Rudraprayag Landslide Five Gujarati Deaths : ગુરુવારે મોડી રાત્રે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના તરસાલી વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે કાટમાળના ઢગલા હેઠળ વાહન દટાયાના કલાકો બાદ શુક્રવારે કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. અપડેટ માહિતી અનુસાર, 3 મુસાફરો ગુજરાતના છે, જેઓ ગુજરાતથી ઉત્તરાખંડ ફરવા આવ્યા હતા.
બચાવ કામગીરીમાં સામેલ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ટીમને સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, વાહન (રજીસ્ટ્રેશન નંબર UK07 TB 6315) ફાટાથી સોનપ્રયાગ તરફ જઈ રહ્યું હતું, ત્યારે ભૂસ્ખલનના કારણે કાટમાળ નીચે અચાનક દટાઈ ગયું હતું.
એસડીઆરએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રુદ્રપ્રયાગ જિલ્લા નિયંત્રણ કક્ષે ગુરુવારે રાત્રે દળને જાણ કરી હતી કે, તરસાલી વિસ્તારમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે એક વાહન ફસાયું છે. “ચીફ કોન્સ્ટેબલ મહેશ ચંદની આગેવાની હેઠળની એસડીઆરએફ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક બચાવ સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પરંતુ મુશળધાર વરસાદ અને ઉપરથી પથ્થરો પડતાં બચાવ કામગીરી અટકાવવી પડી હતી,” એસડીઆરએફે જણાવ્યું હતું. વરસાદ બંધ થતાં જ SDRFની ટીમે શુક્રવારે સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ સાથે કાટમાળના ઢગલાની બંને બાજુથી જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. મોટા પથ્થરો હટાવતા જ અમે જોયું કે એક સ્વિફ્ટ કાર કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. કારમાં સવાર પાંચ લોકોના મૃતદેહ કાટમાળના ઢગલામાંથી બહાર કાઢીને જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહોની ઓળખની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી.”
આજે ઉત્તરાખંડ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી એનએસ રાજવારે જણાવ્યું હતું કે, કાટમાળ નીચે દટાયેલા 3 મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં મૃતકોમાંના નામ (1) જીગર આર મોદી, (2) દેસાઈ મહેશ, (3) પરીક દિવ્યેશ ગુજરાતના રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે અન્ય બે મિન્ટુ કુમાર અને મનીષ કુમાર હરિદ્વારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૃતકો પાસેથી ઓળખ કાર્ડ મળી આવ્યા છે, જેમાં તેમના નામની પુષ્ટિ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉના દિવસે, મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કોટદ્વારના આપત્તિગ્રસ્ત વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં રોડ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા અને અસરગ્રસ્ત લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.
તેમની મુલાકાત દરમિયાન, તેમણે પાણી ભરાયેલા વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમની મરામત કરવા અને ફોગિંગ અને ચુનાના છંટકાવની ખાતરી કરવા અને આપત્તિના કારણે થયેલા નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન કરવા સૂચના આપી હતી.