Purvanchal Expressway Collapsed in Heavy Rain: ઉત્તર પ્રદેશમાં બનેલા પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પહેલો વરસાદ પણ સહન ન કરી શક્યો. બુધવારે 12 કલાકથી વધારે વરસાદ પડ્યો જેના કારણે ગુરુવાર રાત્રે સુલતાનપુરના હલિયાપુર પાસે એક્સપ્રેસ-વેના રસ્તામાં ગાબડું પડ્યું હતું. આ કારણે રસ્તા પર આશરે 12 ફૂટ જેટલો મોટો ખાડો પડ્યો હતો. એક કાર આ ખાડામાં ખાબકી હતી. જેના પગલે કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
આ ઘટના અંગે જાણ થતાં જ યુપીડાની ટીમ અને પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પહોંચીને કર્મચારીઓએ રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું હતું. કર્મચારીઓએ ઘાયલોને અયોધ્યા જિલ્લાના કુમારગંજ સ્થિત સૌ શૈય્યા હોસ્પિટલ ખસેડ્યા હતા. એક્સપ્રેસ વે ઉપર ખાડો પડવાના કારણે રૂટને બદલવામાં આવ્યો અને આ કારણે હાઈવે ઉપર ગાડીઓની લાંબી કતારો થઈ હતી.
આ ઘટનાથી યુપીડા વિભાગમાં હડકંપ મચી ગયો હતો. રાતમાં જ યુપીડાએ ક્રેન અને જેસીબીને મોકલીને રોડનું સમારકામ શરુ કર્યું હતું. શુક્રવાર સવાર સુધી રસ્તાના ખાડાને ભરી દીધા હતા. ઘટના સ્થળ ઉપર પહોંચેલી હલિયાપુર પોલીસ અને યુપીડાના અધિકારીઓ આખી રાત સ્થળ ઉપર જ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે ગત નવેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત નવેમ્બર મહિનામાં આ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કર્યું હતું.
સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ ઘટના ઉપર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. સરોજ યાદવ નામના ટ્વિટર યુઝર્સે લખ્યું છે કે માત્ર 10 મહિના પહેલા ઉદ્ઘાટન કર્યું છે. લખનઉ, બલિયા, પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉપર મોટી દુર્ઘટના ઘટી હતી. અતિવૃષ્ટીના કારણે એક્સપ્રેસ વે પર લગભગ 15 ફૂટ ઊંડો ખાડો પડવાથી અડધો ડઝન વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા.
આઝાદ ગાંધી નામના ટ્વિટર યુઝર્સે લખ્યું હતું કે જુમલા સરતાજ મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ પૂર્વાંચલ એક્સપ્રેસ પહેલા વરસાદને પણ સહન ન કરી શક્યો, વરસાદના કારણે એક્સપ્રેસ વે ધોવાયો અને રસ્તા ઉપર આશરે 15 ફૂટ ઊંડો ખાડો પડી ગયો. આ ખાડાને જોઈને લાગે છે કે પોતાના પસંદગીના કોન્ટ્રાક્ટરોને ખૂબ રેવડીઓ વહેચી છે.
સ્વાતિ મિશ્રા નામની ટ્વિટર યુઝર્સે લખ્યું હતું કે યુપીના નવા પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉપર વરસાદ બાદ 15 ફૂટ ઊંડો ખાડો પડ્યો હતો. અનેક ગાડીઓ ક્ષતીગ્રસ્ત થઈ હતી. થોડા જ સપ્તાહમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો આ બીજો મોટો મામલો છે. અત્યારે ખાડો પૂરવામાં આવ્યો છે. એક વાયરલ વીડિયો યાદ આવ્યો છે. દેશ બાદમાં સુરક્ષિત થશે પહેલા ખાડા સુરક્ષિત કરો.