એક સીટ પર લોકસભાની ચૂંટણી લડાવી શકે છે.
પૂર્વ મંત્રી દારા સિંહ ચૌહાણ હાલમાં ઉત્તર પ્રદેશના ઘોશી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. ચૌહાણ અગાઉની ભાજપ સરકારમાં મંત્રી હતા. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાંથી રાજીનામું આપી સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા.
દારા સિંહ ચૌહાણનો પ્રભાવ મઉ સહિત 20 જિલ્લામાં છે. તેમની ગણતરી તેમના સમાજના મોટા નેતાઓમાં થાય છે. તેઓ અગાઉની ભાજપ સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા.
દારા સિંહની રાજકીય કારકિર્દી
પૂર્વ મંત્રી દારા સિંહ ચૌહાણે પોતાની રાજકીય કારકિર્દી બહુજન સમાજ પાર્ટી (BSP)થી શરૂ કરી હતી. ચૌહાણ 1996-2000માં રાજ્યસભાના સભ્ય પણ હતા. વર્ષ 2009 માં, તેઓ NEBSPA ટિકિટ પર ઘોસીથી લોકસભા ચૂંટણી જીત્યા. હવે ફરી એકવાર તેઓએ પોતાનું પલડુ બદલી નાખ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ તેમને ફરીથી ઘોસીથી લોકસભામાં ઉતારી શકે છે.
દારા સિંહ મહિનાઓથી ભાજપના સંપર્કમાં હતાઃ સપા
દારા સિંહ ચૌહાણ પાર્ટી છોડવા પર, સપાના પ્રવક્તા આઈપી સિંહે કહ્યું, “દારા સિંહ ચૌહાણ ભાજપ સાથે ઘોસી માઉથી લોકસભા ચૂંટણી લડવા માંગે છે. તેઓ મહિનાઓથી ભાજપના સંપર્કમાં હતા. સપાએ ઘોશી અને ગાઝીપુર લોકસભાની 354 ખાલી બેઠકો પર પેટાચૂંટણીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ગાઝીપુર લોકસભા સીટ ખાલી છે પરંતુ ભાજપ ચૂંટણી લડવાથી સંકોચ કરી રહી છે અને ચૂંટણી સ્થગિત કરવામાં આવી રહી છે.
દારા સિંહ ભાજપમાં જોડાઈ શકે છે
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “દારા સિંહ ચૌહાણ બહુ જલ્દી ભાજપમાં જોડાશે, પરંતુ તે હજુ સુધી નક્કી નથી કે, તેઓ કઈ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે.” જો કે, બીજેપીના અન્ય એક નેતાએ કહ્યું કે, પક્ષ ચૌહાણને ઘોસી લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવી શકે છે.
આ પણ વાંચો – Bengal panchayat polls: જે સીટો પર ટાઈની સ્થિતિ, ત્યાં સિક્કો ઉછાળી ભાગ્યનો ફેંસલો થઈ રહ્યો
દારા સિંહ યોગી કેબિનેટમાં મંત્રી હતા
ચૌહાણ 2017 થી 2022 સુધી આદિત્યનાથ કેબિનેટમાં કેબિનેટ મંત્રી હતા. તેમણે 12 જાન્યુઆરી, 2022ના રોજ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાના પત્રમાં, ચૌહાણે ત્યારે કહ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા અવગણના કરવામાં આવતા તેઓ નારાજ છે. તેમણે કહ્યું હતું કે, પછાત વર્ગો, વંચિતો, દલિતો, ખેડૂતો અને બેરોજગાર યુવાનો અને પછાત વર્ગો અને દલિતોના આરક્ષણ સાથે રમત રમાઈ રહી છે. ત્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવે એક ટ્વિટમાં ચૌહાણને સામાજિક ન્યાયના સૈનિક ગણાવ્યા હતા.