Avaneesh Mishra : યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને લઇને બનાવેલી કમિટીનું કામ પુરું થઇ ગયું છે. જે પછી શુક્રવારે કમિટીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. બિલ પર ચર્ચા અને પાસ કરવા માટે ઉત્તરાખંડ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે.
સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે એક નિર્ણાયક પગલામાં સમિતિના અહેવાલમાં આદિવાસીઓને મુક્તિ આપવાની ભલામણ કરવામાં આવી છે, જેઓ યુસીસી સામે અસંમતિ વ્યક્ત કરી રહ્યા છે. તેમને વિશેષ દરજ્જો આપવાને કારણે બિલના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉત્તરાખંડમાં 2.9% આદિવાસી વસ્તી છે અને નોંધપાત્ર જૂથોમાં જૌનસારી, ભોટિયા, થારુ, રાજિસ અને બુક્સા સામેલ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અહેવાલના મુખ્ય પાસાઓમાં હલાલા, ઇદ્દત અને ટ્રિપલ તલાક – જે મુસ્લિમ પર્સનલ લો મુજબ લગ્ન અને છૂટાછેડાને સંચાલિત કરતી પ્રથાઓ છે. જેના પર પ્રતિબંધ છે. બહુવિવાહ ઉપર પણ પ્રતિબંધ માટે ભલામણ કરવામાં આવી છે. આ કમિટીએ લિવ ઇન રિલેશનશિપ માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું સૂચન કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ ડ્રાફ્ટમાં મહિલાઓની લઘુત્તમ કાનૂની લગ્ન વય સાથે સંબંધિત જોગવાઈઓ, સાથે 18 વર્ષની કાનૂની વય જાળવી રાખવા તેમજ તેને વધારીને 21 વર્ષ કરવા અંગેના સૂચનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સરકાર અંતિમ બિલ તૈયાર કરશે ત્યારે આ સૂચનોમાંથી કોઈપણ ઉપર નિર્ણય લેશે. દત્તક લેવાના અધિકારોને બધા માટે સમાન બનાવવા માટે, જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ હેઠળના હાલના કાયદાઓનું એકસમાન રીતે પાલન કરવાની ભલામણો આપવામાં આવી છે.
ગુરુવારે રજૂ કરેલા તેના બજેટમાં કેન્દ્રએ ઝડપી વસ્તી વધારા અને વસ્તી વિષયક ફેરફારોથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની યોજનાની જાહેરાત કરી હતી. આ બાબતે સૂચનો પણ યુસીસી બિલનો એક ભાગ હોવાની અપેક્ષા હતી. જોકે રિપોર્ટમાં વસ્તી નિયંત્રણ અંગે કોઇ ભલામણ કરવામાં આવી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
યુનિફોર્મ સિવિલ કોડ કાયદાનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં : ધામી
800 પાનાનો આ અહેવાલ ચાર ખંડોમાં વહેંચાયેલો છે. પ્રથમ સમિતિનો અહેવાલ છે, બીજો અંગ્રેજીમાં ડ્રાફ્ટ કોડ છે, ત્રીજો સમિતિનો જાહેર પરામર્શ અહેવાલ છે અને ચોથો ગ્રંથ હિન્દીમાં ડ્રાફ્ટ કોડ છે.
મીડિયાને સંબોધન કરતા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા માટે 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે કરેલા વચન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના વચન મુજબ પ્રથમ કેબિનેટ બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ અહેવાલની તપાસ કર્યા બાદ સરકાર ટૂંક સમયમાં જ યુસીસી કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરશે.
આ પણ વાંચો – હિમંતા બિસ્વા સરમાએ કર્યો દાવો, 4 ફેબ્રુઆરી પછી રાહુલ ગાંધીના હમશકલનો ખુલાસો કરીશ
સમિતિની રચના પછી તેને લોકો તરફથી 2.3 લાખથી વધુ સૂચનો પ્રાપ્ત થયા છે. જેમાંથી મોટાભાગના તેના ઓનલાઇન પોર્ટલ દ્વારા પત્રો, રજિસ્ટર્ડ પોસ્ટ્સ, ઇમેઇલ્સ અને લેખિત સૂચનો દ્વારા પ્રાપ્ત થયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં, સમિતિએ રાજ્યભરમાં 38 જાહેર સભાઓ પણ યોજી હતી અને જાહેર સંવાદ દ્વારા સૂચનો મેળવ્યા હતા.
રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે સમિતિએ માના નામના ગામમાંથી જાહેર સંવાદ કાર્યક્રમ દ્વારા બિલ માટે પરામર્શ શરૂ કર્યો હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ વર્ગના લોકો તેમજ દિલ્હીમાં રહેતા ઉત્તરાખંડના રહેવાસીઓ પાસેથી સૂચનો મેળવ્યા હતા. આશરે 10,000 લોકો સાથે વાતચીત કરવા અને પ્રાપ્ત સૂચનોનો અભ્યાસ કરવા માટે કુલ 72 બેઠકો બોલાવવામાં આવી હતી.
યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવો સરળ નહીં હોય: કોંગ્રેસ
યુનિફોર્મ સિવિલ કોડ ડ્રાફ્ટ પર પ્રતિક્રિયા આપતા ઉત્તરાખંડ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ગરિમા મેહરા દાસૌનીએ કહ્યું કે રાજ્ય સરકાર માટે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવો સરળ રહેશે નહીં. તેમણે જણાવ્યું કે જો સરકારે ડ્રાફ્ટ રજૂ કર્યો હોત તો તે જાણી શકાયું હોત કે સરકાર કયા વિષયો પર એકરૂપતા અને સમાનતા ઇચ્છે છે.
યુસીસી એ સમવર્તી સૂચિનો વિષય છે, જેનો અર્થ એ છે કે કેન્દ્ર અને રાજ્ય બંને આ વિષય પર કાયદા બનાવી શકે છે. પરંતુ જ્યારે પણ કેન્દ્ર કાયદો બનાવે છે ત્યારે તે એક છત્ર કાયદો હશે, અને પછી રાજ્યો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ બિનઅસરકારક રહેશે અથવા મર્જ કરવામાં આવશે.
મુસ્લિમ સેવા સંગઠનના પ્રમુખ નઈમ કુરેશીએ જણાવ્યું હતું કે તેમણે હજી સુધી યુનિફોર્મ સિવિલ કોડનો આ ડ્રાફ્ટ જોયો નથી પરંતુ ઉમેર્યું હતું કે જો તે વ્યક્તિગત અને ધાર્મિક અધિકારોને અસર કરશે તો સંગઠન તેની સામે વિરોધ કરશે.
તેમણે કહ્યું કે આ આખી ચર્ચા નાગરિક કાયદાઓની છે અને ફોજદારી કાયદાઓ સમગ્ર દેશમાં સમાન છે, જેનો બધાએ સ્વીકાર કર્યો છે. જો આ નાગરિક કાયદાઓ વિકાસ અને સુધારણા માટે છે તો અમે તેને સ્વીકારીશું. પરંતુ જો કોઈને રાજકારણ માટે ટાર્ગેટ બનાવવામાં આવે તો સરકારની નીતિઓ સામે વિરોધ કરવાનો અમને અધિકાર છે. એકવાર અમે ડ્રાફ્ટનો અભ્યાસ કરી લઈશું અને એવું લાગશે કે અમારા વ્યક્તિગત અને ધાર્મિક અધિકારોને અસર થશે તો અમે વિરોધ કરીશું.