PM Narendra Modi Visit Telangana : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના પ્રવાસે છે. પીએમ મોદી તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાં પહોંચ્યા હતા અને અહીં તેમણે બે મોટી જાહેરાત કરી હતી. પીએમ મોદીએ તેલંગાણામાં નેશનલ હળદર બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. સાથે તેમણે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય હળદર બોર્ડ હળદરની ખેતી સાથે સંકળાયેલું છે અને તેલંગાણામાં હળદરનું વાવેતર મોટા પાયે કરવામાં આવે છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ખેડૂતોના કલ્યાણ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય હળદર બોર્ડની જાહેરાત કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા તેલંગાણાની કેસીઆર સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેલંગાણા સરકાર ‘કાર’ની છે, પરંતુ તેનું સ્ટીયરિંગ કોઈ બીજાની પાસે છે. તમે પણ જાણો છો કે તેલંગાણા સરકાર કોણ ચલાવી રહ્યું છે. તેલંગાણાની પ્રગતિ બે પરિવાર સંચાલિત પાર્ટીઓએ રોકીને રાખી છે. આ બંને પક્ષોની ઓળખ ભ્રષ્ટાચાર અને કમિશનથી છે. આ બંને પક્ષોની એક જ ફોર્મ્યુલા છે પરિવારની પાર્ટી, પરિવાર દ્વારા અને પરિવાર માટે.
આ પણ વાંચો – AIADMK છૂટુ પડવાથી, ભાજપે શા માટે સંખ્યાઓથી આગળ મોટુ જોવાની જરૂર છે
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારે મુલુગુ જિલ્લામાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ યુનિવર્સિટીનું નામ પૂજ્ય દેવી સમ્મક્કા સરક્કાના નામ પરથી રાખવામાં આવશે. સમ્મક્કા સરક્કા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના માટે આશરે 900 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેલંગાણાની ભ્રષ્ટ સરકારે જો તેમાં રસ લીધો હોત તો વર્ષો પહેલા કેન્દ્રીય યુનિવર્સિટી બની જાત. કમનસીબે તેમણે યુનિવર્સિટી માટે જમીન ફાળવવાનો નિર્ણય પાંચ વર્ષ માટે ટાળી દીધો હતો. આનાથી સાબિત થાય છે કે રાજ્ય સરકારને આદિવાસીઓના હિતો અને ગૌરવની કોઇ પરવા નથી.
પીએમ મોદીએ કહ્યું કે ભારત હળદરનો સૌથી મોટો ઉત્પાદક, ઉપભોક્તા અને નિકાસકાર દેશ છે. હળદર જેવા સોનેરી મસાલા માટે કોઇ બોર્ડ ન હતું. ભાજપ સરકારે નેશનલ હળદર બોર્ડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી તેલંગાણાના ખેડૂતોને મોટો ફાયદો થશે. તેલંગાણા જેવા જમીનથી ઘેરાયેલા રાજ્ય માટે રેલ અને માર્ગ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી અહીં ઉત્પાદિત ઉત્પાદનોને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિવહન કરી શકાય અને નિકાસને વેગ મળી શકે. હું ઇચ્છું છું કે તેલંગાણાના લોકો વિશ્વના બજારોનો કબજો લે અને તેથી ઘણા મહત્વપૂર્ણ આર્થિક કોરિડોર તેલંગાણામાંથી પસાર થાય છે.