રાજસ્થાનમાં કોંગ્રેસ ફરી એકવાર તલવારની ધાર પર આવી ઉભી છે. રાજસ્થાનમાં સરકાર ભલે કોંગ્રેસની છે. પરંતુ સરકારને બહાર કરતાં અંદરનો ડખો વધુ નડ્યો છે. કોંગ્રેસની ગેહલોત સરકાર સાથે જાણે કે વિવાદ આંગળિયાત તરીકે શપથવિધિ સાથે જ રહ્યો છે. હાલમાં સચિન પાયલોટ એમની જ અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર સામે મોરચે બેઠા છે. કહેવાય છે કે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના વખતમાં થયેલા કથિત ખનન ભ્રષ્ટાચારના મુદ્દે ગેહલોત સરકારે કાર્યવાહી કરી નથી એટલે સચિન પાયલોટ સામે પડ્યા છે. પરંતુ રાજસ્થાન કોંગ્રેસનો ભૂતકાળ ગવાહ છે કે વસુંધરા રાજે તો માત્ર બહાનું છે. હકીકતમાં તો સચિન પાયલોટનો સીધો જંગ મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે જ છે. પાયલોટ ગેહલોતના વિવાદની ખાઇ એટલી ઉંડી થઇ છે કે એના માઠા પરિણામ આગામી વિધાનસભા ચૂંટણીને અસર કરશે. કોંગ્રેસ માટે કદાચ વધુ એક મરણતોલ ફટકા સમાન હોઇ શકે છે.
ટાંકના ધારાસભ્ય અને કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલોટે પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો છે. કહેવાય તો છે કે સચિન પાયલોટનો આ મોરચો ગેહલોત સરકાર સામે નહીં પરંતુ ભાજપની વસુંધરા રાજેની પૂર્વ સરકારના ભ્રષ્ટાચાર સામે છે. પરંતુ અહીં હકીકત કંઇ અલગ હોવાનો દાવો થઇ રહ્યો છે. સચિન પાયલોટે ભલે વસુંધરા રાજેના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હોય પરંતુ સીધુ નિશાન કોંગ્રેસની જ અશોક ગેહલોત સરકાર સામે હોવાનું વધુ દેખાય છે.
રાજસ્થાનનું રાજકારણ આમ પણ ઘણી રીતે અલગ છે. અહીં નેતાઓ કરતાં પ્રજાની સેન્સ પણ જોરદાર છે. અહીં કોઇ સરકારને લાંબો સમય પ્રજાએ જનાદેશ આપ્યો નથી એવામાં હાલની કોંગ્રેસ સરકાર સામે પાયલોટનો મોરચો બળતામાં ઘી હોમવા જેવો છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી આડે હવે માંડ આઠેક મહિનાનો સમય બાકી છે. આ સંજોગોમાં ગેહલોત સરકાર ફરી એક વાર ભીંસમાં મુકાઇ છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ નિવાસ સ્થાને મીડિયા સાથે વાતચીતમાં આરોપ લગાવ્યો કે ગેહલોત સરકારે જનતાને વાયદો કર્યો હોવા છતાં પૂર્વ વસુંધરા સરકારના કથિત ભ્રષ્ટાચાર કેસમાં તપાસ નથી કરી રહી. ગત માર્ચ અને નવેમ્બર માસમાં મેં જાતે ગેહલોતને પત્ર લખી આ ભ્રષ્ટાચાર મામલે તપાસ કરવાની માંગ કરી હતી. આમ છતાં ગેહલોત સરકારે આનો કોઇ જવાબ આપ્યો નથી કે કોઇ કાર્યવાહી કરી નથી. આ મામલે તપાસ થાય એ માટે હું આ કરી રહ્યો છું.
સચિન પાયલોટે પોતાનો વિરોધ નોંધાવવા માટે મહાત્મા જ્યોતિબા ફુલેની જ્યંતિનો દિવસ પસંદ કર્યો છે. પાયલોટે કોઇનું નામ નથી લીધું પરંતુ આ વખતે ઇશારો કરી મોટી વાત કરી છે. સચિન પાયલોટે આ વખતે કોંગ્રેસના મોભી ગાંધી પરિવાર સામે પણ નિશાન તાક્યું છે. જે ઘણું બધુ બતાવી જાય છે. વિધાનસભાની ચૂંટણી ભલે શિયાળામાં યોજાશે પરંતુ કોંગ્રેસ માટે આકરા તાપથી ઓછી નહીં હોય.
સચિન પાયલોટની ફરિયાદ છે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસે જનતાને વચન આપ્યા હતા કે અગાઉની વસુંધરા સરકારમાં થયેલા ખનન ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સરકારમાં આવ્યા બાદ પણ કોંગ્રેસે આ મામલે કોઇ કાર્યવાહી કરી નથી. મુખ્યમંત્રી અશોક ગેહલોતને રજૂઆત કરવા છતાં પણ કોઇ પ્રત્યુત્તર નથી મળ્યો કે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો છે.
સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચેનો ટકરાવ કંઇ આજ કાલનો નથી. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે એવી સ્થિતિ છે. બંને બળીયા નેતાઓની મહત્વાકાંક્ષાઓ અને અંહમનો ટકરાવ છે. આવો જાણીએ કે કેમ શરૂ થયો ટકરાવ...
સચિન પાયલોટ કેન્દ્રમાં ગયાને ટકરાવ શરૂ
સચિન પાયલોટ 26 વર્ષની ઉંમરે વર્ષ 2004 માં દોસા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીતી મળી અને ધીરે ધીરે પાયલોટ પિતાના રસ્તે કોંગ્રેસમાં આગળ વધતા ગયા. વર્ષ 2009 માં અજમેર બેઠક પરથી સચિન પાયલોટ લોકસભાની ચૂંટણી લડ્યા અને જીતી ગયા. મનમોહન સરકારમાં એમને મંત્રી બનાવાયા. કેન્દ્રમાં મંત્રી બનતાંની સાથે સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે ધીરે ધીરે ટકરાવ શરૂ થયો.
ગેહલોતની હાર, પાયલોટને મોકળું મેદાન
સચિન પાયલોટ કેન્દ્રમાં મંત્રી બનતાં કદ વધ્યું. બીજી તરફ વર્ષ 2013 માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ગેહલોતની કારમી હાર થઇ. ભાજપને 163 બેઠકો મળી જ્યારે કોંગ્રેસને 21 બેઠકો જ મળી. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનથી 2014 લોકસભા ચૂંટણી પહેલા સચિન પાયલોટને રાજસ્થાન પીસીસી અધ્યક્ષ બનાવી દેવાયા. હાઇકમાન્ડના આ નિર્ણયથી ગેહલોત છાવણીમાં આક્રોશનો સૂર ઉઠ્યો. જે બંને નેતાઓ વચ્ચેની ખાઇને વધુ ઉંડી બનાવતો ગયો.
વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસનો સફાયો થયો, એક પણ બેઠક કોંગ્રેસને ન મળી, સચિન પાયલોટનો પણ પરાજય થયો. જેને પગલે પાયલોટ ગેહલોત છાવણીમાં તણાવ વધુ વધ્યો.
રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક ડખો બહાર આવતાં હાઇ કમાન્ડે વર્ષ 2017 માં ગેહલોતને દિલ્હી બોલાવ્યા અને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રભારી બનાવી કેટલેક અંશે મનાવવા પ્રયાસ કર્યો. તો બીજી તરફ રાજ્યમાંથી ગેહલોત બહાર જતાં પાયલોટ છાવણી વધુ સક્રિય બની.
ગેહલોતની આગેવાનીમાં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર ન બનાવી શકી પરંતુ સચિન પાયલોટની આગેવાનીમાં વર્ષ 2018 માં યોજાયેલી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ભારે જનાદેશથી જીતી લીધી. કોંગ્રેસની જીત સાથે મુખ્યમંત્રી પદને લઇને બંને છાવણી ફરી એકવાર સક્રિય બની.
સચિન પાયલોટ મુખ્યમંત્રી બનવા ઇચ્છતા હતા પરંતુ હાઇકમાન્ડે અશોહ ગેહલોતને મુખ્યમંત્રી પદે બેસાડી દીધા. અહીંથી શરૂ થયેલી બંનેની રાજકીય અદાવત આજે પણ ચાલી રહી છે.
21 વર્ષ પહેલા કોંગ્રેસમાં એન્ટ્રી
સચિન પાયલોટની કોંગ્રેસમાં એન્ટ્રી બે દાયકા પહેલા થઇ હતી. પિતા રાજેશ પાયલોટના જન્મ દિવસ 10 ફેબ્રુઆરીએ વર્ષ 2002માં જયપુર ખાતે કિસાન રેલીમાં સચિન પાયલોટ કોંગ્રેસમાં જોડાયા હતા. એ સમયે અશોક ગેહલોત પણ ઉપસ્થિત હતા.
કોંગ્રેસ સરકારને સાડા ચાર વર્ષ થઇ ગયા છે. પરંતુ ખનન ભ્રષ્ટાચાર મામલે કોઇ કાર્યવાહી કરાઇ નથી. હવે વિધાનસભા ચૂંટણીને માંડ છ મહિના જ બાકી છે ત્યારે શું મોં લઇને પ્રજા વચ્ચે જઇશું? રજૂઆત બાદ પણ ગેહલોત સરકાર આ મામલે તપાસ નથી કરતી અને એટલે કોંગ્રેસના વિરોધીઓને આ કહેવાનો મોકો મળી જાય છે કે શું ગેહલોત અને વસુંધરાની કોઇ મીલી ભગતનો નથી ને?
— સચિન પાયલોટ
તપાસનો તખ્તો ઘડાયો પણ…
વસુંધરા રાજેના પ્રથમ કાર્યકાળમાં એમની સરકાર સામે 22 હજાર કરોડના ખનન ભ્રષ્ટાચારનો મામલો ઉઠ્યો. એ બાદ વર્ષ 2008 માં કોંગ્રેસ સરકાર સત્તામાં આવી અને તપાસ માટે માથુર આયોગની રચના કરી પરંતુ આ આયોગની રચનામાં નીતિ નિયમોનું પાલન નહીં કરાયું હોવાને લઇને કોર્ટે એને ભંગ કર્યું. ત્યારે એ સવાલ પણ ઉઠ્યા હતા કે કોના કહેવાથી અને કોના ઇશારે આયોગની રચનામાં નિયમોનું ઉલ્લંઘન કરાયું.
સચિન પાયલોટના ઉપવાસ એ પાર્ટી વિરૂધ્ધ છે અને તે એક પાર્ટી વિરોધી ગતિવિધિ સમાન છે. જો કોઇ ઇસ્યુ હોય તો એને પાર્ટી ફોરમમાં ચર્ચા કરી ઉકેલી શકાય છે ન કે એને મીડિયા અને જાહેર કરવાની જરૂર છે. હું છેલ્લા પાંચ મહિનાથી અહીંનો પ્રભારી છું પરંતુ મારી સાથે પાયલોટે આ મુદ્દે કોઇ ચર્ચા કરી નથી.
સુખજીન્દર સિંહ રંધાવા, કોંગ્રેસ ઇન્ચાર્જ રાજસ્થાન
સચિન પાયલોટે વસુંધરા રાજેના નેતૃત્વવાળી ભાજપની સરકારના ભ્રષ્ટાચાર વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે અને ઘણા ધારાસભ્યો એમની સાથે છે. વેદ સોલંકી સહિત અનેક કોંગી ધારાસભ્યોનું આવું માનવું છે. આ સંજોગોમાં કોંગ્રેસનો ડખો ચરમસીમાએ દેખાઇ રહ્યો છે. વિધાનસભા ચૂંટણી આડે છ આઠ મહિના જ બાકી છે ત્યારે આંતરિક જુથવાદની મોટી કિંમત ભોગવવા કોંગ્રેસે તૈયાર રહેવું પડશે.