Rahul Gandhi Released Video : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પછી ખૂબ જ અલગ જોવા મળી રહ્યા છે. કર્ણાટકની ચૂંટણીના સમયે એક ડિલિવરી મેનની બાઈક પર બેસીને સવારી કરવાની હોય કે પછી મે મહિનામાં અંબાલા જઈને ટ્રક ડ્રાઈવરો સાથે તેમના મનની વાત સાંભળવાની વાત હોય. રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી આ રીતે જનતાની વચ્ચે જતા જોવા મળ્યા છે.
ગયા મહિને તેમણે દિલ્હીમાં એક બાઇક રિપેરિંગ વર્કશોપની મુલાકાત લીધી હતી. થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ હરિયાણાના સોનીપતમાં ખેડૂતો અને તેમના પરિવારો સાથે ખેતરમાં મુલાકાત કરી હતી. આ મુલાકાતની વાતચીતનો એક વીડિયો શેર કર્યો છે, જ્યાં રાહુલ ગાંધીએ ખેતરોમાં હળ ચલાવ્યું હતું અને બાદમાં ખેડૂતો સાથે રોટલી પણ ખાધી હતી.
વીડિયોમાં શું છે?
રાહુલ ગાંધીની યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ખેડૂતો સાથે વાત કરતા, જમીન ખેડતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતા તેમણે ટ્વિટ કર્યું કે ડાંગરનું વાવેતર, ખેડૂતો ભારતની તાકાત છે. હરિયાણાના સોનીપતમાં મારી મુલાકાત બે ખેડૂત ભાઈઓ સંજય મલિક અને તસબીર કુમાર સાથે થઈ હતી. તેઓ બાળપણના મિત્રો છે, જેઓ ઘણા વર્ષોથી સાથે મળીને ખેતી કરે છે.
આ પણ વાંચો – દિલ્હી અધ્યાદેશ પર આપને સમર્થન આપશે કોંગ્રેસ, હવે વિપક્ષી એકતાની બેઠકમાં અરવિંદ કેજરીવાલ ભાગ લેશે
રાહુલ ગાંધીએ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેમની સાથે મળીને ખેતરમા કામ કર્યું, ડાંગર વાવી, ટ્રેક્ટર ચલાવ્યું અને દિલ ખોલીને ઘણી વાત કરી. ગામની મહિલા ખેડૂતોએ તેમના પરિવારની જેમ પ્રેમ અને આદર આપ્યો અને ઘરે બનાવેલી રોટલી ખવડાવી.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતના ખેડૂતો સાચા અને સમજદાર છે. પોતાની મહેનત પણ જાણે છે, તેઓ તેમના અધિકારો પણ જાણે છે. જ્યારે જરૂર પડે છે ત્યારે તેઓ કાળા કાયદાઓ સામે ઉભા રહે છે, સાથે તે એમએસપી અને વીમાની યોગ્ય માંગ પણ ઉઠાવે છે. જો આપણે તેમની વાત સાંભળીએ, તેમની વાત સમજીએ તો દેશની અનેક સમસ્યાઓનું સમાધાન પણ થઇ શકે છે. વીડિયોમાં રાહુલ ગાંધી એમ પણ કહેતા નજરે પડે છે કે સરકારે તેમનું ઘર છીનવી લીધું છે.
મારી પાસે ઘર નથી, સરકારે છીનવી લીધું છે – રાહુલ ગાંધી
વીડિયોમાં હાજર મહિલાઓ જ્યારે રાહુલ ગાંધીને પૂછે છે કે તમે અમારા વિશે પૂછી રહ્યા છો, અમને તમારા વિશે જણાવો, આના જવાબમાં રાહુલ ગાંધી કહે છે કે હું દિલ્હીથી છું, મારી પાસે ઘર નથી, સરકારે છીનવી લીધું છે.