Shoot on sight orders in Uttarakhand : ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગેરકાયદેસર મદરેસાઓ હટાવવાને લઈને મોટો હંગામો થયો છે. પોલીસના ઘણા વાહનો સળગાવી દેવામાં આવ્યા છે, પથ્થરો પણ ફેંકવામાં આવ્યા છે. સ્થળ પર તણાવનો માહોલ છે અને સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રશાસન તરફથી ગેરકાયદે મદરેસાને બુલડોઝરથી હટાવવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ જ્યારે અધિકારીઓ કાર્યવાહી કરવા ગયા તો તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ઉત્તરાખંડ : ઉપદ્રવીઓએ અનેક વાહનોને પણ આગ ચાંપી દીધી
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એક રહેવાસીએ કહ્યું કે તેઓ ટીયરગેસ અને ગોળીબારનો અવાજ સાંભળી શકે છે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં પથ્થરમારા બાદ ઉપદ્રવીઓએ અનેક વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના વીડિયો સામે આવી રહ્યા છે જેમાં અફડાતફરીનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે, લાઠીચાર્જ કરવા છતાં ભીડ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ કારણે હવે પ્રશાસને ઉપદ્રવીઓને ગોળી મારવાનો આદેશ જાહેર કર્યો છે.
સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી
સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી
આ પણ વાંચો – ક્યારે મળ્યું હતું પીએમ મોદીની જાતિને ઓબીસી સ્ટેટસ?
પોલીસને કોઇપણ સ્થિતિમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા કહેવામાં આવ્યું છે. વધારાની ફોર્સ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે. હાલ માટે બનભૂલપુરા વિસ્તારમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે, લોકોને ઘરની અંદર જ રહેવાની સૂચના આપવામાં આવી છે.
ઉત્તરાખંડના ડીજીપી અભિનવ કુમારે કહ્યું કે આજે સાંજે લગભગ 4 વાગે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમ કોર્ટના આદેશ અનુસાર હલ્દવાનીના બનભૂલપુરામાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરી રહી હતી. તે કાર્યવાહીના વિરોધમાં કેટલાક બેકાબૂ અરાજક તત્વો દ્વારા પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી.
માહિતી મળી છે કે તે લોકોએ ગેરકાયદેસર પિસ્તોલથી પોલીસ અને પ્રશાસન પર ગોળીબાર પણ કર્યો હતો. પોલીસ સ્ટેશનની આસપાસ તોડફોડ અને આગચંપીની માહિતી છે. માહિતી મળતાની સાથે જ ડીઆઈજી કુમાઉ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નજીકના જિલ્લાઓમાંથી વધારાના જવાનો પોલીસ ફોર્સ પણ ત્યાં મોકલવામાં આવી છે.