Sharad Pawar : શરદ પવાર કોલેજકાળથી જ રાજકારણમાં સક્રિય હતા. તેઓ તેમના વિદ્યાર્થી જીવનમાં જ કોલેજના રાજકારણમાં જોડાયા હતા. પવારને 1962ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય ભાગ લેવાની તક મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે પૂણેની શિવાજી સીટથી પૂર્વ ICS અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર એમ.જી. બર્વે તેના ઉમેદવાર બનાવ્યા હતા. બર્વેનો મુકાબલો જનસંઘના ઉમેદવાર રામભાઉ મ્હાલગી સામે હતો.
પાર્ટીએ પવારને પુણે શહેરમાં ફરી-ફરી અને પોસ્ટર ચોંટાડવાનું કામ સોંપ્યું હતું. તે તેમના મિત્રો સાથે સાયકલ પર જતા અને શહેરભરના વિવિધ સ્થળોએ પોસ્ટરો ચોંટાડતા. પવાર તેમની ટીમમાં સૌથી ઊંચા હોવાથી તેમણે મોટાભાગના પોસ્ટરો જાતે ચોંટાડવા પડ્યા હતા.
શરદ પવાર તેમના સંસ્મરણો ‘ઓન માય ટર્મ્સ’માં લખે છે, “મારા સાથીઓ સાઇકલને બંને બાજુથી પકડી રાખતા અને હું સીટ પર ઊભો રહીને પોસ્ટર ચોંટાડતો. અમને મતદાર સ્લિપ લખવાનું અને વિતરણ કરવાનું કામ પણ આપવામાં આવ્યું હતું.
જ્યારે પવારને દરવાજેથી ભગાડી દેવામાં આવ્યા હતા
એક સાંજે, પવાર અને તેના સાથીઓએ પુણેના પ્રભાત રોડ પર બસ્તીમાં એક ઘરનો દરવાજો ખખડાવ્યો. ઘરના દરવાજા પર લાગેલી નેમ પ્લેટ પરથી ખબર પડી કે, આ ઘર બી ગ્રેડિયર રાણેનું છે. પવાર લખે છે, “એક વૃદ્ધ સજ્જને દરવાજો ખોલ્યો, તેમનો ચહેરો વૃદ્ધ લાગતો હતો. મેં કહ્યું, અમે કોંગ્રેસના કાર્યકરો છીએ. અમે અમારા પક્ષ માટે તમારા મત અને સમર્થનની આશા રાખીએ છીએ.”
પવારની વાત સાંભળી બ્રિગેડિયર ગુસ્સામાં બોલ્યા, કોંગ્રેસ? તેને ભૂલી જાઓ, હું કોંગ્રેસને ફરી ક્યારેય મત આપીશ નહીં.’ આ બ્રિગેડિયરનો વળતો જવાબ હતો. થોડા વર્ષો પછી પવારને ખબર પડી કે, તેમના લગ્ન એ જ બ્રિગેડિયર રાણેની પૌત્રી પ્રતિભા સાથે થયા છે.
બીજી બાજુ, બર્વે ચૂંટણી જીત્યા, મહારાષ્ટ્ર સરકારમાં તે નાણામંત્રી બન્યા, જેના માટે પવાર સખત મહેનત કરી રહ્યા હતા
ભાઈ સામે ઝુંબેશ ચલાવી હતી
પવાર પાર્ટીમાં પોતાની મહેનતના આધારે આગળ વધતા રહ્યા. પુણેના યુથ કોંગ્રેસના સચિવ તરીકે બે વર્ષ સુધી કામ કર્યા પછી, તેમની પશ્ચિમ મહારાષ્ટ્ર યુવા પાંખના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી. આ દરમિયાન, બારામતી લોકસભા બેઠક પર મધ્યસત્ર ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હકીકતમાં, વર્ષ 1960માં કોંગ્રેસના દિગ્ગજ નેતા કેશવરાવ જેધે બન્યા હતા અને ત્યારથી આ સીટ ખાલી હતી.
આ બેઠક પરથી શરદ પવારના મોટા ભાઈ વસંતરાવને ડાબેરી પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (PWP) દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે કેશવરાવના પુત્ર ગુલાબરાવ જેધને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. વાય.બી. ચવ્હાણના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે આ બેઠકને પ્રતિષ્ઠાનો વિષય બનાવી હતી કારણ કે, એસએમ જોશી, આચાર્ય અત્રે અને ઉધવરાવ પાટીલ જેવા મજબૂત નેતાઓએ વસંતરાવને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો – I.N.D.I.A ગઠબંધન નારાજ, મહાવિકાસ અઘાડીને આપત્તિ, છતા પીએમ મોદીને એવોર્ડ આપવાના સમારંભમાં ભાગ લેશે શરદ પવાર
પવાર લખે છે, “મારો ભાઈ વિપક્ષનો ઉમેદવાર હતો, તેથી બધા વિચારતા હતા કે હું શું કરીશ! તે એક જટિલ પરિસ્થિતિ હતી, જે રાજકીય પરિપક્વતાની માંગ કરતી હતી અને મારા ભાઈ વસંતરાવે આ રાજકીય પરિપક્વતા દર્શાવી હતી. તેમણે આ સમસ્યાને ખૂબ નમ્રતા અને સરળતા સાથે ઉકેલી. તેમણે મારી સાથે સીધી વાત કરી અને ખૂબ જ સંતુલિત અને મર્યાદિત શબ્દોમાં કહ્યું, ‘તમે કોંગ્રેસની વિચારધારા માટે પ્રતિબદ્ધ અને સમર્પિત છો. તેથી ચૂંટણી પ્રચારમાં મારી વિરુદ્ધ પ્રચાર કરતાં અચકાશો નહીં.’ મેં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મારી બધી શક્તિથી કામ કર્યું અને તે જીતી ગયા, જ્યારે મારો ભાઈ હારી ગયો.