Sukhdev Singh Gogamedi Murder : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. હુમલામાં બે લોકો ગંભીર રુપે ઇજાગ્રસ્ત છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જે સમયે સુખદેવ સિંહને ગોળી મારવામાં આવી તે સમયે તે પોતાના જયપુરના શ્યામનગર સિંહ આવાસ પર હાજર હતા. હુમલાખોરો સ્કુટર પર આવ્યા હતા. તેમને નજીકની મેટ્રો હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનનું પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુખદેવ સિંહ ગોગામેડીને ચાર ગોળીઓ વાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગોગામેડી લાંબા સમયથી સુરક્ષાની માંગ કરી રહ્યા હતા.
પોલીસે સીસીટીવીના આધઆરે ગોળીઓ ચલાવનારની ઓળખ કરી લીધાની વાત કરી છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ આ હત્યાની જવાબદારી લીધી છે. સુખદેવ સિંહની હત્યા પછી જયપુરમાં ભીડ પ્રદર્શન કરી રહી છે.
સુખદેવ સિંહની હત્યાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે હત્યારા પહેલા આરામથી સોફામાં બેસીને સુખદેવ સિંહ સાથે વાત કરી રહ્યા છે. આ પછી અચાનક ગોળીઓ ચલાવી હતી.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે નવી દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સુખદેવ સિંહ પોલીસને જાણ કરી હતી છતા તેમને જરૂરી સુરક્ષા આપવામાં આવી ન હતી. અમે સરકાર બનાવ્યા પછી એ સુનિશ્ચિત કરીશું કે આ બધા ગેંગસ્ટર્સ પર વિરામ લાગે. તેમને સખત સજા મળે, જેલમાં પુરવામાં આવે.
કરણી સેના સાથે વિવાદ બાદ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાવી હતી
સુખદેવ સિંહ ગોગામેડી અગાઉ કરણી સેનામાં હતા. સંગઠન સાથે વિવાદ થયા બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નામનું નવું સંગઠન બનાવ્યું હતું. તેઓ તેના પ્રમુખ હતા. બોલિવૂડ ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ સાથે જોડાયેલા કેસમાં વિરોધ પ્રદર્શન દરમિયાન તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું. તેમના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.