Rajendra Gudha Red Diary : રાજસ્થાનના રાજકારણમાં હાલના દિવસોમાં લાલ ડાયરીનો ખૂબ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અને બરતરફ કરાયેલા મંત્રી રાજેન્દ્ર ગુઢાએ પોતાની જ સરકાર સામે વિધાનસભામાં લાલ ડાયરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય ગુઢાનો દાવો છે કે આ ડાયરીમાં ગેહલોત સરકાર દરમિયાન ભ્રષ્ટાચારની કાચી ચિટ્ઠી છે. જ્યારથી લાલ ડાયરી બહાર આવી છે ત્યારથી રાજેન્દ્ર ગુઢાએ કરેલા દાવામાં કેટલી સચ્ચાઈ છે તે સવાલ સતત થઇ રહ્યો હતો. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. બુધવારે રાજેન્દ્ર ગુઢાએ મીડિયા સામે લાલ ડાયરીના કેટલાક પેજ રજૂ કર્યા છે.
રાજેન્દ્ર ગુઢાએ લાલ ડાયરીના કેટલાક પાના રજુ કર્યા
આ લાલ ડાયરીમાં શું લખ્યું છે તેનો ખુલાસો ખુદ રાજેન્દ્ર ગુઢાએ કર્યો છે. તેમણે મીડિયા સામે લાલ ડાયરી વાંચી સંભળાવી હતી. રાજેન્દ્ર ગુઢાએ આ ડાયરીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી સૌભાગ્ય સિંહ અને પર્યટન વિકાસ નિગમના અધ્યક્ષ ધર્મેન્દ્ર રાઠોડ વચ્ચે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ)ની ચૂંટણીમાં લેવડ દેવડ અંગે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે.
ડાયરીમાં શું લખ્યું છે?
રાજેન્દ્ર ગુઢાએ જે પેજ મીડિયા સામે રાખ્યા છે. તે પાનાઓમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી સૌભાગ્યસિંહ સાથે જોડાયેલા કેટલાક દાવા કરવામાં આવ્યા છે. જેના આધારે ધારાસભ્યો ગુઢા ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. એક પાના પર લખ્યું છે કે ભવાની શંકર સમોતા અને રાજીવ આવ્યા. આરસીએ ચૂંટણીનો હિસાબ કર્યો. ભવાની સમોતાએ મોટા ભાગના લોકોને જે વાયદા કર્યા હતા તે પુરા કર્યા હતા. તે પુરા કર્યા નથી એટલે મેં કહ્યું કે આ યોગ્ય નથી. તમે તેને પૂર્ણ કરો. ત્યારે ભવાની સમોતાએ કહ્યું- હું સીપી સાહેબની જાણકારીમાં મુકું છું. વૈભવજી (અશોક ગેહલોતના પુત્ર) મારી બન્ને સાથે આરસીએની ચૂંટણીના ખર્ચાને લઇને ચર્ચા થઇ કે ભવાની સમોતા કઇ રીતે નક્કી કરે લોકોને…ડાયરીમાં લખેલી ભાષા સ્પષ્ટ દેખાતી નથી પરંતુ સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે તેમાં અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અને આરસીએ સાથે જોડાયેલી માહિતી છે.
આ પણ વાંચો – રાજેન્દ્ર ગુઢાની લાલ ડાયરીમાં એવું શું હતું? ઉલ્લેખ કરતા જ કોંગ્રેસે પાર્ટીમાંથી બહાર કર્યા
રાજેન્દ્ર ગુઢાને કેમ કર્યા હતા સસ્પેન્ડ
કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્ર ગુઢાએ રાજસ્થાન વિધાનસભામાં મણિપુરના મુદ્દા પર બોલતા કહ્યું હતું કે આપણી રાજ્ય સરકારે પોતાના પ્રદેશ પર ધ્યાન આપવું જોઈએ, મણિપુરની વાત કરવી ના જોઈએ. રાજેન્દ્ર ગુઢાને વિધાનસભામાં લાલ ડાયરી લહેરાવવાના મામલામાં વિધાનસભામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.