Sachin Pilot Sara Abdullah Divorced : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના નેતા સચિન પાયલટે મંગળવારે ટોંક વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ પોતાની પત્ની સારા પાયલટથી અલગ થઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે. સચિન પાયલટ અને સારા અબ્દુલ્લા વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. કોંગ્રેસના નેતા સચિન પાયલટના ચૂંટણી સોગંદનામામાંથી આ વાત સામે આવી છે.
ટોંક વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યા બાદ આપેલા સોગંદનામામાં સચિન પાયલટે પત્નીના નામની આગળ છૂટાછેડા લખ્યુ છે. સચિન પાયલટે જાન્યુઆરી 2004માં સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા હતા. સારા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની પુત્રી અને ઓમર અબ્દુલ્લાની બહેન છે. જોકે સચિન પાયલટના સ્ટાફે છૂટાછેડાના સમાચાર અંગે અજાણતા વ્યક્ત કરી છે. પાયલોટના સ્ટાફનું કહેવું છે કે તેમની જાણકારી મુજબ આવું કંઈ નથી.
સચિન અને સારાના બે બાળકો
બંને તરફથી છૂટાછેડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બંને વચ્ચે છૂટાછેડા ક્યારે થયા તે હજુ સુધી જાણી શકાયું નથી. મંગળવારે ટોંક વિધાનસભા બેઠક પરથી નોમિનેશન દરમિયાન પાયલોટ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં છૂટાછેડાનો મામલો પહેલીવાર સાર્વજનિક થયો છે. 2018ની ચૂંટણીની એફિડેવિટમાં પાયલટે તેની પત્ની અને બે બાળકોનો ઉલ્લેખ કર્યો હતો. સચિન અને સારાને બે આરન અને વિહાન નામના બે બાળકો છે.
આ પણ વાંચો – રાજસ્થાનમાં ભાજપના આ 5 મોટા ચહેરા, કેટલાકને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી
સચિન અને સારાએ 2004માં લગ્ન કર્યા હતા
સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાએ 15 જાન્યુઆરી 2004ના રોજ લગ્ન કર્યા હતા. સારા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાની પુત્રી છે. રિપોર્ટ્સ અનુસાર, ફારુક અને પાયલટ બંનેનો પરિવાર આ સંબંધ માટે તૈયાર ન હતો. જ્યારે પાયલટ પરિવાર સચિન-સારાના લગ્નમાં હાજર રહ્યો હતો. બીજી તરફ ફારુક અબ્દુલ્લા અને તેમના પરિવારમાંથી કોઈએ લગ્નમાં હાજરી આપી ન હતી. આ બંનેના લગ્ન તત્કાલીન દૌસાના સાંસદ અને સચિનની માતા રમા પાયલટના દિલ્હી નિવાસસ્થાને થયા હતા.
સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાની લવ સ્ટોરી
સચિન પાયલટે પેન્સિલવેનિયાની વોર્ટન સ્કૂલમાંથી MBA કર્યું છે. ત્યાં તેની મુલાકાત સારા અબ્દુલ્લા સાથે થઈ હતી. અમેરિકામાં સચિન અને સારાની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને વાત લગ્ન સુધી પહોંચી હતી. સચિન-સારાએ ઘરે તેમના લગ્નની વાત કરી હતી પરંતુ લગ્ન વચ્ચે ધર્મ આવી ગયો. સારાનો પરિવાર સચિન સાથે તેના લગ્ન માટે તૈયાર ન હતો. સાથે જ સચિનનો પરિવાર પણ ઇચ્છતો ન હતો કે સચિન સારા સાથે લગ્ન કરે. પરંતુ બંનેએ કોઈની પરવા કર્યા વગર લગ્ન કરી લીધા હતા.