Rajasthan Red Diary : મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાની હેઠળની રાજસ્થાન કેબિનેટમાંથી હકાલપટ્ટી કરાયેલા રાજસ્થાનના મંત્રી રાજેન્દ્રસિંહ ગુઢાને સોમવારે કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. વિધાનસભામાં પોતાની જ કોંગ્રેસ સરકારને ઘેર્યા બાદ શુક્રવારે ગુઢાને રાજ્યમંત્રી પદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ અગાઉ ગુઢાએ રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલ સાથે હંગામો મચાવવા બદલ ઝપાઝપી કરી હતી. જે બાદ માર્શલોએ ગુઢાને રાજસ્થાન વિધાનસભામાંથી હાંકી કાઢ્યા હતા.
રાજેન્દ્રસિંહ ગુઢાએ લાલ ડાયરી સાથે ગૃહમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમાં સનસનાટીભર્યા ડેટા છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ સી.પી.જોશી સામે ડાયરી લહેરાવી હતી. તેઓ અહીં અટક્યા ન હતા અને સંસદીય બાબતોના પ્રધાન ધારીવાલનું માઇક પણ નીચે કરી દીધું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ધારીવાલ ગુઢાને ગૃહમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ રાખી રહ્યા હતા. તણાવ વધતો જોઇને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને દરમિયાનગીરી કરી તો તેમની અને ગુઢા વચ્ચે ઝપાઝપી થઈ હતી. વિવાદ વધતાં સ્પીકરે ગૃહને સ્થગિત કરી દીધું હતું. ત્યારબાદ સ્પીકરે ગુઢાને ગૃહમાંથી હાંકી કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. માર્શલોને બોલાવવામાં આવ્યા હતા અને તેમને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ વિધાનસભાની બહાર મીડિયા સાથે વાત કરતા ગુઢાએ કહ્યું કે લાલ ડાયરી ગેહલોતને જેલમાં લઈ જશે. જેનાથી મુખ્યમંત્રીનો પર્દાફાશ થશે. તેમણે કહ્યું કે મને લાલ ડાયરી રજૂ કરતા અટકાવવામાં આવ્યો હતો. મને માર મારવામાં આવ્યો હતો અને ડાયરી રજૂ કરતા અટકાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓએ મારી સાથે મારપીટ કરી હતી. મને માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ હું માફી નહીં માંગું.
રાજેન્દ્ર ગુઢાએ કહ્યું- લાલ ડાયરીમાં શું છે?
રાજેન્દ્ર ગુઢાએ કહ્યું કે હું હમણાં જ રાજ્યમાં મહિલા અત્યાચારો પર સત્ય બોલ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની લાલ ડાયરીમાં શું છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેમાં તે તમામ ખાતાઓનો હિસાબ છે. જ્યાં મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા કાળા નાણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. હું ગૃહમાં લાલ ડાયરી રાખવા માંગતો હતો પરંતુ 15 થી 30 લોકોએ મારા પર હુમલો કર્યો. કોંગ્રેસના નેતાઓ દ્વારા મને મુક્કો મારવામાં આવ્યો, લાતો મારવામાં આવી અને ખેંચીને વિધાનસભામાંથી બહાર કાઢવામાં આવ્યો.
આ પણ વાંચો – જ્ઞાનવાપીના ASI સર્વે પર સુપ્રીમ કોર્ટે 26 જુલાઈ સુધી પ્રતિબંધ મૂક્યો, મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવાનો આદેશ
તેમણે કહ્યું કે રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષે મને બોલવાની મંજૂરી પણ આપી ન હતી. મારી સામે આક્ષેપો થયા હતા કે હું ભાજપ સાથે છું. હું જાણવા માંગુ છું કે મારો દોષ શું છે? આ લાલ ડાયરીમાં બધું જ છે, પૈસા કોને અને ક્યારે આપવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે આવકવેરાની ટીમે ધર્મેન્દ્ર રાઠોડના પરિસરમાં દરોડા પાડ્યા હતા, ત્યારે ગેહલોતે તેમને ડાયરી લાવવાનું કહ્યું હતું અને દાવો કર્યો હતો કે તેઓ લોકો પાસે જશે અને લાલ ડાયરીના રહસ્યો ખોલશે.
શેખાવતે પૂછ્યું – લાલ ડાયરીને લઈને અશોક ગેહલોત બેચેન કેમ?
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે હું (રાજસ્થાનના મુખ્યમંત્રી) અશોક ગેહલોતને પૂછવા માંગુ છું કે આ ‘લાલ ડાયરી’ શું છે? આ અંગે સરકારમાં બેચેની કેમ છે?
વિધાનસભામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને મહિલાઓની સલામતી અંગે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યાના કલાકો બાદ શુક્રવારે સાંજે ગુઢાને બરતરફ કરવામાં આવ્યા હતા. ગુઢાએ રાજસ્થાન સરકારમાં સૈનિક કલ્યાણ (સ્વતંત્ર હવાલો), હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા, પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા હતા.
રાજેન્દ્ર ગુઢાએ ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યો છે
રાજેન્દ્ર ગુઢાનો જન્મ 19 જુલાઈ 1968ના રોજ રાજસ્થાનના પીલીબંગા, હનુમાનગઢમાં થયો છે. તેમના પિતાનું નામ માધો સિંહ છે. તેમના પરિવારમાં 12 ભાઈઓ છે. તેમણે 12માં ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું છે. રાજેન્દ્ર ગુઢાના ભાઈ રણવીર સિંહ અગાઉ રાજસ્થાન યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના પ્રમુખ રહ્યા હતા. બાદમાં તેઓ 2003માં લોક જનશક્તિ પાર્ટીના ધારાસભ્ય બન્યા હતા.
2008માં તેમણે બસપાની ટિકિટ પર પહેલી ચૂંટણી લડી હતી
રાજેન્દ્ર ગુઢાએ પહેલીવાર 2008માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. 2008માં ગુઢાએ બસપાની ટિકિટ પર કોંગ્રેસના વિજેન્દર સિંહ અને ભાજપના મદનલાલ સૈની સામે ચૂંટણી લડી હતી. જેમાં તેમનો 8000 વોટથી જીત મેળવી હતી. 2008માં બસપામાંથી ચૂંટણી જીત્યા બાદ ગુઢા બહુજન સમાજ પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. 2013માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ રાજેન્દ્ર ગુઢાને તેમની સીટ ઉદયપુરવતીથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ ગુઢા ચૂંટણી હારી ગયા હતા. આ કારણે કોંગ્રેસ પાર્ટીએ 2018માં તેમની ટિકિટ કાપી હતી.
2008ની જેમ બસપાએ ગુઢાને ફરી એકવાર પાર્ટીમાં સામેલ થવાની તક આપી અને રાજેન્દ્ર ગુઢા બસપામાં સામેલ થઇ ગયા હતા. બસપાએ ફરી એકવાર ગુઢાને ટિકિટ આપીને ઉદેપુરવતી સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા. આ વખતે તેમનો મુકાબલો ભાજપના શુભકરણ ચૌધરી અને કોંગ્રેસના ભગવાન રામ સૈની સામે થયો હતો. આ ચૂંટણીમાં રાજેન્દ્ર ગુઢાનો વિજય થયો હતો. ચૂંટણી જીત્યા બાદ ગુઢાએ બસપા સાથે ફરી દગો કર્યો અને ફરી એકવાર કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. ગેહલોત સરકારે તેમને રાજ્યમંત્રી બનાવ્યા હતા. જોકે હવે રાજેન્દ્ર સિંહ ગુઢાને શુક્રવારે સરકાર વિરુદ્ધ ટિપ્પણીને કારણે મંત્રી પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે.