Martyr Captain Shubham Gupta Mother : જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ સાથે એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા જવાનમાં આગ્રાના કેપ્ટન શુભમ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. શુભમ ગુપ્તાની શહાદતના સમાચાર મળતા જ શોકનું મોજુ ફરી વળ્યું હતું. મોટી સંખ્યામાં લોકો તેમના પરિવારના સભ્યોને મળવા માટે તેમના ઘરે આવવા લાગ્યા હતા. શુભમ ગુપ્તાના પરિવારજનોને મળવા અને સહાયતા રાશિ આપવા માટે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય પહોંચ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કેટલાક લોકો આ વીડિયો પર નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયે શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાની માતાના હાથમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. મંત્રી ચેક આપી રહ્યા હતા ત્યારે કેપ્ટન શુભમ ગુપ્તાની માતા રડી રહ્યા હતા અને લોકો ફોટા પાડી રહ્યા હતા.
લોકોને ફોટા ખેંચતા જોઇને કેપ્ટન શુભમ ગુપ્તાની માતાએ કહ્યું કે મારા માટે પ્રદર્શની ન લગાવો, આવું ન કરો, ન કરો. મારા વહાલા દીકરાને બોલાવો. મારી દુનિયા ખતમ થઈ ગઈ છે. મારું બધું જ ખતમ થઇ ગયું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેના પર લોકોના રિએક્શન સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો – રાજૌરીમાં બે કેપ્ટન સહિત ચાર જવાન શહીદ, સેનાએ આતંકવાદીઓને ઘેર્યા
સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓ
કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ લખ્યું કે આ 27 વર્ષીય શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાની રડતી માતાને ગીધ જનતા પાર્ટીના મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય અને ગીધ ભાજપાઇઓને કહેવા માટે મજબૂર થવું પડ્યું. તેમને શરમ આવતી નથી. રણવિજય સિંહે લખ્યું કે યુપીના આગ્રાના કેપ્ટન શુભમ ગુપ્તા આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. ભાજપના મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય 50 લાખ રૂપિયાનો ચેક લઈને પહોંચ્યા હતા. પરંતુ આટલી મોટી રકમ એમ જ કેવી રીતે આપવી. ફોટા અને વીડિયો તો બનવા જોઈએ. વીડિયોમાં શહીદની માતા કહી રહ્યા છે કે આ પ્રદર્શની ન લગાવો ભાઈ અને ફોટો ક્લિક થઇ રહ્યા છે.
@Mithileshdhar લખ્યું છે કે દેશની રક્ષા કરતા સમયે આગ્રાના કેપ્ટન શુભમ ગુપ્તા સરહદ પર શહીદ થયા હતા. તેમની માતા ઘણા આઘાતમાં છે. તેઓ ઉભા પણ રહી શકતા નથી, તેઓ પણ આ પ્રદર્શન ન મુકવાનો ઇનકાર કરી રહ્યા છે. પરંતુ બેશરમ નેતાઓને શરમ ક્યા છે. તેઓ બળજબરીથી ચેક આપી ફોટો સેશન કરી રહ્યા છે. અન્યએ લખ્યું કે સરકારમાં બેઠેલા પ્રચારકોની અસંવેદનશીલતા જુઓ, વીડિયોમાં શહીદની માતા કહી રહ્યા છે કે આ પ્રદર્શની ન લગાવો ભાઈ પરંતુ તેમની વીડિયોગ્રાફી ચાલુ રહી.
વીડિયો જોયા બાદ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે રડતી માતા સામે ચેક લઇને ઉભેલા નેતાઓ પોતાના ફોટા પાડી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે ચેકને હાથ પણ લગાડી રહ્યા નથી. આમ છતાં નેતા ચેક લઇને તેમની સામે ઉભા છે અને ફોટા પાડી રહ્યા છે.