મનોજ ઝા ઠાકુર વિવાદ : બિહારના રાજકારણમાં આ સમયે આરજેડી સાંસદ મનોજ ઝાનું નિવેદન વિવાદનો વિષય બનેલું છે. તેમના તરફથી ગૃહમાં ઠાકુરોને લઇને એક કવિતા બોલવામાં આવી હતી, જેના પર હંગામો જોવા મળી રહ્યો છે. હવે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે મનોજ ઝાનું સમર્થન કર્યું છે. તેમના તરફથી કહેવામાં આવ્યું કે મનોજ એક વિદ્વાન વ્યક્તિ છે, તેમના તરફથી જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે સાચું જ હશે.
શું છે મનોજ ઝાનું નિવેદન?
જાણકારી માટે જણાવી દઈએ કે જ્યારે સદનમાં મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યુ તો મનોજ ઝાને પણ પોતાના વિચાર વ્યક્ત કરવાની તક મળી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે મહિલા અનામત ઉપર તો વાત કરી હતી, આ સિવાય ઠાકુરો ઉપર પણ એક કવિતા સંભળાવી હતી. એ કવિતાનું નામ હતું ‘ઠાકુરો કા કુવાં’. આ કવિતાને ઠાકુરો પર કટાક્ષ તરીકે જોવામાં આવી હતી. ભાજપ સહિત અન્ય ઘણા પક્ષોએ તેના પર તીખી પ્રતિક્રિયા આપી હતી. મોટી વાત એ છે કે મનોજ ઝા સામે આરજેડીના કેટલાક નેતાઓએ પણ મોરચો ખોલ્યો હતો.
આ પણ વાંચો – વસુંધરા રાજેને સાઇડલાઇન કરી રહી છે પાર્ટી? ભાજપ સામે શું છે પડકાર
આરજેડીમાં જ મનોજ ઝા નો થયો વિરોધ
આ યાદીમાં સૌથી પહેલું નામ આરજેડીના ધારાસભ્ય ચેતન આનંદનું આવ્યું હતું. જેમણે મનોજ ઝા પર ઠાકુર સમુદાયને વિલન તરીકે રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ તેમના પિતા આનંદ મોહને તો ત્યાં સુધી કહ્યું કે જો તેઓ સંસદમાં હોત તો જીભ ખેંચીને સભાપતિ પાસેની ખુરશી તરફ ફેંકી દીધી હોત. હવે આ વિરોધની વચ્ચે મનોજ ઝાને લાલુ પ્રસાદ યાદવનું સમર્થન મળ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ઝા ને ક્લિનચીટ આપવાનું કામ કર્યું છે.
બિહારનું રાજકારણ
બિહારમાં ઠાકુર વર્સિસ બ્રાહ્મણની રાજનીતિ ઘણી જૂની છે અને તેને લઇને તમામ પાર્ટીઓ પોત-પોતાની રાજનીતિને ચમકાવવાનું કામ કર્યું છે. આ દરમિયાન જ્યારે મનોજ ઝા એ ઠાકુરો પર કવિતા સંભળાવી, તેના પર રાજનીતિની એક અલગ જ આશા ઘણા દળોને દેખાઇ છે.