પ્રણવ માય ફાધર : દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીનું પુસ્તક ‘પ્રણવ માય ફાધર’ આ દિવસોમાં ચર્ચામાં છે. જેમાં તેમણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમના આ ખુલાસાથી કોંગ્રેસમાં રાજકીય હલચલ મચી ગઈ છે. બુધવારે એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન શર્મિષ્ઠાએ પીએમ મોદી સાથે જોડાયેલા તેમના પિતાના ઘણા પાસાઓ શેર કર્યા હતા.
શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વચ્ચે અલગ સંબંધ હતો. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી તેમના પિતાને ખૂબ માન આપે છે અને જ્યારે પણ તેઓ મળ્યા ત્યારે તેઓ હંમેશા પ્રણવ દાના પગને સ્પર્શતા હતા. તેમણે કહ્યું કે, આ પ્રમાણિકતા અને નિખાલસતાની વિશેષતા છે.
પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી શર્મિષ્ઠાએ કહ્યું કે, જ્યારે તેમના પિતા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ત્યારે તેઓ તેમની ફરજો અને જવાબદારીઓને લઈને ખૂબ જ સ્પષ્ટ હતા. તેમણે વડા પ્રધાનને કહ્યું હતું કે, તેઓ અલગ-અલગ વિચારધારા ધરાવતા હોવા છતાં તેઓ શાસનમાં દખલ નહીં કરે.
‘મોદી અને પ્રણવ મુખરજી વચ્ચેના સંબંધો ઘણા વર્ષો જૂના છે’
શર્મિષ્ઠાએ કહ્યું, ‘મને લાગે છે કે, તેમની અલગ વિચારધારાને ધ્યાનમાં રાખીને તે ખૂબ જ વિચિત્ર હતું. પરંતુ, મને લાગે છે કે, આ સંબંધ વાસ્તવમાં ઘણા વર્ષો પહેલાનો છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલાના.
મુખર્જીએ કહ્યું, ‘તેમણે (પીએમ મોદીએ) મને કહ્યું કે, તેઓ પાર્ટીના એક સામાન્ય કાર્યકર તરીકે વિવિધ કાર્યક્રમો માટે દિલ્હી આવતા હતા અને તેઓ બાબા (પ્રણવ દા) ને તેમની મોર્નિંગ વોકમાં મળતા હતા. તેમણે મને કહ્યું કે, બાબા હંમેશા ખૂબ સારું બોલતા હતા. હું હંમેશા તેમના ચરણ સ્પર્શ કરતો હતો.
શર્મિષ્ઠાએ કહ્યું કે, મને લાગ્યું કે બાબાની ડાયરીઓમાં આ ખૂબ જ રસપ્રદ યાદ છે. મુખર્જી જે કોંગ્રેસના પૂર્વ નેતા પણ છે. તેમણે તેમના સ્વર્ગસ્થ પિતાની ડાયરીઓમાં બીજી એન્ટ્રી વિશે વાત કરી.
પીએમ મોદી હંમેશા પ્રણવ મુખર્જીના પગ સ્પર્શતા હતા
પ્રણવ દાની પુત્રીએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર રાષ્ટ્રપતિને મળવા આવ્યા ત્યારે બાબાએ લખ્યું હતું કે, ‘તેઓ કોંગ્રેસ સરકાર અને તેની નીતિઓના આકરા ટીકાકાર છે. પરંતુ વ્યક્તિગત રીતે તેઓ હંમેશા મારા પગ સ્પર્શ કરતા. તેમણે કહ્યું કે, તે તેમનાથી ખુશ છે, મને સમજાતુ નથી કેમ…’. શર્મિષ્ઠાએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની આ કહાનીની પુષ્ટિ કરી છે.
શર્મિષ્ઠાએ કહ્યું, ‘રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચેનો સંબંધ માત્ર અંગત સન્માન પર બાંધવામાં આવ્યો નથી. રાષ્ટ્રપતિ તરીકે, બાબા માનતા હતા કે, ચૂંટાયેલી સરકારમાં દખલ ન કરવાની જવાબદારી તેમની છે.
આ પણ વાંચો – Cyclone Michaung Updates: ચક્રવાત મિચોંગ અપડેટ્સ: ચેન્નાઇ પાણીમાં ગરકાવ, વીજળી ડૂલ, આજે પણ શાળા-કોલેજો બંધ
‘હું શાસનમાં હસ્તક્ષેપ નહીં કરું’
પ્રણવ મુખર્જીની પુત્રીએ કહ્યું, ‘બાબાએ પહેલી જ મુલાકાતમાં મોદીને સ્પષ્ટ કહ્યું, ‘આપણે બે અલગ-અલગ વિચારધારાના છીએ, પરંતુ જનતાએ તમને જનાદેશ આપ્યો છે. હું ગવર્નન્સમાં દખલ નહીં કરીશ. એ તમારું કામ છે, પરંતુ જો તમને કોઈ બંધારણીય બાબતમાં મદદની જરૂર હોય તો હું ત્યાં હાજર રહીશ.