Sikkim flood, ISRO share photos : ઉત્તર સિક્કિમમાં લોનાક સરોવર પર વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં આવેલા પૂરમાં 14 લોકોના મોત થયા છે. પૂરના કારણે 102 લાપતા છે અને 26 ઘાયલ છે. ઘાયલોમાં સેનાના 22 જવાનો પણ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા તમામ લોકોની ઓળખ નાગરિક તરીકે કરવામાં આવી છે, જેમાં ઉત્તર બંગાળમાં વહી ગયેલા ત્રણ લોકોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે સવારે ગુમ થયેલા 23 સેનાના જવાનોમાંથી એકને બાદમાં બચાવી લેવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે સિક્કિમમાં પૂરની સ્થિતિ લગભગ 1.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. સિક્કિમના મુખ્ય સચિવ વી બી પાઠકે જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાંથી 3,000 થી વધુ પ્રવાસીઓ રાજ્યના જુદા જુદા ભાગોમાં ફસાયેલા હોવાના અહેવાલ છે. પાઠકે કહ્યું કે ચુંગથાંગમાં તિસ્તા ફેઝ III ડેમ પર કામ કરતા ઘણા કર્મચારીઓ પણ ફસાયેલા છે. મુખ્ય સચિવે જણાવ્યું હતું કે પૂરના કારણે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું છે કારણ કે 14 પુલ તૂટી પડ્યા છે, જેમાંથી નવ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) હેઠળ છે અને પાંચ રાજ્ય સરકારના છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 166 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં એક સૈન્ય જવાન પણ સામેલ છે. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, બચાવાયેલા સૈનિકની તબિયત સ્થિર છે. અધિકારીઓએ જણાવ્યું કે બચાવકર્મીઓએ સિંગતમના ગોલીતાર ખાતે તિસ્તા નદીના પૂરના વિસ્તારમાંથી અનેક મૃતદેહોને બહાર કાઢ્યા હતા.