Rajasthan Politics: રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીના બે ટોચના નેતાઓ વચ્ચેનો ઝઘડો હવે ગંભીર બની રહ્યો છે. હાલમાં જ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીના નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચે સમાધાનનો પ્રયાસ થયો હતો. પરંતુ એવું લાગે છે કે તે પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે. ચર્ચા છે કે સચિન પાયલટ 11 જૂને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી શકે છે.
કોંગ્રેસ નેતા સચિન પાયલટના નજીકના સૂત્રોએ મંગળવારે કહ્યું કે તેઓ પોતાની માંગણીઓ પર અડગ છે. જેમાં અગાઉની વસુંધરા રાજે સરકાર દરમિયાન કથિત ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીનો પણ સમાવેશ થતો હતો. તે પાર્ટી હાઈકમાન્ડ તરફથી ચોક્કસ પ્રતિસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેના પર કશું થયું નહીં. સૂત્રોનું કહેવું છે કે તેઓ પાર્ટીના નેતૃત્વના જવાબની રાહ જોઈ રહ્યા છે. બોલ હવે તેમના ખોળામાં છે.
એવી અટકળો ચાલી રહી છે કે પાયલટ 11 જૂને દૌસામાં તેમના પિતાની પુણ્યતિથિ પર તેમના ભવિષ્ય વિશે સ્પષ્ટ સંકેત આપી શકે છે. રાજેશ પાયલોટની પુણ્યતિથિ પર યોજાનારા વાર્ષિક કાર્યક્રમ માટે દૌસામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. તેની દેખરેખ પાયલટના નજીકના ગણાતા કૃષિ માર્કેટિંગ રાજ્યમંત્રી મુરારીલાલ મીના કરી રહ્યા છે.
આ પણ વાંચો – રેસલર્સના મુદ્દોને હલ કરવાની દિશામાં સરકાર લાગી! પાર્ટીએ માન્યું – થયું નુકસાન
આ દરમિયાન રાજસ્થાન કોંગ્રેસ પાર્ટીના ઇન્ચાર્જ સુખવિંદર સિંહ રંધાવાએ આ મુદ્દા પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું તો આ વાતને તમારી પાસેથી સાંભળી રહ્યો છું. મને લાગે છે કે આવું કશું જ નથી. તે પહેલા પણ આવું ઇચ્છતા ન હતા અને આજે પણ આવું ઇચ્છતા નથી.
રાજસ્થાનમાં 2018માં કોંગ્રેસની સરકાર બની ત્યારથી જ ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. પાર્ટી રાજ્યમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા બન્ને વચ્ચે સુલેહ કરાવવાનો પ્રયત્ન કરી રહી છે.