Tunnel Collapse In Uttarakhand: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બ્રહ્મખાલ-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્કયારાથી ડંડાલગાંવ વચ્ચે એક નિર્માણાધીન ટનલ તૂટી પડતાં ઓછામાં ઓછા 40 મજૂરો ટનલની અંદર ફસાયા છે. તાજા જાણકારી મુજબ મજૂરો સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ઓફિસર દુર્ગેશ રાઠોરીએ મીડિયાને જણાવ્યું હતું કે લગભગ 40 થી 41 કર્મચારીઓ અંદર ફસાયેલા છે. ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે પરંતુ કાટમાળ નીચે આવી રહ્યો છે, જેના કારણે મુશ્કેલી ઉભી થઈ રહી છે.
દુર્ગેશ રાઠોરીએ જણાવ્યું હતું કે ફસાયેલા મજૂરોને એક ટ્યૂબના માધ્યમથી એક મેસેજ મોકલવામાં આવ્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે તેમની સુરક્ષા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે એએફપીને જણાવ્યું હતું કે હજી સુધી અંદરથી સંદેશનો કોઈ જવાબ મળ્યો નથી. તેમણે ઉમેર્યું હતું કે મશીનોએ કાટમાળ સાફ કરવાનું ચાલુ રાખ્યું હોવાથી ઉપરથી વધુ કાટમાળ નીચે આવી રહ્યો છે. આ દુર્ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે 4.5 કિલોમીટર લાંબી ટનલનો 150 મીટર લાંબો ભાગ ધરાશાયી થયો હતો.
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ફાયર વિભાગની ટીમો અને નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆઇડીસીએલ)ના જવાનોને બચાવ કામગીરીમાં લાગી ગયા છે. એસડીઆરએફના મીડિયા પ્રભારી લલિતા નેગીએ કહ્યું કે અમારું બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
અમને સવારે માહિતી મળી હતી કે ઉત્તરકાશીના સિલ્કયારાથી ડંડાલગાંવ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરની ટનલનો એક ભાગ ધરાશાયી થયો છે. અમે અમારી ટીમોને સ્થાનિક ચેકપોઇન્ટથી મોકલી છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર કમાન્ડિંગ ઓફિસર નમન નરુલા અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ જાધવ વૈભવના નેતૃત્વમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન અને આઇટીબીપીની ટીમોને પણ પાછળથી બચાવ કામગીરીમાં મદદ કરવા માટે જોડવામાં આવી હતી.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ સૈનિકોને કહ્યું – મારી ભારતીય સેના જ્યાં છે, તે સ્થળ કોઈ મંદિરથી ઓછું નથી
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને બચાવ કાર્ય ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. જેમણે આ ઘટના અને બચાવ પ્રયત્નો અંગે વિસ્તૃત વિગતો માંગી છે.
ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ આ ટનલનું નિર્માણ
આ પ્રોજેક્ટની આ સૌથી લાંબી (સાડા ચાર કિલોમીટર) ડબલ લેન રોડ ટનલ છે. તેમાંથી લગભગ ચાર કિલોમીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે. ટનલના નિર્માણમાં કામદારો દિવસ-રાત વ્યસ્ત રહે છે. ફેબ્રુઆરી 2024 સુધીમાં તેનું ખોદકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારા અને જંગલચટ્ટી વચ્ચેની આ 4.5 કિમી લાંબી અત્યાધુનિક ટનલના નિર્માણથી ગંગોત્રી અને યમુનોત્રી વચ્ચેનું અંતર 26 કિમી ઘટશે.
આ ટનલ લગભગ 853 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે. હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) ની દેખરેખ હેઠળ, ડબલ લેન ટનલ એ દેશની પ્રથમ અત્યાધુનિક ટનલ છે જે ન્યૂ ઑસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM) નો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે. નવયુગ એન્જિનિયરિંગ કંપનીએ જાન્યુઆરી 2019માં તેનું બાંધકામ શરૂ કર્યું હતું.